તા. ૨૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૩ રવિવાર
News of Saturday, 29th March 2025
હિરાસર એરપોર્ટનું સમર શેડયુલ જાહેરઃ રોજની ૧૫ ફલાઇટો આવશે-જશેઃ પુના માટે ૪ ફલાઇટ જાહેર
ઇન્ડિગોએ દિલ્હી- રાજકોટ- પુના નવી ફલાઇટ આપીઃ મુંબઇ માટે રોજની પ ફલાઇટ

રાજકોટ તા.૨૯: રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર ચોટીલા પાસે હિરાસરમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૩૦ માર્ચથી ૨૫ ઓકટોબર ૨૦૨૫ સુધી ઉડાન ભરનારી ફલાઇટનુ સમર શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટથી ૧૫ ફ્લાઇટ ઉડાન ભરશે. આ સમર શેડ્યુલમાં મુંબઇની ૫, દિલ્હી-પુનાની ૨-૨, વડોદરા, અમદાવાદ, હૈદરાબાદ, ગોવા, બેંગ્લોર, સુરતની ૧-૧ ફ્લાઈટ ઉડાન ભરશે. આ ઉપરાંત અમદાવાદ-વડોદરાની ફ્લાઇટ શરૂ કરવામા આવશે તો પુનાની ફ્રિકવન્સિ વધારવામા આવશે પરંતુ સવારે દિલ્હી જવા એક પણ ફલાઈટ ઉડાન નહીં ભરે. આ ઉપરાંત આંતર જિલ્લાની હવાઈ સેવામાં દરરોજ બપોરે રાજકોટ-સુરત ૯ સીટરનું નાનુ વિમાન ઉડશે. ઈન્ડિગો એરલાઈન્સ કંપનીએ એક વધારાની ફલાઈટ દિલ્હી-રાજકોટ-પુના મુકી છે જે ડેઈલી બપોરે ૧:૨૫ કલાકે લેન્ડ થઈ બપોરે ૨ વાગ્યે પુના જવા ટેક ઓફ થશે.
સાપ્તાહિક સેવામાં પુના-રાજકોટ-પુના સપ્તાહમાં દર મંગળ, બુધ, ગુરૂ, રવિવારે અને ગોવા-રાજકોટ-ગોવા સપ્તાહમાં દર સોમ, મંગળ, ગુરૂ, શનિવારે ઉડાન ચાલુ રહેશે. શિયાળુ ઋતુના સમય પત્રકમાં સ્ટાર એર કંપનીએ રાજકોટ અમદાવાદ-વડોદરાનો સ્લોટ લીધો પણ ફલાઈટની સેવા શરૂ કરી નથી. ફરી સમર શિડયુલમાં પણ ડેઈલી અમદાવાદ- રાજકોટ-વડોદરા સવારે ૮:૦૫ કલાકે લેન્ડીંગ બાદ ૮:૩૦ કલાકે ટેક ઓફ થશે. જયારે વડોદરા-રાજકોટ-અમદાવાદ ડેઈલી ૧૨-૨૦ કલાકે આગમન અને ૧૨:૪૫ કલાકે આગમન અને ૧૨:૪૫ કલાકે ઉપડશે.(૨.૧૩)
(11:13 AM IST)










