<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

છેલ્લા કેટલાક દિ'થી આયુષ્‍યમાન કામગીરી ઠપ્‍પઃ એક-બીજાને ખો આપતું તંત્ર

લોકોને પડતી હાલાકી તુરંત દૂર કરવા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની માંગ

રાજકોટ, તા.૨૬: શહેર ભરના ૨૩ આરોગ્‍ય કેન્‍દ્ર પર આયુષ્‍યમાન કાર્ડ નીકળતા બંધ થતા લોકોને ભારે હાલાકી પડતા શહેર કોંગ્રેસ દ્વારા અધિકારીઓને ઠંઠોળી શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ કામગીરી તુરંત શરૂ કરવા માંગ કરી છે.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ રાજકોટ શહેરમાંથી છેલ્લા પાંચેક દિવસથી રાજકોટ મહાનગરપાલિકાના ૨૩ આરોગ્‍ય કેન્‍દ્ર પરથી આયુષ્‍યમાન કાર્ડ નીકળવાનું સદંતર ઠપ્‍પ થઈ ગયું છે. જો કે અમુક આરોગ્‍ય કેન્‍દ્ર પર તો લાંબા સમયથી આ કામગીરી આટોપી લેવામાં આવી છે. મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી સાથે વાત થયા મુજબ રાજ્‍ય સરકારના સોફ્‌ટવેરમાં ફેરફારને કારણે સમસ્‍યા ભી થઈ છે. જે આવકના દાખલા ઉપર આયુષ્‍યમાન કાર્ડ નીકળતા હતા, તે બંધ થયા છે. અને કયારે શરૂ થશે એ કાંઈ નક્કી ન કહી શકાય એટલે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ અંગે કયારેક રાજ્‍ય સરકારના સોફ્‌ટવેર અને કયારેક કેન્‍દ્ર સરકારના સોફ્‌ટવેર અને કયારેક રાજકોટ મહાનગરપાલિકાના અણઘડ વહીવટને પગલે જન્‍મ મરણ ના દાખલા, આધારકાર્ડ, આયુષ્‍માન કાર્ડ જેવા અગત્‍યના દસ્‍તાવેજો અને જે આરોગ્‍યમાં જરૂરી હોય તે સંપૂર્ણપણે જ્‍યારે બંધ હોય ત્‍યારે મહાનગરપાલિકાથી લઈને ઉપર સુધી છેક કેન્‍દ્ર સરકાર સુધી ભાજપ સરકાર હોય અને તેમ છતાં સરકારો અને મહાનગરપાલિકા નગરપાલિકા વચ્‍ચે સંકલનના અભાવે લોકોને ભોગવવાનું આવે છે. લાઈનો બંધ થતી નથી. લોકોને કોઈ પણ ડોકયુમેન્‍ટ માટે સવારથી સાંજ સુધી ધક્કા ખાવા પડે છે. ખામીયુક્‍ત સોફ્‌ટવેર કયારે શરૂ કરાશે તેની કોઈ માહિતી ઉપરથી નીચે સુધીના સરકારી તંત્ર પાસે ન હોવાને બદલે લોકોને રોજબરોજ આયુષ્‍માન કેન્‍દ્ર પર આટા ફેરા કરવા પડે છે, તેમ અંતમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી એ જણાવ્‍યું હતું.

(3:22 PM IST)