News of Friday, 4th April 2025
જલજીત સોસાયટીના ભાવેશને ઉમિયા ચોકમાંથી એસઓજીએ એમડી ડ્રગ્સ સાથે દબોચી લીધો
અગાઉ જેની સાથે કામ કરતો તે શખ્સ પાસામાં જતાં હવે પોતે ધંધો ચાલુ કર્યો'તો :૮.૨૬ ગ્રામ પદાર્થ મુંબઇથી ટ્રેન મારફત લાવ્યોઃ ૨૫૦૦ની ૧ પડીકી વેંચતો હતોઃ અગાઉ પણ બે ખેપ મારી આવ્યો હતોઃ પીઆઇ એન. વી. હરિયાણી, પીએસઆઇ એમ. બી. માજીરાણા અને ટીમની કાર્યવાહીઃ ઇન્દ્રજીતસિંહ તથા દિગ્વીજયસિંહની બાતમી

રાજકોટ તા. ૪: શહેર એસઓજીની ટીમે વધુ એક વખત માદક દ્રવ્યની હેરાફેરીનો પર્દાફાશ કરી એક શખ્સને પકડી લીધો છે. ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઉમિયા ચોકમાં બાતમીને આધારે વોચ રાખી જલજીત સોસાયટીના શખ્સને એમડી ડ્રગ્સ સાથે પકડી લેવાયો છે. આ શખ્સ મુંબઇથી આ માદક પદાર્થ લાવ્યો હોવાનું કહેતો હોઇ વિશેષ તપાસ શરૂ થઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેર એસઓજીની ટીમ યુવાધન નશાના રવાડે ન ચડે અને આવા માદક પદાર્થનું વેંચાણ, હેરફેર થતી અટકે તે માટે સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત કાર્યવાહી કરવા પેટ્રોલીંગમાં હતી ત્યારે એસઓજીના હેડકોન્સ. ઇન્દ્રજીતસિંહ જાડેજા અને દિગ્વીજયસિંહ ગોહિલને બાતમી મળતાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઉમીયા ચોક બીઆરટીએસ બસ સ્ટેશન પાસે વોચ રાખી હતી. બાતમી મુજબનો શખ્સ નીકળતાં તેને સકંજામાં લઇ તલાસી લેતાં શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. આ પદાર્થ એમડી ડ્રગ્સ હોવાનું જણાતાં એફએસએલ અધિકારી કે. એમ. તાવીયાને બોલાવી ચેક કરાવતાં તેમણે આ પદાર્થ એમડી હોવાનો અભિપ્રાય આપ્યો હતો.
આ શખ્સે પોતાનું નામ ભાવેશ રાજુભાઇ મશરૂ (ઉ.વ.૨૧-રહે. જલજીત સોસાયટી-૬, હરિકૃષ્ણ ડેરી ફાર્મ સામેની શેરી, ઉમિયા ચોક ૧૫૦ રીંગ રોડ) જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી મળેલા આ પદાર્થનો પંચોની હાજરીમાં વજન કરાવી પંચનામુ કરતાં તેનો વજન ૮.૨૬ ગ્રામ થયો હતો. તેની કિંમત રૂા. ૮૨૬૦૦ ગણી કબ્જે કરી રૂા. ૫ હજારનો એક મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો હતો.
પ્રાથમિક પુછતાછમાં ભાવેશે એવુ રટણ કર્યુ હતું કે પોતે અગાઉ મવડી વિસ્તારના એમકે નામના શખ્સ સાથે આ પદાર્થની હેરાફેરી કરતો હતો. પણ એમકે પાસા તળે જેલમાં જતાં હવે પોતે પોતાનો અલગ ધંધો ચાલુ કર્યો હતો. મુંબઇથી પોતે આ પદાર્થ લાવ્યો હતો. અગાઉ પણ બે ખેપ મારી હતી. પોતે ટ્રેનમાં જતો આવતો હતો. ભાવેશે એવુ પણ રટણ કર્યુ હતું કે પોતે એક એક ગ્રામની પડીકી બનાવી ૨૫૦૦-૨૫૦૦ લેખે બંધાણીઓને વેંચતો હતો. મુંબઇથી કોની પાસેથી લાવ્યો? રાજકોટમાં કોને કોને આપતો? તે સહિતની તપાસ થઇ રહી છે. માલવીયાનગર પોલીસમાં આ મામલે ગુનો દાખલ કરાવાયો છે. પીએસઆઇ પી. વી. ડોડીયા વિશેષ તપાસ કરશે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. વી. હરિયાણી, પીએસઆઇ એમ. બી. માજીરાણા, એએસઆઇ વિરેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. ફિરોઝભાઇ રાઠોડ, દિગ્વીજયસિંહ ગોહિલ, ઇન્દ્રજીતસિંહ જાડેજા, અરૂણભાઇ બાંભણીયા, મોૈલિકભાઇ સાવલીયા, કોન્સ. હાર્દિકસિંહ પરમાર, મહિલા કોન્સ. મોનાબેન બુસા, હેડકોન્સ ડ્રા. મહાવીરસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી.
(3:12 PM IST)










