<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

હોસ્‍પિટલમાં દાખલ બે વર્ષના દિકરાને પતિ લઇ ગયો, પછી તેને બેડલાથી લઇ જવાનું કહી પત્‍નિને ધોકાવી

ઝનાના હોસ્‍પિટલના બાળકોના વિભાગમાં દેવપરાની રતનબેને બે વર્ષના દેવકુને કમળાની સારવાર માટે દાખલ કર્યો હતોઃ ત્‍યાંથી પતિ અજય અને સાસરીયા તેને લઇ ગયાઃ પોતે બેડલા દિકરાને તેડવા જતાં મારકુટ થયાનો આક્ષેપ પતિએ કહ્યું-હવે તું મને ગમતી નથી, તને કાઢી મુકવી છે

રાજકોટ તા. ૫: કોઠારીયા રોડ પર દેવપરા સિંદુરીયા ખાણ પાસે ઝૂપડામાં રહેતી રતનબેન અજય સારોલીયા (ઉ.વ.૨૫)ને બે દિવસ પહેલા તેણી બેડલા ગામે ગઇ ત્‍યારે પતિ અજય, દિયર રાહુલ સહિતનાએ ધોકા-પાઇપ-ઢીકાપાટુનો માર મારતાં દુઃખાવો થતાં ગત સાંજે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી.

હોસ્‍પિટલના બીછાનેથી રતનબેને કહ્યું હતું કે પોતે અને પતિ તથા બાળકો હાલ સિંદુરીયા ખાણ પાસે રહે છે અને ભંગારનો ધંધો કરે છે. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.

બે વર્ષના દિકરા દેવકુને તાવ આવતો હોઇ અને કમળાની અસર થઇ હોઇ તેને ઝનાના હોસ્‍પિટલના બાળકોના વિભાગમાં દાખલ કર્યો હતો.

અહિથી પતિ અજય અને સાસરિયા દેવકુને પરાણે લઇ ગયા હતાં. એ પછી પોતાને પતિએ જો દિકરાને જોઇતો હોય તો બેડલા આવીને લઇ જા તેમ કહેતાં પોતે ત્‍યાં દિકરાને લેવા જતાં પતિ સહિતનાએ મારકુટ કરી હતી. પતિએ હવે તું ગમતી નથી, તને રાખવી નથી તેમ કહીને મારકુટ કરી હતી. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:36 PM IST)