News of Friday, 4th April 2025
નવપદ આયંબીલ ઓળીનો આજથી ભાવભીનો પ્રારંભ : જૈનો દ્વારા તપ આરાધના
ચૈત્ર સુદ તેરસ તા. ૧૦ ના રોજ મહાવીર જન્મ કલ્યાણક ઉજવાશે : તા. ૧ર ને શનિવારના રોજ આયંબીલ ઓળીની પૂર્ણાહુતિ

રાજકોટ, તા. ૪ : આજથી જૈન સમાજની ચૈત્ર માસની શાશ્વતિ આયંબીલ ઓળીનો પ્રારંભ થયો છે. જૈનોમાં ચૈત્ર માસની નવપદની આયંબીલ ઓળીનું સવિશેષ મહત્વ રહેલું છે. નવપદની આયંબીલ ઓળીની પાછળ શ્રીપાળ-મયણા સુંદરીની વાત-ચલીત છે. મયણાસુંદરીએ નવપદની આયંબીલ ઓળી કરીને રોગને મટાડયો હતો.
જે પણ શ્રાવક -શ્રાવિકાઓ આ આયંબીલની ઓળી કરે છે તેના દરેક રોગ દૂર થાય છે. બાળકોથી લઇ મોટાઓ આયંબીલની ઓળી કરી પુણ્યનું ભાથુ બાંધતા હોય છે. ઘણા શ્રાવક શ્રાવિકાઓ પ્રથમ આયંબીલ, છેલ્લી આયંબીલ અથવા મહાવીર સ્વામી જન્મ કલ્યાણકના દિવસે આયંબીલ કરતા હોય છે. જેઓ વર્ષમાં કયારેક પણ આયંબીલ ન કરતા હોય તેઓ પણ આ દિવસોમાં આયંબીલ કરે છે.
આયંબીલ ઓળીના સાતમા દિવસે એટલે કે ચૈત્ર સુદ તેરસ તા.૧૦ ને ગુરૂવારે દિવસે મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી થશે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં દરેક ઉપાશ્રયો તથા જિનાલયોમાં શ્રાવક-શ્રાવિકાઓ માટે આયંબીલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ રાજકોટમાં મહાવીર સ્વામી જન્મકલ્યાણકના દિવસે આકર્ષક ફલોટ સાથેની વિશાળ શોભાયાત્રા નિકળશે.
રાજકોટના દરેક ઉપાશ્રય તથા દેરાસરમાં આયંબીલ ઓળીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવીકાઓ લઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આયંબીલ ઓળી મહામંગળકારી હોવાથી અનેક વિધ્નોનો નાશ થાય છે. આયંબીલ કરવાથી વિકારોનું શોષણ થાય છે. શરીરને જોઇતુ પોષણ પણ મળી રહે છે. આયંબીલ ઓળીમાં આહારનો સર્વથા ત્યાગ નથી. મરી મસાલા તેલ મરચા ફળ વગેરેનો ઉપયોગ નથી કરવાનો હોતો ફકત સુકુ ભોજન એક જ સમયે લેવાનું હોય છે.
(12:13 PM IST)










