News of Saturday, 5th April 2025
૨૯ વર્ષના અક્ષય સખીયાનું છાતીમાં દુઃખાવો અને ઉલ્ટી થયા બાદ મૃત્યુ
ત્રણ હોસ્પિટલમાં સારવાર લીધી પણ જીવ ન બચ્યોઃ કોઠારીયા રોડ રાધેશ્યામ સોસાયટીના પરિવારે એકનો એક આધારસ્તંભ દિકરો ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૫: શહેરની રાધેશ્યામ સોસાયટીના ૨૯ વર્ષના યુવાનનું છાતીમાં દુઃખાવો ઉપડતાં અને ઉલ્ટી થયા બાદ તબિયત બગડતાં સારવાર માટે દાખલ થયા કરાયો હતો. ત્રણ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પરંતુ જીવ બચી શક્યો નહોતો. જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ બ્રહ્માણી હોલ પાસે રાધેશ્યામ સોસાયટીમાં રહેતો અક્ષયભાઇ રમેશભાઇ સખીયા (ઉ.વ.૨૯) નામનો યુવાન ગઇકાલે ઘરે હતો ત્યારે ઉલ્ટી થતાં ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ત્યાંથી અન્ય ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયો હતો. પરંતુ ત્યાં વધુ છાતીમાં દુઃખાવો ઉપડતાં અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ સવારે તેનું મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃત્યુ પામનાર યુવાન એગ્રો કંપનીમાં નોકરી કરતો હતો. તે એક બહેનથી નાનો અને માતા-પિતાનો એકનો એક પુત્ર હતાં. પિતા રમેશભાઇ રત્નકલાકાર તરીકે કામ કરે છે. યુવાન અને આધારસ્તંભ દિકરાના મૃત્યુથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. મોતનું કારણ જાણવા પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે. હાર્ટએટેક આવી ગયાની શક્યતા જણાવાઇ છે. મૃતકને સંતાનમાં એક પુત્ર છે.
(4:18 PM IST)










