તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st April 2025
સમય કાઢીને કરોડો કામ પડતા મૂકીને પહેલા ઠાકોરજીને ભજી લેવાઃ પૂજ્ય જીગ્નેશદાદા

* પુરુષોત્તમભાઈ પીપળીયાએ કરેલા એક કરોડના દાન વિશે વ્યાસપીઠ ઉપરથી દાદાએ સાધુવાદ આપ્યો હતો. તેમની નિષ્ઠાને પણ બિરદાવી હતી.
* સાધુ પાખંડી નથી થયો પણ પાખંડી લોકો સાધુ થઈ ગયા છે એટલે આ બધી મૂંઝવણ આવી છે.
* વિશ્વમાં પૂજ્ય જલારામ બાપાનું એવું પહેલું મંદિર હશે કે જ્યાં એક પૈસો સ્વીકારવામાં આવતો નથી.
* સંસારની વાસનાનો અંત લાવી દે એનું નામ છે સંત
* સત્સંગ નહીં આવે જીવનમાં ત્યાં સુધી વિવેકની પ્રાપ્તિ નહીં થાય.
* ભાગવતનો નશો કરવા જેવો છે કે જે તમને મુક્તિ અપાવે.
* માં બાપ જીવનમાં બે વાર દુઃખી થાય છે બે વખત રડે છે એક યુવાન દીકરી જ્યારે ઘર છોડીને સાસરે જાય ત્યારે માં બાપ રડે છે અને એક એનો યુવાન દીકરો માં બાપને તરછોડે ત્યારે માં બાપ રડે છે.
ગોવિંદ માધવ સ્તોત્ર નો પાઠ જે પ્રેમ એ કરે
દામોદર દયાદાને સહેજે ગૌલોક સંચરે..
રાજકોટ, તા.૦૧: રાજકોટ લોહાણા મહાજન દ્વારા રાજકોટના આંગણે ભાગવત આચાર્ય પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધે ની શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો છે. આજે બીજા દિવસે ઠાકોરજીના ચરણોમાં પ્રણામ સાથે રાજકોટની આ દિવ્ય ધારા વળંદાવન ધામમાં બીજા દિવસે ઉપસ્થિત તમામનું વ્યાસપીઠથી જ હાર્દિક સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
કેમ છો બધા મજામાં? કહીને દાદાએ જણાવ્યું કે જીવનમાં કયારેય મજામાં રહેવું નહીં આનંદમાં રહેવું. પુરુષોત્તમભાઈ પીપળીયાએ કરેલા એક કરોડના દાન વિશે વ્યાસપીઠ ઉપરથી દાદાએ સાધુવાદ આપ્યો હતો. તેમની નિષ્ઠાને પણ બિરદાવી હતી.
નારદ મુનિએ કથા સાંભળી ત્યારથી બીજા દિવસની કથા નો પ્રારંભ કર્યો હતો. સાધુ અને સંસારી ની વાત કરતા દાદાએ જણાવ્યું હતું કે, સંસારી કોઈપણ જગ્યાએ જશે તો મોટી ઇમારતો જોશે, સારા દ્રશ્યો ને જોશે. જ્યારે નારદ મુનિને પૂછયું કે તમે ધરતી પર શું જોયું ત્યારે તેમણે કહ્યું કે આ ધરતી પર સત્યનો નાશ થઈ રહ્યો છે. ધીમે ધીમે માણસો સત્યથી દૂર થતા જાય છે. લોકોને તપમાંથી ભરોસો ઉઠી ગયો છે. ઘણી વખત લોકો મને કહેતા હોય છે કે સાધુ પાખંડી થઈ ગયા પણ સાધુ પાખંડી નથી થયો પણ પાખંડી લોકો સાધુ થઈ ગયા છે એટલે આ બધી મૂંઝવણ આવી છે.
પૂજ્ય જીગ્નેશ દાદાએ આગળ કહ્યું હતું કે સમય કાઢીને પણ કરોડો કામ પડતા મૂકીને પણ પહેલા ઠાકોરજીને ભજી લેવા પછી બધું કામ કરવું. કોઈ સાધુની વાત આવે તેમાં મહાપુરુષો, લેખકો કરુણા લખે અને માણસની વાત આવે ત્યાં દયા લખે છે કારણ કરુણા અને દયામાં બહુ તફાવત છે. સંસારીની આંખમાં દયા ભરી હોય અને સાધુની આંખમાં કરુણા ભરી હોય. સાધુ બનવા માટે કપડાં નહીં સ્વભાવ બદલવો પડે એ બહુ મોટી આવશ્યકતા છે. જ્યારે કોઈ ઓળખીતાને મદદ કરવા માટેનો ભાવ પ્રગટ થાય તેને દયા કહેવાય અને જ્યારે કોઈ અજાણ્યા વ્યક્તિને મદદ કરવા માટેનો ભાવ પ્રગટ થાય તેને કરુણા કહેવાય.
ભક્તિ વિશે વાત કરતા પૂજ્ય જીગ્નેશ દાદા એ જણાવ્યું કે ગુજરાતમાં ભક્તિ કયારેય ઘરડી ન થાય. જ્યાં એમ લાગે છે કે નરસિંહ મહેતાની કરતાલ નો અવાજ હજી આવતો હોય, દ્વારિકામાં મીરાબાઈ ભગવાનની અંદર સમાઈ ગયા હોય, જે ગુજરાતમાં મંદિરોમાં મોટી મોટી દાન પેટીઓ રાખવામાં આવે પણ વિશ્વમાં પૂજ્ય જલારામ બાપાનું એવું પહેલું મંદિર હશે કે જ્યાં એક પૈસો સ્વીકારવામાં આવતો નથી. તેમણે કહ્યું કે, સાધુનું દર્શન શાંતિ જ અપાવે. સાધુ જ્યાં જ્યાં જાય છે ત્યાં શાંતિ પ્રવર્તે છે. સાધુની વ્યાખ્યા જે છે સંત કોને કહેશો તમે સંસારની વાસનાનો અંત લાવી દે એનું નામ છે સંત એ સાધુ છે. દુઃખમાંથી દૂર થવા માટે એક જ માત્ર સાધન છે પરમાત્માના નામ, પ્રભુનું નામ જ આપણા માટે દુઃખમાંથી મુક્ત થવાનું સાધન છે. તમે ભગવાનને યાદ કરો પ્રભુ તમારું મંગલ કરશે.
દાદાએ કહ્યું કે, સત્સંગથી વિવેક મળે છે. જ્યાં સુધી સત્સંગ નહીં આવે જીવનમાં ત્યાં સુધી વિવેકની પ્રાપ્તિ નહીં થાય. રામચરિત માનસમાં તુલસીદાસજીએ લખ્યું 'બિનું સત્સંગ વિવેક ન હોય' સત્સંગ વગર વિવેક પ્રાપ્ત થાય જ નહી. સંપત્તિ બહુ મળી જાય પણ વિવેક ન મળે અને વિવેકની આવશ્યકતા હોય તો સત્સંગમાં જાવું પડશે ભગવાનનો સત્સંગ કરો. શ્રીમદભાગવત કથા વિશે જણાવ્યું કે, ભાગવત કથા સેવવાને લાયક છે આનું વ્યસન કરવા જેવું છે અને વ્યસન એવું જ કરાય કે જે વ્યસન કરવાથી આપણી આબરૂ વધે. જે વ્યસન કરવાથી પછી નશો વધારે ચડતો જાય ને એનો નશો કરાય. આપણે નશો એવો કરીએ છીએ કે થોડી વારમાં ઉતરી જાય. અને એ નશો એવો છે કે તમે જ્યારે નશો કરવા બેસો ત્યારે તમને ખબર હોય કે તમે કઈ જગ્યાએ બેઠા છો. હંમેશના માટે તમને ઊંચાઈ ઉપર લઈ જાય આ ભાગવતનો નશો કરવા જેવો છે કે જે તમને મુક્તિ અપાવે.
ભગવાન કળષ્ણએ ભાગવતજીના ૧૧ માં સ્કંધમાં જ્યારે ઉદ્ધવ સાથેનો સંવાદ થઈ રહ્યો છે ત્યારે પરમાત્મા કળષ્ણએ ઉદ્ધવને કીધું કે ઉદ્ધવ આ સંસારના લોકોને કહેજો કે મને પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો એ સત્સંગ છે સત્સંગથી મને પ્રાપ્ત કરી શકશે. સત્સંગથી જ્ઞાન અને વૈરાગ્ય જાગ્રત થયા એ સત્સંગ આપણને મળ્યો છે કે આટલો મોટો મહિમા છે. પરમાત્મા સત્સંગથી પ્રાપ્ત થાય છે પ્રભુને પ્રાપ્ત કરવા હોય તો સત્સંગ કરો ભગવાન ભક્તિથી વશ થાય છે.
કર્મ વિશે વાત કરતા દાદાએ કહ્યું કે, પોતાના કર્મની અંદર તત્પર રહો. આપણે જે કર્મ કરતા હોઈએ એ કર્મમાં આપણે તત્પર હોવા જોઈએ. જે કાર્ય કરીએ એ કર્યામાં આપણે હાજર હોવા જોઈએ. ઘણા લોકો ખાલી એમનેમ હાજર શરીરથી હોય મનથી ન હોય તમે જે કામ કરો ને એમાં તમારું ૧૦૦ ટકા ઇન્વોલ્મેન્ટ જોઈએ.
સંસારમાં સંતની પ્રસાદી કયારેય નિષ્ફળ જાતી નથી સાધુની પ્રસાદી નિષ્ફળ ન જાય કોઈ દિવસ પ્રસાદીમાં કેવલ ખાલી ફળ એની વાત નથી પ્રસાદીમાં સાધુના શબ્દો પણ પ્રસાદીરૂપ હોય છે એના સારા વચનો પણ પ્રસાદીરૂપ હોય છે અને એ વચનોનું તમે સેવન કરો તો તમને કયારેય નિષ્ફળ ન જાય એનું ફળ મળ્યા વગર રહી જ ન શકે.
જે ઘરમાં માં બાપ હોય છે ઘરની આખી આભા અલગ હોય છે. માં બાપ જીવનમાં બે વાર દુઃખી થાય છે બે વખત રડે છે એક યુવાન દીકરી જ્યારે ઘર છોડીને સાસરે જાય ત્યારે માં બાપ રડે છે અને એક એનો યુવાન દીકરો માં બાપને તરછોડે ત્યારે માં બાપ રડે. આ કથાના માધ્યમથી મારે આજે એટલું કહેવું છે યુવાનોને જિંદગીમાં બધું કરજો પણ જિંદગીમાં કયારેય માં બાપને તરછોડશો નહી તમારા માં બાપ એ તમારી સાચામાં મોટામાં મોટી મૂડી છે માં બાપ આપણું સાચું ધન છે.
ભીમસેનની ગદાથી દુર્યોધનની જાંઘો તોડી નાખી. ગદા યુદ્ધમાં કમરની નીચે ઘા કરવાની પ્રહાર કરવાની મનાઈ હોય છતાં પણ દુર્યોધનની જાંગ તૂટી ગઈ એ શું કામ તૂટી એ આજની ત્રીજા દિવસની કથામાં મહિમા ગવાશે.
શુકદેવ વંદના
હંસોના હંસ પરમહંસ છે રે લોલ,
શુકદેવ તેમાં શીર મોર જો,
શુકદેવ મહારાજની જય જય હો..ટેક
શ્રીમદ્ ભાગવત અપરીમીત છે રે લોલ.
સ્કંધ અધ્યાયથી ગ્રથીત જો,
શુકદેવ મહારાજની જય જય હો..(ર)
બદ્રરીક આશ્રમ જન્મ સ્થાન છે રે લોલ
પરમ પવીત્ર શમ્યાપ્રાસ જો
શુકદેવ મહારાજની જય જય હો..(૩)
પરિક્ષીત પૂર્ણ રૂપ છે રે લોલ,
ભાગવત ધરમનો છે સાર જો,
શુકદેવ મહારાજની જય જય હો..(૪)
ભકત ભગવાનનો પ્રેમ છે રે લોલ
પરમેશ્વર પ્રેમનું સ્વરૂપ જો
શુકદેવ મહારાજની જય જય હો..(પ)
સંજય નવીનચંદ્ર ત્રિવેદી
મો. ૯૮૨૫૨ ૯૩૩૩૦
(4:14 PM IST)










