તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
કાલે રામનવમી : રામ જન્મોત્સવના થશે વધામણા
‘‘લોકાભિરામં રણરંગ ધીરમં રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારૂણ્ય રૂપમ કરૂણા કરનમ શ્રીરામ ચંદ્રમ શરણમ પ્રપધ્યૈ''

રાજકોટ તા. ૫ : કાલે ચૈત્રી નોમ છે. ભગવાન શ્રી રામના જન્મોત્સવની રામનવમી પર્વ તરીકે ઉજવણી કરવા સમગ્ર રાજકોટ રામમય બન્યુ છે. કાલે શ્રી રામલલ્લાની શોભાયાત્રા તેમજ આરતી, પુજન, સત્સંગના ઠેરઠેર આયોજનો થયા છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.
શોભાયાત્રા
રાધેશ્યામ ગૌશાળા રૈયાધાર, ગાંધીગ્રામ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી કાલે તા. ૬ ના રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયુ છે. નાણાવટી ચોક ખાતે સવારે ૭ થી ૮ ધર્મસભા યોજાશે. બાદમાં ૮ વાગ્યે નાણાવટી ચોકથી જ શોભાયાત્રાને પ્રસ્થાન અપાશે. રૈયા ચોક, કનૈયા ચોક, બ્રહ્મસમાજ ચોક, હનુમાન મઢી ચોક, કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, રોકડીયા હનુમાન ચોક, મોટીટાંકી ચોક, લીમડા ચોક, પંચનાથ મહાદેવ મંદિર, ત્રિકોણબાગ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, પેલેસરોડ, ગુંદાવાડી ચોક, ભુતખાના ચોક થઇ સતયુગ શ્રી રામ મંદિર, ગોંડલ રોડ ખાતે પૂર્ણાહુતિ કરાશે. જયાં બપોરે ૧૨.૩૦ વાગ્યે રામ જન્મોત્સવની મહાઆરતી થશે. વિવિધ સંસ્થાઓ દ્વારા ૫૦ થી વધુ ફલોટ આ શોભાયાત્રામાં જોડાશે. તેમ રાધેશ્યામ ગૌશાળાની યાદીમાં જણાવાયુ છે.
હરિનામ સંકિર્તન મંડળ
શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત શ્રી હરિનામ સંકિર્તન મંડળ દ્વારા કાલે શ્રીરામનવમી નિમિતે ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવાશે. સવારે પ.૩૦ વાગ્યે સંકીર્તન મંદિર કાલાવડ રોડ ખાતેથી પ્રભાતફેરી નિકળશે. બાદમાં બપોરે નીજ મંદિરે શ્રીરામ જન્મોત્સવની આરતી થશે. સર્વે ભકતજનો, પ્રેમ પરિવારના મિત્રોને દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
પુનિત ભજન મંડળ
શ્રી પુનિત સદ્દગુરૂ ભજન મંડળ દ્વારા આજે શનિવારે રાત્રે ૯.૩૦ કલાકે દિનેશભાઇ વરીયાને ત્યાં રણછોડનગર શેરી નં. ૮/૧૬ કોર્નર, કુવાડવા રોડ ખાતે ધૂન ભજન રાખેલ છે. દરમિયાન કાલે રવિવારે રામ નવમી નિમિતે સિવિલ હોસ્પિટલ ઇમરજન્સી વિભાગ પાસે સવારે ૧૦ થી ૧૨ શ્રીરામના ભજન થશે. તથા શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે ૧૨ વાગ્યે રામ જન્મોત્સવની આરતી થશે. તેમજ કાલે રવિવારે રાત્રે ૯.૩૦ વાગ્યે નલિનભાઇ ચોકસીને ત્યાં રાજલક્ષ્મી સોસાયટી, રાજરાજેશ્વર મંદિરવાળી શેરી, નાણાવટી ચોકથી અંદર ધૂન ભજન રાખેલ છે.
કોટેશ્વર મહાદેવ મંદિર
કોઠારીયા કોલોનીના આસ્થાના પ્રતિક સમા શ્રી કોટેશ્વર મહાદેવ મંદિરે કાલે ચૈત્ર સુદ નોમના રામ જન્મોત્સવ ઉજવાશે. બપોરે ૧૨ કલાકે મહાઆરતી સાથે શ્રીરામ જન્મોત્સવના વધામણા કરાશે. ભાવિકોને પંજરીના પ્રસાદનું વિતરણ કરાશે. સાંજે ૭.૩૦ કલાકે હરીહરની સાયંકાલ મહાઆરતી થશે. ધર્મપ્રેમીજનોએ પધારવા કોટેશ્વર પરિવારે અનુરોધ કરેલ છે.
રામ મંદિર રતનપર
રાજકોટની ભાગોળે મોરબી રોડ પર રતનપર ખાતે આવેલ શ્રી રામચરિત માનસ મંદિરે કાલે રામજન્મોત્સવનું આયોજન કરાયુ છે. બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી થશે. ઉપસ્થિત ભાવિકો માટે અન્નપૂર્ણા ગૃહમાં શુધ્ધ ઘીમાંથી નિર્મિત ફરાળી મહાપ્રસાદની વ્યવસ્થા કરેલ છે. આ પ્રસંગે દાણાપીઠ, માર્કેટ યાર્ડના વેપારીઓ, સામાજીક અગ્રણીઓ, સિયારામ મંડળીના હોદેદારો, રતનપર અને ગૌરીદડના સેવકો કાર્યકરો ઉપસ્થિત રહેશે. સર્વે ભાવિકોને દર્શન પ્રસાદનો લાભ લેવા સિયારામ મંડળી દ્વારા અનુરોધ કરાયો છે.
જીવનનગર મહાદેવધામ
જીવનનગર વિકાસ સમિતિ સંચાલિત રામેશ્વર મહાદેવધામ ખાતે કાલે રામનવમી જન્મોત્સવ ઉજવાશે. સવારે પ્રભાતફેરી, બપોરે ૧૨ કલાકે મહાઆરતી અને બાદમાં પ્રસાદનું વિતરણ કરાશે. મંદિરને અનેરૂ સુશોભન કરાયુ છે. ભાજપ અગ્રણીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ પધારશે. સમગ્ર ઉજવણી માટે જીવનનગર વિકાસ સમિતિ, મહાદેવધામ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળ જહેમત ઉઠાવી રહેલ છે.
ઇશ્કોન મંદિર
કાલાવડ રોડ પર આવેલ ઇશ્કોન મંદિરે કાલે ૨૨ માં બ્રહ્મોત્સવ સાથે રામનવમીની ઉજવણી કરાશે. સાંજે ૪ થી ૬ કીર્તન તેમજ રાત્રે ૮ વાગ્યે ૨૧૦૦ કિલો ફુલોનો રામને શણગાર કરાશે. મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખેલ છે.
(3:00 PM IST)










