તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
ઇલેક્ટ્રીકલ્સ કંપનીના માલિકના નામે વ્હોટ્સએપથી ડિલરોને, કર્મચારીઓને મેસેજ મોકલી રૂપિયા મંગાયા
છેતરપીંડી કરવાનો પ્રયાસ થયોઃ અયોધ્યા ચોકમાં રહેતાં કંપનીના કર્મચારી મલ્હાર જોષીની સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદઃ પીઆઇ બી. બી. જાડેજાએ તપાસ શરૂ કરી : ગોવાના ડિલરને વિનીત બેડીયાના નામે ફોન કરી રાજકોટના મિત્રને ગોવામાં અકસ્માત નડયો છે, મદદ કરજો તેવું કહી એકાઉન્ટ નંબર મોકલાતાં ૧.૨૦ લાખ ટ્રાન્સફર કરી દીધા

રાજકોટ તા. ૨૯: સિલ્વર કન્ઝુમર ઇલેક્ટ્રીકલ્સ કંપનીના માલિકના નામે વ્હોટ્સએપ આઇડી બનાવી તેમાં તેના ફોટા મુકી કંપનીના ડિલરો પાસેથી પૈસા માંગી તેમજ કંપનીમાં કામ કરતાં માણસોને ઇમેઇલ કરી છેતરપીંડીનો પ્રયાસ કરવામાં આવતાં સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ શિતલ પાર્ક પાછળ આરકે વર્લ્ડ પાછળ દ્વારકાધીશ હાઇટ્સ બી-૧૦૪માં રહેતાં અને લોધીકાના હરિપર તરવડા ગામે સિલ્વર કન્ઝયુમર ઇલેક્ટ્રીક્સ લિમીટેડ નામની કંપનીમાં નોકરી કરતાં મલ્હારભાઇ હર્ષદભાઇ જોષી (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી બે અલગ અલગ મોબાઇલ નંબરના ધારક કે બે ઇ-મેઇલ એડ્રેસના ધારકો સામે ગુનો નોંધ્યો છે.
મલ્હારભાઇએ જણાવ્યું છે કે આ કંપનીના માલિક વિનીતભાઇ બેડીયા છે. તા. ૭/૧ના રોજ કંપનીના માલિકે મને જાણ કરી હતી કે આપણી કંપનીના ડિલરો અને સહયોગીઓના મને મેસેજ આવ્યા છે કે તેમને એક મોબાઇલ નંબરમાંથી વ્હોટ્સએપમાં મેસેજ મળે છે જેમાં ડીપીમાં મારો ફોટો છે અને મારે (વિનીત બેડીયા)ને પૈસાની જરૂર છે તેવા મેસેજ કરવામાં આવે છે. આ પછી ૨૧/૩ના રોજ અમારા કંપનીના પણજી ગોવાના ડીલર ગોૈતમ શંકારદાસને પણ અમારી કંપનીના માલિકના નામે વ્હોટ્સએપ કોલ ગયો હતો. જેમાં કોલ કરનારે હું વિનીત બેડીયા બોલુ છું, મારા મિત્ર રાજકોટથી ગોવા આવ્યા છે તેને અકસમાત નડયો છે, તેને પૈસાની જરૂર છે તો ૧,૨૦,૦૦૦ આપજો તેમ કહી બેંક એકાઉન્ટની વિગત મોકલી હતી. એ પછી એકાઉન્ટ નંબર આપતાં અમારા ડિલર ગોૈતમ શંકરદાસે આ રકમ ટ્રાન્સફર કરી દીધી હતી.
બાદમાં ૨૪/૩ના રોજ ગોૈતમ શંકરદાસે અમારી કંપનીના સેલ્સ મેનેજર યુવરાજ કવાડેને કહેલુ કે વિનીત બેડીયાના નામે કોલ કરી ફરીથી પૈસા માંગાવમાં અ ાવે છે. પણ મેં પૈસા આપ્યા નથી. આ પછી કંપનીના માલિકને જાણ કરતાં તેણે કંપનીમાંથી કોઇ ગોવા ગયું નથી તેમ કહ્યું હતું. આ પછી અમે કંપની સાથે સંકળાયેલા તમામ લોકોને જાણ કરી હતી કે કંપની માલિક વિનીત બેડીયાના નામે મેસેજ કે કોલ આવે અને પૈસાની માંગણી થાય તો કોઇએ પૈસા આપવા નહિ. આ પછી અમારી કંપનીના કર્મચારી ડેનીશ રૈયાણીને મેઇલ કરી અજાણ્યાએ વિનીત બેડીયાની ઓળખ આપી કહેલુ કે માર્ચ એન્ડીંગ છે તો તું કંપની બોનસના ટોકન વેંચ હું તને એડીશનલ રિવોર્ડ આપીશ. આ રીતે કંપનીના નામે, કંપનીના માલિકના નામે ખોટા વ્હોટ્સએપ આઇડી બનાવી તેમાં ડીપીમાં કંપનીના માલિકના ફોટા રાખી પૈસા માંગી છેતરપીંડી કરવામાં આવી હોઇ ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં મલ્હારભાઇએ કહેતાં પીઆઇ બી. બી. જાડેજાએ તપાસ હાથ ધરી છે.
(3:53 PM IST)










