<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

જન્‍મ-મરણની પ્રથમ ૫ મફત નકલની જાહેરાત નકલી?

મનપા દ્વારા આજથી વધારેલા દરોની અમલવારી શરૂઃ બજેટમાં શાસકોએ મોટા ઉપાડે કરેલ ઘોષણા બુમરેંગ સાબીત? જનઆક્રોશ

રાજકોટ તા.૧: મનપા દ્વારા આજે તા.૧થી જન્‍મ-મરણના દાખલાની લેઈટ ફીમાં ૧૦ ગણો વધારો ઝીંકી અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. શાસકપક્ષ દ્વારા બજેટમાં જોગવાઈ કરી જન્‍મ-મરણના પ્રથમ પાંચ દાખલા ફ્રી કાઢી આપવાની મોટી જાહેરાતો કરી હતી. જેના એક સપ્તાહ બાદ આજ તંત્રએ જન્‍મ-મરણના દાખલાની ફીમાં ૧૦ ગણો તોતીંગ વધારો ઝીંકી દીધો હતો. છતાં પ્રથમ પાંચ દાખલા ફ્રીમાં મળશે તેવું લોકોને લાગતું હતું. પરંતુ હવે ૧૦ ગણા વધારાની અમલવારી શરૂ થઈ છે.

ત્‍યારે પ્રથમ પાંચ દાખલા ફ્રી આપવાનો નિયમ અમલમાં આવશે કે કેમ તે અંગે અધિકારીઓએ મો સીવી લીધું હોય આજથી ૧૦ ગણી ફી લોકોએ ચુકવવાની શરૂ કરી છે.

આ અંગે સંબંધીત વિભાગના અધિકારી સાથેની સતાવાર વાતચિત મુજબ હાલ નિઃશુલ્‍ક નકલ નીતી વિષયક નિર્ણય  કમિશનર અને પદાધિકારીઓની ચર્ચા બાદ જાહેર કરાશે. હાલ નિઃશુલ્‍ક નકલ આપવાનું શરૂ કરાયા નથી અને નવા દર અમલી બન્‍યા છે. નિઃશુલ્‍ક નકલની જાહેરાત પોકળ પુરવાર થતી હોવાની  લોક મુખે ચર્ચા છે.

ગુજરાત રાજ્‍ય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ ગાંધીનગર દ્વારા રજીસ્‍ટ્રેશન ઓફ બર્થ એન્‍ડ ડેથ રૂલ્‍સ અમલમાં આવ્‍યા બાદ તેમાં ગત તા. ૨૭ના રોજ સુધારો કરવામાં આવ્‍યો છે. અને તમામ મહાનગરપાલિકાઓમાં ૧ એપ્રિલથી સુધાર નિયમ અંતર્ગત લેટ ફીમાં ૧૦ ગણો વધારો કરવામાં આવ્‍યો છે.

સુધારા નિયમ મુજબ ૨૧ દિવસ તથા એક માસ અને એક વર્ષની ફી રૂપિયા ૨૦ થી લઈને ૧૦૦ વસુલવામાં આવશે. તેમજ જૂના રેકોર્ડ શોધવા તથા અન્‍ય ગુનાના દંડની રકમ રૂા. ૧૦થી વધારી રૂપિયા ૧૦૦ કરવામાં આવી છે.

જેની અમલવારી આજથી શરૂ કરવામાં આવી છે. અને પ્રથમ પાંચ દાખલા ફ્રી આપવાનો નિયમ વિસરી જવામાં આવ્‍યો હોય તેવું જન્‍મ-મરણ વિભાગમાં જોવા મળ્‍યું હતું.

અત્રે નોંધનીય છે કે, જન્‍મ-મરણ વિભાગમાં અગાઉ કોઇ મોડી નોંધણી (૨૧ દિવસ થી વધુ)અર્થેની ફી રૂ.૨.૦૦ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. ૨૦.૦૦ કરવામાં આવેલ છે. અગાઉ કોઇ મોડી નોંધણી(૧ માસ થી ૧ વર્ષ) અર્થેની ફી રૂ. ૫.૦૦ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ. ૫૦.૦૦ કરવામાં આવેલ છે. અગાઉ કોઇ મોડી નોંધણી (૧ વર્ષ થી વધુ) અર્થેની ફી રૂ. ૧૦.૦૦ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.૧૦૦.૦૦ કરવામાં આવેલ છે. અગાઉ કોઇ રેકર્ડ ની શોધાઇ અર્થેની ફી રૂ.૨.૦૦ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.૨૦.૦૦ કરવામાં આવેલ છે.   અગાઉ કોઇ રેકર્ડ ની વધારાના વર્ષની શોધાઇ અર્થેની ફી રૂ.૨.૦૦ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.૨૦.૦૦ કરવામાં આવેલ છે.

કોઇ જન્‍મ કે મરણના પ્રમાણપત્ર મેળવવા અર્થેની ફી રૂ.૫.૦૦ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂૂ. ૫૦.૦૦ કરવામાં આવેલ છે. અગાઉ કોઇ રેકર્ડની અપ્રાપ્‍ય પ્રમાણપત્ર અર્થેની ફી રૂ.૨.૦૦ હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.૨૦.૦૦ કરવામાં આવેલ છે.  

જન્‍મ-મરણ વિભાગના જણાવ્‍યા મુજબ આ નિયમના પેટા નિયમ (૧), (૨) અને (૩) અનુસાર કોઇ ગુનાના દંડની રકમ રૂ. ૨૫.૦૦ હતી તે વધારીને રૂ.૨૫૦.૦૦ કરેલ છે. આ નિયમના પેટા નિયમ (૪) અનુસાર કોઇ ગુનાના દંડની રકમ રૂ.૧૦.૦૦ હતી તે વધારીને રૂ.૧૦૦.૦૦ કરેલ છે. ઉપરોક્‍ત વિગતના રાજ્‍ય સરકારના સુધારેલ નિયમો અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આ ફી વધારો અમલ કરવો જરૂરી હોઈ આજથી અમલવારી શરૂ કરવામાં આવી છે.

ઉપરાંત મહાનગરપાલિકાના જન્‍મ-મરણ વિભાગમાં અત્‍યાર સુધી જન્‍મ અથવા મરણની એક કોપી રૂા. ૫ ચાર્જ વસુલવામાં આવતો હતો. જેમાં અચાનક ૧૦ ગણો વધારો ઝીંકી દેવામાં આવ્‍યો છે. અને આજથી બન્ને વિભાગમાં એક કોપીનો ચાર્જ ૫૦ રૂપિયા વસુલવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળેલ છે. જેના લીધે હવે અરજદારોએ પહેલા રૂા. ૫૦ની ૧૦ કોપી મળતી હતી તેના સ્‍થાને હવે એક જ કોપી મળી રહી છે.(૨.૧૪)

(3:42 PM IST)