News of Tuesday, 1st April 2025
રાજકોટના હર્ષદ ઘાટલીયા પર મેટોડામાં સોયેબનો છરીથી હુમલોઃ ગંભીર ઇજા
સુપરવાઇઝર તરીકે કામ કરતાં હર્ષદે અગાઉ સોયેબની બહેનને નોકરીમાંથી છુટ કરાવી હોઇ ખાર રાખી ‘ક્યાં છો?' એવું ફોનમાં પુછ્યા બાદ રિક્ષામાં બીજા શખ્સો સાથે આવી હુમલો કરાયાનો આક્ષેપ

રાજકોટ તા. ૧: શહેરના સામા કાંઠે રાજારામ સોસાયટીમાં પાણીના ટાંકા પાસે રહેતાં અને મેટોડામાં પ્રાઇવેટ કંપનીના સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં હર્ષદભાઇ મગનભાઇ ઘાટલીયા (ઉ.વ.૪૨) પર મેટોડા જીઆઇડીસીના ગેઇટ-૨ પાસે સીટી બસ સ્ટોપ નજીક મેટોડામાં જ રહેતાં મુળ તાલાલના સોયેબ નામના શખ્સે છરીથી હુમલો કરી છાતી, પેટ, પડખામાં ઘા મારી દેતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
જાણવા મળ્યા મુજબ હર્ષદભાઇ ઘાટલીયા ગઇકાલે ઇદના દિવસે મેટોડા ગેઇટ-૨ પાસે હતો ત્યારે અહિ જ રહેતાં સોયેબે ફોન કરી તું ક્યાં છો? તેમ પુછતાં તેણે ગેઇટ-૨ પાસે હોવાનું કહેતાં થોડીવારમાં જ સોયેબ સહિતના શખ્સોએ રિક્ષામાં આવી હુમલો કર્યો હતો. જેમાં સોયેબે છરીના ઘા મારી દેતાં ગંભીર ઇજા થઇ હતી. માણસો ભેગા થઇ જતાં સોયેબ સહિતના ભાગી ગયા હતાં અને હર્ષદભાઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ મેટોડા પોલીસને જાણ કરી હતી.
હર્ષદભાઇએ કહ્યું હતું કે હું શાપરની ખાનગી કંપનીના સુપરવાઇઝર તરીકે મેટોડામાં નોકરી કરુ છું. મારુ કામ અલગ અલગ કંપનીને મજુરો પુરા પાડવાનું હોય છે. અગાઉ મારી સાથે સોયેબની બહેન પણ આ કંપનીમાં કામ કરતી હતી જેથી હું તેને ઓળખુ છું. જો કે દોઢેક મહિના પહેલા તેને કંપનીમાંથી છુટી કરી દેવામાં આવી હતી. એ પછી તેણીએ પરમ દિવસે મને વારંવાર ફોન કર્યા હતાં પણ મેં રિસીવ કર્યા નહોતાં. તેને નોકરીમાંથી મેં કઢાવ્યાની શંકા હોઇ કદાચ ખાર રાખી ગઇકાલે ઇદના દિવસે તેના ભાઇએ મને ફોન કરી લોકેશન પુછ્યા બાદ તેના મિત્રો સાથે આવી હુમલો કર્યો હતો. મેટોડા પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. (૧૪.૮)
(3:07 PM IST)










