News of Monday, 7th April 2025
રામનવમીએ મંદિરે ધ્વજા ચડાવતી વખતે વિજકરંટથી યુવાનનું મોત
લોહાનગરના કણસાગરીયા પરિવારે યુવાન આધારસ્તંભ દિકરો ગુમાવતાં ગમગીની

રાજકોટ તા. ૭: શહેરના ગોંડલ રોડ પર લોહાનગરમાં રામનવમીના તહેવાર નિમીતે ચારબાઇ માતાજીના મંદિરમાં ધ્વજા ચડાવતી વખતે વીજકરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું હતું. ધ્વજા ચડાવતી વેળાએ અન્ય પણ ત્રણ યુવક સાથે હતાં. તેનો ચમત્કારીક બચાવ થયો હતો.
જાણવા મળ્યા મુજબ ગોંડલ રોડ પાસેના લોહાનગરમાં રહેતો રોહિત વિજયભાઇ કણસાગરિયા (ઉ.વ.૨૧) રવિવારે સવારે તેના ઘર પાસે આવેલા ચારબાઇ મંદિરે ધ્વજા ચડાવવા જતા વીજકરંટ લાગતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતા એ-ડિવિઝન પોલીસ મથકના હેડકોન્સ. લાભુભાઇ જતાપરા સહિતે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર યુવાન છુટક ભંગારનો ધંધો કરતો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં બીજો તથા કુંવારો હતો. યુવાન દિકરાના મોતથી કણસાગરીયા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
(3:29 PM IST)










