તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
માધાપર ચોકડીએ બાઇક સ્લીપ થતાં ૬ વર્ષનો હાર્દિક ફંગોળાયા બાદ ટ્રકની ઠોકરે ચડી જતાં મોતઃ માતા અને મામાનો બચાવ
ચારેક મહિનાથી માતા સાથે મામાના ઘરે ગુંદાસરા ગામે રહેતો હાર્દિક માતા-પિતાનો એક જ પુત્ર હતોઃ ટુવ્હીલર સ્લીપ થઇ ગયા પછી ટ્રકની ઠોકર લાગીઃ ગુંદાસરાથી રાજકોટ આટો મારવા, ગોલો ખાવા આવ્યા ત્યારે બનાવઃ પરપ્રાંતિય પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨: જીવલેણ વાહન અકસ્માતની વધુ એક ઘટનામાં માધાપર ચોકડી પાસે બાઇક સ્લીપ થઇ જતાં માતા, મામા સાથે બેઠેલા છ વર્ષનો બાળક ફંગોળાઇ ગયા બાદ ટ્રકની ઠોકરે આવી જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. તેના માતા અને મામાનો બચાવ થયો હતો. હાલ ગોંડલના ગુંદાસરા ગામે માતાના ઘરે રહેતી મુળ બિહારની પરિણીતા પોતાના ભાઇ, દિકરા સહિતની સાથે રાજકોટ આટો મારવા અને ગોલો ખાવા અવી હતી ત્યારે અકસ્માતમાં દિકરાને ગુમાવ્યો હતો.
જાણવા મળ્યા મુજબ હાલ ગુંદાસરા ગામે માતા સંગીતાબેનના ઘરે ત્રણેક મહિનાથી રહેતી મુળ બિહારની ખુશી પંકજ ચોૈધરી (ઉ.વ.૨૨) નામની પરિણીતા ગત સાંજે પોતાના કટુંબી ભાઇ વિક્રમના બાઇકમાં બેસી પોતાના દિકરા હાર્દિક (ઉ.વ.૬)ને સાથે લઇ બીજા સગાઓ સાથે અલગ અલગ બાઇકમાં રાજકોટ આટો મારવા અને ગોલો ખાવા આવ્યા હતાં. રાતે સાડા નવેક વાગ્યે માધાપર ચોકડીએ બધા પહોંચ્યા ત્યારે સ્પીડ બ્રેકર પર બાઇક સ્લીપ થતાં ચાલક વિક્રમ, પાછળ બેઠેલી બહેન ખુશી અને ભાણેજ વિક્રમ એમ ત્રણેય ફંગોળાઇ ગયા હતાં. આ વખતે વિક્રમ દૂર ફેંકાઇ ગયો હતો અને એ વખતે જ ટ્રક આવી જતાં તેની ઠોકરે ચડી ગયો હતો.
ગંભીર ઇજા થતાં હાર્દિકને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેને તબિબે મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ધર્મેન્દ્રભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. હાર્દિક માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેના પિતા પંકજ ચોૈધરી હાલ બિહાર ખેતી કરવા ગયા હોઇ તે માતા સાથે ગુંદાસરા ગામે નાના-નાનીના ઘરે રહેતો હતો. લાડકવાયાના મોતથી પરપ્રાંતિય પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
(4:07 PM IST)










