<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

યોગેશ્વર પાર્કમાં ધર્મેન્‍દ્રભાઇ શાહે એસિડ પીધું: પોલીસની હેરાનગતિનો આક્ષેપ

ભત્રીજાને અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે ફ્રોડમાં પકડયા બાદ બાવીસ દિવસથી જેલમાં છેઃ આજે પોલીસ કાકાની પુછતાછ માટે આવતાં પગલુ ભર્યુ

રાજકોટ તા. ૨: શહેરના સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક નજીક યોગેશ્વર પાર્કમાં રહેતાં ધર્મેન્‍દ્રભાઇ રમણીકભાઇ શાહ (ઉ.વ.૪૨) નામના યુવાને સવારે ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

ધર્મેન્‍દ્રભાઇને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પોતે રવિરાંદલ કેટરીંગ નામે વ્‍યવસાય ધરાવે છે. તેમના ભાઇ અરૂણભાઇ શાહે જણાવ્‍યું હતું કે મારા દિકરા સાજન અને તેના ઉના, કોડીનારના બે મિત્રો પંકજ, હિતેષ સામે આસામમાં થયેલા બે કરોડથી વધુના ફ્રોડ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો હતો. જેમાં મારા દિકરા સાજનને પકડી લેવાયો હતો અને તે બાવીસ દિવસથી જેલમાં છે. જ્‍યારે તેના બે મિત્રો છુટી ગયા હતાં. હવે પોલીસ આ ફ્રોડની તપાસના બહાને મારા ભાઇ ધર્મેન્‍દ્રભાઇ એટલે કે સાજનના કાકાને પણ હેરાન કરે છે અને પુછતાછના બહાને બોલાવે છે. આજે પણ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ તેના ઘરે આવી નોટીસ આપી જતાં હેરાનગતિની કંટાળીને તેણે આ પગલુ ભર્યુ હતું. યુનિવર્સિટી પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી હતી.

(2:56 PM IST)