<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

ટુર ટ્રાવેલ્‍સના સંચાલકના ગાંધીગ્રામના દંપતિ-પુત્રએ ૭.૨૦ લાખ રૂપિયા ખાઇ જઇ માથે જતાં ધમકી દીધી

વામ્‍બે આવાસના મહેન્‍દ્રભાઇ લકુમ જેની કાર વર્ષોથી હંકારતાં હતાં એ શેઠાણીના વેવાણ, વેવાઇ અને તેના પુત્ર વિરૂધ્‍ધ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદઃ મહિલાએ વિડીયો કોલ કરી બિભત્‍સ હરકતો કર્યાનો પણ આરોપ મહેન્‍દ્રભાઇએ પોતાની કાર પર લોન લઇ નાણા દીધાઃ મહિલાને સોનાનું પેન્‍ડલ લઇ દીધું, તેની દિકરીને લેપટોપ લઇ દીધું, તેણીના પતિને પણ નાણા આપ્‍યા હતાં

રાજકોટ તા. ૩૧: શહેરમાં રહેતાં અને ટુર ટ્રાવેલ્‍સનું સંચાલન કરતાં યુવાનને તે જે મહિલાની કારનું વર્ષોથી ડ્રાઇવીંગ કરતો હતો એ મહિલાના વેવાણ, વેવાઇ અને આ બંનેના પુત્રએ અલગ અલગ સમયે ૧૦,૬૦,૦૦૦ રૂપિયા મેળવી લઇ તેમાંથી ૩,૪૦,૦૦૦ પાછા આપી બાકીના ૭ લાખ ૨૦ હનજાર ન આપી માથે જતાં ધમકી આપી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરતાં ફરિયાદ થઇ છે. મહિલાએ વિડીયો કોલ કરી  બિભત્‍સ હરકતો કર્યાનો આરોપ પણ ફરિયાદમાં મુકાયો છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે કાલાવડ રોડ પર સયાજી હોટલ સામે વામ્‍બે આવાસ યોજના ક્‍વાર્ટર બ્‍લોક નં. ૨ ફલેટ નં. ૩માં રહેતાં અને ટુર ટ્રાવેલ્‍સનો ધંધો કરતાં મહેન્‍દ્રભાઇ વિનોદભાઇ લકુમ (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી સ્‍ટર્લિંગ હોસ્‍પિટલ પાછળ નંદવાટીકા એપાર્ટમેન્‍ટ સી-૨૦૨માં રહેતાં ચેતનાબેન ભરતભાઇ ધાંધીયા, તેના પતિ ભરતભાઇ ધાંધીયા અને પુત્ર ધાર્મિક ભરતભાઇ ધાંધીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

મહેન્‍દ્રભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું. વર્ષ ૨૦૨૨-૨૩માં ચેતનાબેન ધાંધીયાના વેવાણ તૃપ્‍તીબેનની કારનું ડ્રાઇવીગ કરતો હતો. અગિયારેક વર્ષ મેં તેમનું કામ કર્યુ હોઇ તેમના પરિચયમાં આવ્‍યો હતો. તૃપ્‍તીબેન જે સામાન આપતાં એ હું ચેતનાબેનને ત્‍યાં આપવા માટે જતો હતો. આથી ચેતનાબેન મારા પચિયમાં આવ્‍યા હતાં. એ વખતે અમે એકબીજાના મોબાઇલ નંબર લીધા હતાં. ચેતનાબેનના પતિ ભરતભાઇ પણ મારા પરીચયમાં આવ્‍યા હતાં. બે વર્ષ પહેલા ભરતભાઇને ધંધા માટે પૈસાની જરૂર હોઇ મેં તેને મારી કાર જીજે૦૩એચકે-૦૭૬૫ ઉપર લોન કરી પાંચ લાખ દીધા હતાં. તેનું મેં કોઇ લખાણ કર્યુ હતું. ત્‍યારે ભરતભાઇએ કહેલુ કે આ પૈસા ઉછીના તમારી પાસેથી લીધા છે તેની જાણ અમારા વેવાઇને ન કરતાં. જેથી મેં વાત કરી નહોતી.

ત્‍યારબાદ મને ચેતનાબેનનો ફોન આવેલો કે મારા દિકરા ધાર્મિકની સગાઇ માટે મેં સોનાના દાગીના બનાવડવાયા છે જે આર્ય જ્‍વેલર્સમાં મારે ૧ લાખ આપવાના છે. આથી મેં ફાયનાન્‍સમાંથી ૧ લાખની લોન કરી આ રકમ જ્‍વેલર્સમાં ભરી દીધી હતી. એ પછી ચેતનાબેન અવાર-નવાર મને ફોન કરતાં હતાં અને મને વિડીયો કોલ કરી પોતાના કપડા ઉતારતાં હતાં. જો કે મેં કદી ચેતનાબેન સાથે શરીર સંબંધ બાંધેલ નથી.  આ પછી એક દિવસ ચેતનાબેને મને તેના ઘરે બોલાવ્‍યો હતો અને મારી પાસે રડીને કહેલુ કે તમે સારા માણસ છો કે અમને હેલ્‍પ કરી. આ રીતે તેણે મને વિશ્વાસમાં લીધો હતો. ત્‍યારબાદ મેં તેને જરૂર પડે ત્‍યારે કટકે કટકે પૈસાની મદદ કરી હતી. એક દિવસ ચેતનાબેને પોતાને સોનાનું પેન્‍ડલ લેવુ છે તેવી વાત કરતાં મેં ૭૦ હજારનું પેન્‍ડલ રાધીકા જ્‍વેલર્સમાંથી લાવી આપ્‍યું હતું. બાદમાં ચેતનાબેનના દાગીના બેંકમાં હોઇ તેના પણ ૭૦હ જાર મેં ભર્યા હતાં. એક વખત તેને મેરેજમાં જવા જરૂર હોઇ ૧૦ હજાર રોકડા આપ્‍યા હતાં.

આ પછી તેમની દિકરીના વિઝા કઢાવવા માટે જરૂર હોઇ મેં બે લાખની લોન કરાવીને તેને આપ્‍યા હતાં. એ પછી તેણીએ મારી પાસેથી ૧૭ હજારનો મોબાઇલ ફોન લેવડાવ્‍યો હતો. ત્‍યારબાદ તેની દિકરીના લગ્ન હોઇ ચેતનાબેનના પતિ ભરતભાઇએ ૧ લાખ માંગતા મેં દીધા હતાં. તેનું કોઇ લખાણ નહોતું. ત્‍યારબાદ તેની દિકરીને નવુ લેપટોપ લેવુ હોઇ રૂા. ૪૫૩૯૨નું લેપટોપ લાવીને મેં આપ્‍યું હતું અને તેના હપ્‍તા મેં ભર્યા હતાં. આ રીતે ચેતનાબેને મારી પાસે કટકે કટકે રોકડા, દાગીના મળી રૂા. ૧૦,૬૦,૦૦૦ લઇ લીધા હતાં. જેમાંથી ભરતભાઇએ ૩,૪૦,૦૦૦ પાછા આપ્‍યા હતાં. બાકીના ૭,૨૦,૦૦૦ મારે લેવાના હોઇ તે પાછા માંગતા મારી સાથે ખરાબ વર્તન કરી મને ફોન કરી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી કહેલું કે તારા જેવા મારું કંઇ બગાડી ન શકે. એ પછી ચેતનાબેનના દિકરા ધાર્મિકે મને ફોન કરી ધમકી આપી તાર ુ ઘર બગાડુ નહિ તો કહેજે તેમ કહ્યું હતું. ભરતભાઇને પણ મેં ગાડી પર લોન અપાવી હોઇ તે રકમ પાછી માંગતા તેણે પૈસા નથી આપવા થાય તે કરી લેજે કહી ધમકી આપી હતી. આમ મારી પાસે આ પતિ-પત્‍નિ અને તેના પુત્રએ પૈસા પડાવી રકમ પાછી ન આપી ધમકી આપતાં ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં જણાવતાં ગાંધીગ્રામના એએસઆઇ જે. એમ. બોસીયાએ તપાસ હાથ ધરી છે.

(3:02 PM IST)