News of Friday, 4th April 2025
વાળાધરીના ૐ આનંદી આશ્રમ અને સિતારામ ગૌશાળાના આંગણે રવિવારથી ભાગવત સપ્તાહ
પૂ. રાજુરામબાપુ અને પૂ. મસ્તરામબાપુના નેજા હેઠળ ધર્મમય આયોજન : શાષાી કૌશિકભાઇ ભટ્ટ કથામૃતનું રસપાન કરાવશે : ત્રણેય ટાઇમ ભોજન પ્રસાદની વ્યવસ્થા : રાત્રે સંતવાણી - ડાયરાના કાર્યક્રમો

રાજકોટ તા. ૪ : ગોંડલ તાલુકાના વાળાધરી ગામમાં પૂ. સંતશ્રી રાજુરામ બાપુ તથા પૂ. સંતશ્રી મસ્તરામ બાપુએ સ્થાપેલ ૐ આનંદી આશ્રમ અને શ્રી સીતારામ ગૌશાળાના આંગણે તા. ૬ ના રવિવારે રામનવમીના પાવન પર્વથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્યુ હતુ કે વાળાધરીમાં આયોજીત આ કથાની પોથીયાત્રા તા. ૬ ના રવિવારે સવારે ૯ વાગ્યે નિકળશે. કથા દરમિયાન તા.૭ ના કપિલ પ્રાગટય, તા.૮ના નૃસિંહ પ્રાગટય, તા. ૯ના વામન પ્રાગટય, શ્રીરામ પ્રાગટય, શ્રીકૃષ્ણ પ્રાગટય, તા.૧૦ના શ્રી ગીરીરાજ ઉત્સવ, તા. ૧૧ના શ્રી રૂકમણી વિવાહ ઉજવાશે. તા. ૧૨ ના બપોરે ૧૨ કલાકે કથાને વિરામ અપાશે.
કથાના વ્યાસાસને રાણસીકીવાળા શાષાી શ્રી કૌશિકભાઇ ભટ્ટ બિરાજી સંગીતમય શૈલીમાં દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩.૩૦ થી ૬.૩૦ સુધી કથામૃતનું રસપાન કરાવશે. કથા શ્રવણ કરવા આવનાર તમામ માટે સવારે, બપોરે અને સાંજે ભોજનની પણ વ્યવસ્થા રાખેલ છે.
આ ભાગવત કથા દરમિયાન દરરોજ રાત્રે પણ સંતવાણી-લોકડાયરાના આયોજનો કરાયા છે. જેમાં તા. ૭ના સોમવારે રાત્રે નિરંજન પંડયા, જયશ્રીબેન પંડયા, જયદીપભાઇ સોની, તા. ૯ ના બુધવારે રાત્રે કિર્તીદાન ગઢવી, બ્રીજરાજદાન ગઢવી, ભગવતીબેન ગૌસ્વામી, તા. ૧૧ ના અલ્પાબેન પટેલ, ખીમજીભાઇ ભરવાડ, લોકસાહિત્યકાર મનસુખભાઇ વસોયા ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે વાળાધરીના આ શ્રી સીતારામ ગૌસેવા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંધ અપંગ નિરાધાર ૯૦૦ થી વધુ ગૌ માતાની સેવા થઇ રહી છે. આસપાસના ગામોમાં રહેતા વયોવૃધ્ધ વડીલોને બન્ને ટાઇમ ટીફીન પહોંચાડવામાં આવે છે. પ્રતિદિન ૬૦ કિલો શીરો પ્રસુતાગૃહની પ્રસુતી બહેનોને પ્રસાદરૂપે પહોંચાડવામાં આવે છે. દરરોજ સીવીલ હોસ્પિટલના ૮૦૦ વ્યક્તિને જમાડવામાં આવે છે. આશ્રમમાં ૨૪ કલાક વટેમાર્ગુ અને યાત્રીકો માટે રહેવા તથા જમવાની સુવિધા પુરી પાડવામાં આવે છે.
તા. ૬ થી તા. ૧૨ સુધી વાળાધરી આશ્રમે યોજાયેલ આ ભાગવત કથામાં ધર્મપ્રેમીજનોએ શ્રવણપાન કરવા પધારવા સમસ્ત વાળાધરી ગામ તથા સમસ્ત ગૌરશાળા પરિવાર તથા સમસ્ત સીતારામ અન્નક્ષેત્ર પરિવાર શાપર (વેરાવળ) રાજકોટ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે. તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શ્રી રાજુરામબાપુ, શ્રી મસ્તરામબાપુ અને આશ્રમના સેવકગણ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:43 PM IST)










