<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

સૌરાષ્‍ટ્રના યાર્ડોમાં શેષની આવકમાં રાજકોટ યાર્ડ પ્રથમ સ્‍થાને : આવકમાં ૪ કરોડનો વધારો

ચેરમેન જયેશભાઇ બોઘરા દ્વારા પ્રગતિ અહેવાલ રજુ કરાયોઃ ૪૩ કરોડના વિકાસ કામો કરાયાઃ યાર્ડ દ્વારા ગોડાઉન, દુકાનો અને પ્‍લેટફોર્મ માટે વધુ જમીનની માંગણી કરાઇ :ચેરમેન જયેશભાઇ બોઘરાએ ચાર્જ સંભાળેલ ત્‍યારે યાર્ડની વાર્ષિક આવક ર૦ કરોડ હતીઃ ઉમદા વહીવટની યાર્ડની આવકમાં સતત વધારો

રાજકોટ, તા.૧, રાજકોટ માર્કેટ યાર્ડના વર્તમાન ચેરમેન જયેશભાઈ બોઘરાએ યાર્ડનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. તારીખ ૦૨.૧૨.૨૦૨૧ થી ચાર્જ સંભાળ્‍યા બાદ યાર્ડની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે.  તેના કાર્યકાળમાં ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માં માર્કેટયાર્ડની કુલ આવક ૪૧ કરોડ સુધી લઇ જવામાં આવી છે. જે ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષમાં ૪ કરોડ નો વધારો એટલે કે અંદાજે ૧૩% વધારો થયેલ છે. સૌરાષ્‍ટ્રના યાર્ડોમાં આવકની દૃષ્‍ટીએ રાજકોટ યાર્ડનો પ્રથમ નંબર હોવાનો ચેરમેન જયેશભાઇ બોઘરાએ જણાવ્‍યું હતું.

 ચેરમેન જયેશભાઈ બોઘરા દ્વારા સૌરાષ્‍ટ્રના સહકારી અગ્રણી જયેશભાઇ રાદડીયાના માર્ગદર્શન હેઠળ અત્‍યારસુધીમાં અંદાજીત ૪૩ કરોડના વિકાસના કામ કરવામાં આવેલ છે. તેમજ વર્ષ ૨૦૨૫-૨૬ માં અંદાજીત ૮ કરોડથી વધુના વિકાસના કામ કરવામાં આવનાર છે.

ચેરમેન જયેશભાઈ બોઘરાએ ચાર્જ સંભાળેલ તે સમય દરમ્‍યાન માર્કેટયાર્ડની કુલ આવક ૨૬ કરોડની આસપાસ રહેતી હતી, જે વધારીને ૪૧ કરોડ સુધી લઇ જવામાં આવી છે,

જુના માર્કેટયાર્ડ સંકુલમાં હયાત તમામ મેઈન રોડ કે જ્‍યાં ટ્રાફિક ભારણ વધુ રહેતું હોઈ ત્‍યાં આર.સી.સી. રોડ અને બાકીના રોડને ડામર રોડ બનાવવામાં આવેલ છે, તેમજ વધારાના ટોઇલેટ બ્‍લોક બનાવી તેનું સંચાલન ખાનગી એજન્‍સીઓને સોંપી સમગ્ર યાર્ડ સંકુલમાં સ્‍વચ્‍છતા બાબતે કડક ધોરણો અપનાવામાં આવેલ છે.

આવનાર સમયમાં નવા યાર્ડ ખાતે ખેડૂતોની માલના રક્ષણ માટે નવા પ્‍લેટફોર્મ તેમજ જુના માર્કેટયાર્ડમાં બાકી રહેલ પ્‍લેટફોર્મ નંબર ૧ નું રીનોવેશન તેમજ શાકભાજી મેઈન રોડ પર આવેલા ડુંગળીના પ્‍લેટફોર્મનું રીનોવેશન હાથ ધરવામાં આવનાર છે.

માર્કેટયાર્ડમાં કામ કરતાં લાયસન્‍સદાર હમાલ/મજુર/તોલાટ વ્‍યક્‍તિઓના આકસ્‍મિક અવસાન બદલ રૂપિયા ૫૦,૦૦૦ સહાયની નવી યોજના ચાલુ કરવામાં આવેલ છે.  સરકારશ્રીની ખેડૂતોને લગતી ઓનલાઈન સેવાનો લાભ ખેડૂતોને મળી રહે તે હેતુથી માર્કેટયાર્ડમાં કિશાન સેવા કેન્‍દ્ર ચાલુ કરવામાં આવેલ છે.  બજાર સમિતિ દ્વારા નહિ નફો અને નહી નુકશાનના ધોરણે બજાર સમિતિ રાજકોટની બ્રાન્‍ડનેમથી ઘઉં વેચાણ માટેનું રીટેઇલ કેન્‍દ્ર માર્કેટયાર્ડમાં ખોલવામાં આવેલ છે.

તેમજ  રાજકોટ માર્કેટયાર્ડના મુખ્‍યયાર્ડ તેમજ સબયાર્ડમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરી ઘનિષ્ઠ સફાઈ ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે. તેમજ બજાર સમિતિના શાકભાજી યાર્ડમાંથી નીકળતા લીલા કચરાના નિકાલ માટે બાયોવેસ્‍ટ પ્‍લાન્‍ટ નાખવામાં આવેલ છે. જેમાં લીલા કચરાનું પ્રોસેસિંગ કરી ઉત્‍પન્ન થતા ખાતરનું ખેડૂતોમાં રાહતદરે વિતરણ કરવામાં આવે છે.   રાજકોટ માર્કેટયાર્ડમાં ખરીદ વેચાણ માટે અન્‍ય રાજ્‍યમાંથી આવતા વેપારીઓ માટે આરામગળહની સગવડ આપવામાં આવેલ છે.   માર્કેટયાર્ડમાં વોટર પ્‍યુરીફાઈ ટેકનીક થી વોટર પ્‍લાન્‍ટ ચાલુ કરવામાં આવેલ છે. જેનાથી બજાર ભાવથી નીચાદરે ગોડાઉન/દુકાનો ધરાવતાં માલિકોને ડોર ટુ ડોર પાણી પહોચાડવામાં આવી રહેલ છે.

યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાએ અંતમાં જણાવ્‍યું હતું કે બજાર સમિતિ રાજકોટ દ્વારા સરકાર પાસે વધુ જમીનની માંગણી કરવામાં આવેલ છે. જે મંજુર થયે ત્‍યાં ખેડૂતોના માલના સ્‍ટોરેજ હેતુથી ગોડાઉન/દુકાનો અને પ્‍લેટફોર્મ બનાવવામાં આવનાર છે.  બજાર સમિતિ રાજકોટમાં ખેડૂતોના માલને વાતાવરણની પ્રતિકુળ અસરથી બચાવવાના હેતુ થી નવો બનાવવામાં આવેલ પીઇબી શેડ સમગ્ર રાજ્‍યમાં સૌથી મોટો છે.  બજાર સમિતિ રાજકોટના મુખ્‍યયાર્ડમાં હયાત પ્‍લેટફોર્મ વચ્‍ચેના રોડને પણ કવર કરી પ્‍લેટફોર્મ ઉપર ડોમ બનાવવામાં આવેલ છે. જેથી વરસાદી વાતાવરણથી સંપૂર્ણ સુરક્ષા આપી શકાય છે. (૯.૧૭)

(2:49 PM IST)