<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

કુવાડવા પાસે ટ્રકની ઠોકરે બાઇક ચડતાં શીવનગરના કરસનભાઇ બાવળીયાનું મોત

બામણબોરના ભરડીયે નોકરી કરતાં હતાં: ત્‍યાંથી ઘરે આવતી વખતે બનાવઃ ગંભીર હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા પણ જીવ ન બચ્‍યોઃ ટ્રક મુકી ચાલક ભાગી ગયો

રાજકોટ તા. ૨: કુવાડવા નજીક સાંજે સાડા આઠેક વાગ્‍યે જીવલેણ અકસ્‍માત સર્જાયો હતો. ટ્રકચાલકે બાઇકને ઉલાળી દેતાં તેના ચાલક રાજકોટ ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે રહેતાં યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ કુવાડવા રોડ ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે શીવનગર-૧માં રહેતાં કરસનભાઇ આંબાભાઇ બાવળીયા (ઉ.વ.૪૦) સાંજે બામણબોર તરફથી રાજકોટ ઘરે પોતાના બાઇક પર આવી રહ્યા હતાં ત્‍યારે કુવાડવા માધવ હોટલ પાસે અજાણ્‍યા ટ્રકે બાઇકને ઠોકરે ચડાવતાં તેમને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં  ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ધર્મેન્‍દ્રભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ કુવાડવા પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

કરસનભાઇ બામણબોર પાસે ભરડીયામાં નોકરી કરતાં હતાં. તે ચાર ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. જેમાં એક પુત્રીના થોડા મહિના પહેલા જ લગ્ન થયા હતાં. આ બનાવથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. અકસ્‍માત સર્જી ટ્રક મુકી ચાલક ભાગી ગયો હતો.

(2:22 PM IST)