તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd April 2025
અંતે નાગરિકોને જન્મ-મરણની પ્રથમ પાંચ નકલ નિઃશુલ્ક આપવાનું શરૂ
ભારે ઉહાપોહ બાદ મનપાની તુરંત અમલવારીઃ લોકોને રાહતઃ પદાધિકારીઓની જાહેરાત

રાજકોટ, તા. રઃ મનપા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટ અંતર્ગત લેવાયેલ નિર્ણયના અનુસંધાને ‘જન્મ-મરણ પ્રમાણપત્ર પ્રથમ પાંચ નકલ-વિનામૂલ્યે' આપવાની યોજનાની ભારે હોહા બાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા અમલવારી શરૂ કરાઇ છે.
આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા તેમજ આરોગ્ય સમિતી ચેરમેન કેતનભાઇ પટેલ જણાવેલ કે, રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એક્ટ, ૧૯૬૯ અંતર્ગત નાગરિકો માટે જે તે વિસ્તારના રજીસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી ફરજીયાત છે. રાજકોટ મહાનગરના હદ વિસ્તારમાં જન્મ લેનાર બાળકોના જન્મ નોંધ પ્રમાણપત્ર તેમજ રાજકોટ મહાનગરના હદ વિસ્તારમાં અવસાન પામનાર નાગરિકોના મરણ નોંધ પ્રમાણપત્રની સુવિધા માટે રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન કચેરી ખાતે જન્મ-મરણ નોંધણી કેન્દ્રો કાર્યરત છે.શહેરીજનોની સુખાકારીમાં વધારો કરવા માટેની દિશામાં પહેલ કરતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે નવા નાણાંકીય વર્ષથી જન્મ-મરણના પ્રમાણપત્રની પ્રથમ પાંચ નકલ વિનામૂલ્યે ઉપલબ્ધ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં મંજૂર કરવામાં આવેલ.
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તા.૧૧ ફેબ્રુઆરી નાણાંકિય વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્ર અંતર્ગત આ અંગેની જાહેરાત કરવામાં આવેલ, જે બજેટ તા.૧૯ ફેબ્રુઆરીએ મળેલ જનરલ બોર્ડમાં મંજુર કરવામાં આવેલ. જેના અનુસંધાને નવા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ની શરૂઆતથી જ આ યોજનાની અમલવારી શરૂ કરાવેલ છે, જે અંતર્ગત રાજકોટ શહેરના નાગરીકો જન્મ મરણ નોંધ પ્રમાણપત્રની પ્રથમ પાંચ(૦૫) નકલ વિનામૂલ્યે મેળવી શકશે.
વિશેષમાં, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા જન્મ-મરણ નોંધણી વિભાગ દ્વારા રજુ થયેલ માર્ગદર્શિકા/માહિતી જાહેર રાજકોટ મહાનગર વિસ્તારમાં તા. ૦૧ એપ્રિલ બાદ થયેલના જન્મ-મરણ નોંધ પ્રમાણપત્ર માટે આ યોજનાનો લાભ નીચે મુજબની શરતે મળી શકશે.
રાજકોટ શહેરના નાગરિકોને જન્મ-મરણ પ્રમાણપત્ર વિનામૂલ્યે મેળવવાની આ યોજનાનો લાભ લેવા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા તેમજ આરોગ્ય સમિતી ચેરમેન કેતનભાઇ પટેલએ અનુરોધ કરેલ છે.(૬.૧૩)
મરણ પ્રમાણપત્ર કયાંથી મળશે
અવસાન થયાના એક માસમાં નોંધણી થનાર મરણ નોંધના પ્રમાણપત્રની પ્રથમ પાંચ નકલ વિનામૂલ્યે મળી શકશે.
મરણ નોંધ પ્રમાણપત્ર મેળવવા મળતકના સગાએ લગત ઝોન કચેરીમાં અથવા વોર્ડ ઓફિસ ખાતે રૂબરૂ જઇને ફોર્મ ભરવાનું રહેશે.
પ્રમાણપત્ર મેળવવા અરજદારે પોતાના આધાર કાર્ડ તેમજ મળતકના આધાર કાર્ડની નકલ ફોર્મ સાથે આપવાની રહેશે.
જન્મ પ્રમાણપત્ર કેવી રીતે મળશે
જન્મની નોંધણી થયાના ૩૦(ત્રીસ) દિવસ દરમ્યાન બાળકનુ નામ દાખલ કરાવનાર માતા/પિતાને જ નોંધણી કરાવતા સમયે જ જન્મ નોંધના પ્રમાણપત્રની પ્રથમ પાંચ નકલ વિનામૂલ્યે મળી શકશે.
આ જન્મ નોંધ પ્રમાણપત્ર મેળવવા બાળકના માતા/પિતાએ બાળકના જન્મ સ્થળને લગત ઝોન કચેરીએ રૂબરૂ જઇને ફોર્મ ભરવાનું રહેશે.
અન્ય ઝોન કચેરી કે વોર્ડ કચેરી ખાતેથી આ જન્મ પ્રમાણપત્ર મળી શકશે નહીં.
આ યોજનાનો લાભ મેળવવા માટે બાળકના માતા તેમજ પિતાના આધાર કાર્ડની નકલ ફોર્મ સાથે આપવાની રહેશે.
(2:55 PM IST)










