<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

તથાસ્‍તુ વિદ્યાપીઠ સમાજ ઉત્‍કર્ષના કાર્યો કરે છેઃ પૂજ્‍ય જીગ્નેશદાદા

ભાવનગર રોડ ઉપર લાઠી-અમરેલી વચ્‍ચે ૩૯ વિઘામાં દિવ્‍ય પરિસર તથાસ્‍તુ વિદ્યાપીઠ પરીસરનું નિર્માણ : આર્થિક ચિંતિત હોય, પૈસાના અભાવે તે અભ્‍યાસક્રમ છોડતો હોય તેવા બાળકોને વિનામુલ્‍યે ભણાવવાની સાથે રહેવા, જમવાનું, ચોપડા અને કપડાં ફ્રિ અપાય છે. જે દંપતિને સંતાન નથી તેની સેવા કરવા ‘‘અમારૂ ઘર'' કરીને વડીલોનો વિસામો અને જે બાળકોના માતા પિતા જન્‍મથી ન હોય અથવા જેને ત્‍યજી દિધા હોય તેવા મા-બાપ વગરના બાળકો માટે ‘‘મારૂ ઘર'' નામે અનાથાશ્રમનું નિર્માણ

રાજકોટઃ ચૈત્ર નવરાત્રીના પ્રથમ નોરતાથી રાજકોટનાં આંગણે રાજકોટ લોહાણા મહાજન દ્વારા ભાગવત કથાકાર પૂજ્‍ય શ્રી જીગ્નેશદાદા (રાધે-રાધે)નાં શ્રીમુખેથી શ્રીમદ્‌ ભાગવત કથા પ્રવાહીત થઈ રહી છે. આજે પૂજ્‍ય જીગ્નેશદાદા અકિલાનાં આંગણે પધાર્યા હતા. ભાગવત અને ધર્મને લઈને તેઓએ અનેક પ્રશ્‍નોના અર્થસભર પ્રત્‍યુતર આપ્‍યા હતા. તેમણે અનેક ધર્મમય વાતો કરી હતી. પૂજ્‍ય જીગ્નેશદાદા ભાગવત કથા કરવાની સાથે સમાજ ઉત્‍કર્ષના અનેક કામો પણ કરી રહ્યા છે.

પૂજ્‍ય જીગ્નેશદાદા તથાસ્‍તુ વિદ્યાપીઠની સ્‍થાપના કરી છે જે અંતર્ગત તેઓએ અનેક સમાજ ઉત્‍કર્ષના સંકલ્‍પ કર્યા છે. પૂજ્‍ય દાદાએ જણાવેલું કે, તથાસ્‍તુ વિદ્યાપીઠ રાધે-રાધે એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા બનાવવાનો સંકલ્‍પ કર્યો તે ભાવનગર રોડ ઉપર લાઠી-અમરેલી વચ્‍ચે ૩૯ વિઘામાં દિવ્‍ય પરિસર તથાસ્‍તુ વિદ્યાપીઠ પરીસર નિર્માણ થઇ રહ્યું છે. જેમાં કોઇ પણ સમાજનો બાળક આર્થિક ચિંતિત હોય, પૈસાના અભાવે તે અભ્‍યાસક્રમ છોડતો હોય તેવા બાળકોને ભણાવવા છે. વ્‍યાસપીઠ કથાનાં માધ્‍યમથી એક- એક વ્‍યકિતને જોડી કેટલાયનાં ઘરની અંદર આવો દીવો પ્રગટાવી શકે છે. આ મારો સૌથી મોટો ઉદેશ છે.

અહિ તથાસ્‍તુ વિદ્યાપીઠ ખાતે ધો. ૧૧-૧૨ સાયન્‍સમાં છોકરાઓને ભણાવવા છે. એક પણ રૂપિયો ફિ લેવાની નથી. રહેવાનું, જમવાનું, ચોપડા- કપડાં બધું જ ફ્રિ રહેશે. પ્રાથમિકતા એ છે કે બાળક ગરીબ પરીવારનો હોવો જોઇએ અને ભણવામાં હોશિયાર હોવો જોઇએ. જમીનનું સંપાદન થઇ ગયું છે.

દાદા કહે છે, ભવિષ્‍યમાં એવો પણ સંકલ્‍પ છે કે જે પતિ-પત્‍નિને સંસાર છે પણ સંતાન નથી. તેના ભવિષ્‍યની ચિંતા કરી એટલેકે તેમને ભવિષ્‍યમાં સાચવનાર કોણ તેવા આશયે જે દંપતિને સંતાન નથી તેની સેવા કરવા ‘‘અમારૂ ઘર'' કરીને વડીલોનો વિસામો બની રહ્યો છે. એજ રીતે જે બાળકોના માતા પિતા જન્‍મથી ન હોય અથવા તેને ત્‍યજી દિધા હોય તેવા મા-બાપ વગરના બાળકો માટે ‘‘મારૂ ઘર'' નામે અનાથાશ્રમ બની રહ્યો છે. પરિણામે અહિં જે પતિ-પત્‍નિને સંતાન નથી તેને બાળકો મળશે અને અનાથ બાળકોને મા-બાપનો પ્રેમ મળશે.

નોંધનીય છે કે, તથાસ્‍તુ વિદ્યાપીઠ ખાતે નિત્‍ય ભાગવતજીનો યજ્ઞ થાય છે. પ્રેમ મંદિરમાં ભગવાન રાધા-કળષ્‍ણજી બીરાજે છે. ગૌશાળા આવેલી છે. ખાસ વાત તો એ છે કે, અહિં દર રવિવારે આવતા ભક્‍તો ખીચડી પ્રસાદ લઇને જાય તેવી ભાવના છે. બ્રાહમણોનાં છોકરાવ માટે વેદ-વિદ્યાલયનું પણ નિર્માણ તેઓ કરાવી રહ્યા છે. આવનાર સત્રથી ૧૧-૧૨ સાયન્‍સનો અભ્‍યાસ પણ શરૂ થઇ રહ્યો છે.

પૂજ્‍ય જીગ્નેશ દાદા ભારતમાંથી અંધશ્રદ્ધા અને કુરિવાજોને નાબૂદ કરવા માટેના પ્રયત્‍નો કરે છે અને સરકારશ્રીના અભિયાનોને સાથ સહકાર આપવાની ઈચ્‍છા અને તેને સાકર કરવાના પ્રયત્‍નો કરે છે

(3:41 PM IST)