તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
દારૂ પી ખેલ કરી રહેલા પતિને પત્નિએ ઘરમાં પુરી દેતાં કેબલ પકડી નીચે ઉતરતી વખતે ત્રીજા માળેથી પટકાયો
રેલનગર વિસ્તારનો બનાવઃ ૪૦ વર્ષિય સુનિલ સાવલાણીને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ

રાજકોટ તા .૫: નશો કર્યા પછી માણસ ભાન ભુલી જતો હોય છે અને ઘણીવાર ન કરવાનું કરતો હોય છે. રેલનગરમાં રહેતાં એક યુવાને દારૂનો નશો કર્યા બાદ પત્નિ સાથે માથાકુટ ચાલુ કરતાં પત્નિ વધુ ડખ્ખો ન થાય તે માટે પતિને રૂમમાં પુરી ફલેટમાંથી નીચે ઉતરી ગઇ હતી. બીજી તરફ નશાની હાલતમાં આ યુવાને ગેલેરીમાંથી કેબલ પકડી નીચે ઉતરવાનો પ્રયાસ કરતાં ત્રીજા માળ સુધી નીચે ઉતર્યા બાદ હાથમાંથી કેબલ છટકી જતાં નીચે પટકાતાં ગંભીર ઇજા થઇ હતી.
જાણવા મળ્યા મુજબ રેલનગર સાધુ વાસવાણી કુંજ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતો સુનિલભાઇ પરષોત્તમભાઇ સાવલાણી (ઉ.વ.૪૦) સાંજે ત્રીજા માળેથી નીચે પડતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ ઝાલા, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ સહિતે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
સુનિલભાઇ બે ભાઇ અને ચાર બહેનમાં નાના છે અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં ત્રણ પુત્ર છે. સવારે ભાનમાં આવેલા સુનિલભાઇએ કહ્યું હતું કે પોતાને મિત્ર સહિતે સાંજે દારૂ પીવડાવ્યો હતો. બાદમાં પોતાને પત્નિ કોમલ સાવલાણી સાથે માથાકુટ થતાં પત્નિ તેને રૂમમાં પુરીને નીચે ઉતરી જતાં પોતે ચોથા માળની બાલ્કનીમાંથી બહાર નીકળવા કેબલ પકડી નીચે ઉતરતો હતો ત્યારે ત્રીજા માળ સુધી પહોંચ્યા બાદ હાથમાંથી કેબલ છટકી જતાં પડી જતાં ઇજા થઇ હતી.
(3:35 PM IST)










