તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th April 2025
જૈન વિઝન દ્વારા સતત ૧૨માં વર્ષે પ્રભુ મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવની ઉજવણીઃ કાર્યક્રમોની હારમાળા
કાર્યક્રમમાં હાજરી આપનારને લક્કી ડ્રોમાં સુવર્ણ મુદ્રા, ચાંદીની ગીની અને બાળકોને સાઈકલ જીતવાની તક : ૯મીએ મેઘાણીના ગીતો ઉપર લોકડાયરો જેમાં દીપક જોશી, હિમાંશુ ચૌહાણ અને રાગીણી પંચાલ જમાવટ કરશેઃ ૧૦મીએ તદ્દન અનોખો ‘આવો રે આવો..મહાવીર નામ લઈએ' કાર્યક્રમ

રાજકોટઃ જૈન વિઝન દ્વારા રાજકોટ ખાતે સતત ૧૨મા વર્ષે અનંત ઉપકારી પ્રભુ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે વિવિધ સમાજલક્ષી કાર્યક્રમોની હારમાળા શરુ થઇ ગઈ છે. જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને તેમની ટીમના જણાવ્યા અનુસાર દર વર્ષની જેમ આ વરસે પણ કાર્યક્રમોની હારમાળા સર્જવામાં આવી છે. જૈન સમાજના ચારેય ફિરકાઓનો અતિ લોકપ્રિય ભક્તિ સંગીતનો કાર્યક્રમ ‘આવો રે આવો મહાવીર નામ લઈએ' નું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા.૧૦ મી એ રૈયા રોડ પર પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં યોજાશે આ કાર્યક્રમમાં મુંબઈ અને અમદાવાદના શ્રેષ્ઠ સિંગરો ભક્તિરસ પીરસશે.
આવો રે આવો મહાવીર નામ લઈએ કાર્યક્રમ વરસોથી યોજાતો ભક્તિમય લોકપ્રિય કાર્યક્રમ છે અને હજારોની સંખ્યામાં જૈન-જૈનેતરો આ ભક્તિ સંગીત સંધ્યા માણે છે.આ કાર્યક્રમનું એક મુખ્ય આકર્ષણ હાજરી આપનારને મળનારા ઇનામનું છે. આ કાર્યક્રમમાં હાજરી આપનારા માટે લક્કી ડ્રો રાખવામાં આવ્યો છે અને તેમાં વિજેતા થનારને સુવર્ણ મુદ્રા, ચાંદીની ગીની અને નાના બાળકોને સાઈકલ જેવા ઇનામો રાખવામાં આવ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે. આ પૂર્વે તારીખ ૯મીએ‘રંગ કસુંબલ ડાયરો'નું અહોભાવ અને ભક્તિપૂર્વક અનેરું અદકેરૂ આયોજન હેમુ ગઢવી હોલમાં કરવામાં આવ્યું છે.આ લોકકસુંબલ ડાયરામાં લોકકલાકારો દીપક જોશી, હિમાંશુ ચૌહાણ અને રાગીણી પંચાલ વગેરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે.આ ડાયરાનું સંચાલન સુખદેવ ગઢવી કરશે જયારે સંગીત સંકલન ગૌરવ ભટ્ટી કરશે.
જૈન-કુળમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણીએ માત્ર ૧૨ વર્ષની વયે જૈન પાઠશાળામાં જૈન સ્તવનની સહુપ્રથમ રચના કરી હતી. આથી ઝવેરચંદ મેઘાણીની ‘બાલ્યાવસ્થાની લીલાભૂમિ' રાજકોટ ખાતે આ પ્રેરક આયોજનનું સવિશેષ મહત્વ છે.
જૈન વિઝન દ્વારા રવિવારે એક સાથે ચાર સમાજ લક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું .ખાસ કરીને પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દત્તક લેવામાં આવેલા ઝૂંપડપટ્ટીના વંચિત બાળકોને ફન વર્લ્ડની પિકનિક કરાવવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃઅભિજીત બગથરીયા)(૪૦.૨૩)
(2:34 PM IST)










