News of Monday, 31st March 2025
ખંઢેરીના ૮૫ વર્ષના વૃધ્ધ પરાપીપળીયા નજીક ટ્રેનની ઠોકરે ચડી જતાં મોત
મુળુભાઇ ઘરેથી આટો મારવા નીકળ્યા હતાં: ઓછુ સાંભળતા હોઇ ટ્રેનનો અવાજ ન સાંભળી શક્યાઃ સીપરીયા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૩૧: જામનગર રોડ પર પરાપીપળીયા પાસે ખંઢેરીના વૃધ્ધ ટ્રેનની ઠોકરે આવી જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. આ વૃધ્ધ ઘરેથી આટો મારવા નીકળ્યા હતાં. તેઓ કાને ઓછુ સાંભળતા હોઇ પાટા ઓળંગી રહ્યા હતાં ત્યારે જ ટ્રેન આવી જતાં દુર્ઘટનાનો ભોગ બની ગયા હતાં.
જાણવા મળ્યા મુજબ જામનગર રોડ પર આવેલા ખંઢેરી ગામમાં રહેતાં મુળુભાઇ લક્ષ્મણભાઇ સીપરીયા (ઉ.વ.૮૫) નામના વૃધ્ધ સવારે ઘરેથી આટો મારવા નીકળ્યા બાદ પરાપીપળીયા ગામના રેલ્વે ફાટક પાસે ટ્રેનની ઠોકરે આવી જતાં મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. ગાંધીગ્રામ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક નિવૃત જીવન જીવતાં હતાં. સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. પોતે કાને ઓછુ સાંભળતા હોઇ પાટા ઓળંગી રહ્યા હતાં ત્યારે ટ્રેન આવી જતાં અવાજ નહિ સાંભળી શકતાં ઠોકરે આવી ગયા હતાં અને મૃત્યુ થયું હતું. મોભીના મૃત્યુથી સીપરીયા પરિવારમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૧૨)
(3:42 PM IST)










