<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

લો-રાઈઝ કે હાઈ-રાઈઝ બિલ્‍ડીંગમાં આવેલી અગાસી કયારેય

બિલ્‍ડરની માલીકીની ગણી શકાય નહીઃ કોર્ટનો ચુકાદો

રાજકોટ, તા. ૧: વેચાણ દસ્‍તાવેજમાં અગાસી (ટેરેસ)નો રાઈટસ બિલ્‍ડર્સનો રહેશે તેવું લખાવી લેવાથી કયારેય પણ બિલ્‍ડર્સ તેના માલિક બની શકે નહી. અગાસી-ટેરેસ હંમેશા ફલેટ ધારકોની સહિયારી સુવિધાનો ભાગ ગણાય  તેવો અદાલતનો શકવર્તિ ચુકાદો કોર્ટ આપ્‍યો હતો.

હાલના કેસમાં રાજકોટ શહેરમાં યુનિવર્સીટી રોડ ઉપર આવેલ તોહા એપાર્ટમેન્‍ટ કે જે ચાર માળનું લો-રાઇઝ બિલ્‍ડીંગમાં દરેક માળે બે એમ કુલ આઠ ફલેટનું બાંધકામ બિલ્‍ડર્સ મોતીલાલ જાદવજીભાઈ મેંદપરાએ બનાવેલુ. જે ફલેટોના વેચાણ દસ્‍તાવેજ વર્ષ  ૨૦૧૨ માં કરતી વખતે આ બિલ્‍ડર્સએ પાંચમાં માળે આવેલ ખુલ્લી અગાસીમાં ભવિષ્‍યમાં મળવા પાત્ર એફ.એસ.આઈ. ના કારણે વધારાનું બાંધકામ મંજુર કરવામાં આવશે તો તેવું બાંધકામ બિલ્‍ડર્સ કરી શકશે અને અગાસીની માલીકી બિલ્‍ડર્સની રહેશે તેવું લખાવી લીધેલ અને ત્‍યાર બાદ વર્ષ૨૦૧૯ માં પાંચમાં માળે ત્રણ બેડરૂમ, હોલ, કિચન, ત્રણ ટોયલેટ, વોશ એરીયા પોર્ચ એવા બે ફલેટનો બાંધકામનો પ્‍લાન બિલ્‍ડર્સ દ્રારા રજુ કરવામાં આવેલો અને તે પ્‍લાન તા. ૧૮/૦૯/૨૦૧૯ ના રોજ આસિ. ટાઉન પ્‍લાનર, રાજકોટ મહાનગરપાલીકા દ્રારા મંજુર કરવામાં આવેલ અને આ બિલ્‍ડર્સ દ્રારા અગાસીમાં જવા માટે આવેલ ડોરનું તાળુ તોડી બાંધકામ કરવા માટેનો સામાન લઈ આવવાનું શરૂ કરેલુ જેથી ફલેટ ધારકોને આ બાબતની જાણ થતાં આવું બાંધકામ કરવા બિલ્‍ડર્સને કોઈ અધિકાર નથી અને અગાસી કોમન સુવિધાનો ભાગ છે. તેમજ રાજકોટ મહાનગરપાલીકા દ્રારા મંજુર કરવામાં આવેલ બાંધકામનો પ્‍લાન અને આપવામાં આવેલી બાંધકામ પરવાનગી ગેરકાયદેસર ઠરાવવા વાસ્‍તે રાજકોટની સિવિલ કોર્ટમાં દાવો કરવામાં આવેલ અને સાથે સાથે વચ્‍ચગાળાના મનાઈ હુકમની માંગણી કરવામાં આવેલ.

 રાજકોટના સિવિલ પ્રિન્‍સીપલ સિનિયર સિવિલ જજ સી.વી. રાણા સાહેબે મનાઈ હુકમની અરજી મંજુર કરતાં ઠરાવેલ છે કે, પાંચમાં માળની અગાસીનો ઉપયોગ અને ઉપભોગ દરેક ફલેટ ઓનર્સ કરે છે અને અગાસીમાં જવા માટેના દરવાજામાં તાળુ મારવામાં આવેલુ છે અને ચાવી દરેક ફલેટ ઓનર્સ પાસે રહેલી છે. જેથી જયારે તેઓ અગાસીમાં કપડાં સુકવવા કે અન્‍ય કોઈ કામ માટે અગાસીનો ઉપયોગ કરવા જવાનું થાય ત્‍યારે જતાં હોય છે અને સદર અગાસી સહીયારી માલીકીની હોય તેનો કબજો ભોગવટો સહિયારી સુવિધાના ભાગ રૂપે તમામ ફલેટ ઓનર્સનો આવેલ હોય બિલ્‍ડર્સને તેમાં અડચણ કે અટકાયત કરવાનો કોઈ અધિકાર નથી.

ફલેટ ધારકોના એડવોકેટ અર્જુન પટેલ દ્રારા વળજમોતી કોર્પોરેશન વિ. આંબાવાડી એપાર્ટમેન્‍ટ ઓનર્સ એશોશીએશનના કેસમાં  ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવેલ તે ચુકાદો રજુ કરી જણાવેલ કે, દરેક ફલેટ હોલ્‍ડર્સને કંપાઉન્‍ડ, ર્પાકિંગ, દાદરા અને ટેરેસ વાપરવાનો હક્ક રહેલો છે અને આ હક્કથી વિરૂધ્‍ધમાં કરાર કરેલ હોય તો તે પબ્‍લીક પોલીસી વિરૂધ્‍ધનો ગણાય. તેમજ વેચાણ દસ્‍તાવેજમાં કોમન ટેરેસ પર ડેવલોપર્સ કે જમીન માલીક બાંધકામ કરી તેનું વેચાણ કરી શકશે અને અગાસીના હક્કો મિલ્‍કતના મુળ માલીકના રહેશે તેવી શરત વેચાણ દસ્‍તાવેજમાં લખવામાં આવેલ હોય તો તે પબ્‍લીક પોલીસી વિરૂધ્‍ધની છે તેવું ઠરાવેલ છે. આ ચુકાદાનો પ્રસ્‍થાપિત સિધ્‍ધાંત અદાલતે ઘ્‍યાને લઈ બિલ્‍ડર્સને પાંચમાં માળે બાંધકામ કરતાં અટકાવવાનો મનાઈ હુકમ ફરમાવેલ છે તેમજ ફલેટ હોલ્‍ડર્સને આ અગાસીનો ઉપયોગ કોમન સુવિધાના ભાગ રૂપે કરવામાં અડચણ કે અટકાયત કરવી નહી તે સંદર્ભે મનાઈ હુકમ ફલેટ ધારકોની તરફેણમાં ફરમાવેલ છે.

આ કેસમાં અદાલતમાં દાવો લાવનાર ફલેટ ધારકો વતી એડવોકેટ તરીકે રાજકોટના  ધારાશાષાીશ્રી અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી, ભાર્ગવ એ.પાનસુરીયા અને આકાંક્ષા એચ. રાજદેવ રોકાયેલ હતા

(4:03 PM IST)