<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

ગાંધીગ્રામ વિસ્‍તારની ૧૫ વર્ષની અપહૃત સગીરાને ગાંધીગ્રામ પોલીસે કુનેહપુર્વક શોધી કાઢીઃ હકો અને અમનની ધરપકડ

બાળા મોબાઇલ વાપરતી ન હોઇ પોલીસ માટે તપાસ કપરી હતીઃ હેડકોન્‍સ. મશરીભાઇ ભેટારીયા, મુકેશભાઇ, પ્રદિપભાઇની મહેનત સફળ થઇઃ પીઆઇ મેઘાણી, પીએસઆઇ જાડેજાની ટીમે બાળાનું પરિવાર સાથે મિલન કરાવ્‍યું

રાજકોટ તા. ૨૬: શહેરના ગાંધીગ્રામ વિસ્‍તારમાં રહેતી ૧૫ વર્ષની બાળા બે દિવસ પહેલા ઘરે ચિઠ્ઠી મુકીને જતી રહી હતી. ચિઠ્ઠીમાં તેણીએ પોતાને કમળાની બિમારી હોવાથી કંટાળીને ઘર મુકી રહી હોવાનું લખ્‍યું હતું. પરિવારજનોએ ગૂમ થયાની નોંધ ગાંધીગ્રામ પોલીસને કરતાં પોલીસે સગીર ગુમ થવાના કિસ્‍સામાં અપહરણનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. બાળા પાસે મોબાઇલ ફોન પણ ન હોઇ તેને શોધવાનું કામ કપરૂ થઇ ગયું હતું. ગાંધીગ્રામ પોલીસે કુનેહપુર્વક તપાસ કરી બાળાની ભાળ મેળવી તેને ભગાડી જનાર અને મદદગારી કરનાર એમ બે શખ્‍સને પકડી લીધા હતાં.

અપહૃત બાળાને શોધી કાઢવા ગાંધીગ્રામ પોલીસની ટીમ કામે લાગી હતી. એ દરમિયાન હેડકોન્‍સ. મશરીભાઇ ભેટારીયા, મુકેશભાઇ સબાડ અને પ્રદિપભાઇ ડાંગરને મહત્‍વની માહિતી મળી હતી. એક રિક્ષાચાલકે ફોટાના આધારે આ બાળાને ઓળખી કાઢી હતી અને માધાપર ચોકડીથી સ્‍પેશીયાલ ભાડુ કરી આ બાળા ગ્રીનલેન્‍ડ ચોકડીએ ઉતરી કોઇ છોકરા સાથે વાત કરવી હોઇ ત્‍યાં હાજર કડુ પહેરેલા ભાઇ પાસેથી ફોન લઇ વાત કરી હોવાની માહિતી મળી તી. આના આધારે ટીમ કામે લાગી હતી અને સીસીટીવી કેમેરા, ટેકનીકલમ સોર્સની મદદથી બાળાને કુવાડવા રોડના ડી માર્ટ મોલમાંથી શોધી કાઢી હતી. તેની સાથે તેને ભગાડી જનાર હકો ઉર્ફ મહાવીરસિંહ ઉર્ફ ભુપેન્‍દ્રસિંહ ઉર્ફ ભુપતસિંહ વાઘેલા (ઉ.વ.૨૨-રહે. પીપળી ધામ તા. પાટડી, મુળ રામપુરા વાઘેલા વાસ ગાંધીનગર) તથા તેને મદદ કરનાર અમન બનારસભાઇ ગુપ્‍તા (ઉ.વ.૨૪-રહે. ભગીરથ સોસાયટી સંત કબીર રોડ)ને પકડી લીધા હતાં.

બાળા મોબાઇલ ફોન વાપરતી ન હોઇ તેના માતાનો ફોન ચેક કરતાં તેમાં તેણી સ્‍નેપચેટથી કોઇ સાથે વાત કરતી હોવાનું જાણવા મળ્‍યું હતું. પોલીસની ટીમોએ રિક્ષાચાલકોની પુછતાછ કરી હતી અને તેના થકી માહિતી મેળવી હતી. આરોપીઓ પૈકી હકો ઉર્ફ મહાવીરસિંહ અગાઉ પણ ગાંધીગ્રામ પોલીસમાં વર્ષ ૨૦૨૪માં પોક્‍સોના ગુનામાં પકડાયો હતો. જ્‍યારે અમન બી-ડિવીઝનમાં અપહરણ-બળાત્‍કાર ગુનામાં પકડાયો હતો.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઇ એસ. બી. જાડેજા, હેડકોન્‍સ. મશરીભાઇ ભેટારીયા, હંસરાજભાઇ ઝાપડીયા, અમીતભાઇ કોરાટ, અમિતભાઇ કોરાટ, રવિભાઇ ગઢવી, સહદેવસિંહ જાડેજા, શબ્‍બીરખાન મલેક, કોન્‍સ. અમીનભાઇ ભલુર, રોહિતદાન ગઢવી, મુકેશભાઇ સબાડ, રઘુવીરસિંહ જાડેજા, ભરતભાઇ મકવાણા, પ્રશાંતભાઇ ગજેરાએ આ કામગીરી કરી હતી.

(3:44 PM IST)