<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

કટારીયા ચોકડીથી આગળ ‘હિટ એન્‍ડ રન': દિકરીને અમદાવાદ ઓપરેશન માટે લઇ જતાં પિતાનો પગ ભાંગ્‍યો

અજાણ્‍યો કારચાલક રિક્ષાને ઉલાળીને ભાગી ગયો મુંબઇથી દિકરી સાથે મેટોડા સગાના ઘરે આવેલા રાણાભાઇ સારવારમાં: દિકરી અને સગાનો બચાવ

રાજકોટઃ મોટા મવાથી આગળ કણકોટથી બી. ટી. સવાણી તરફ જવાના રસ્‍તે બિટ એન્‍ડ બાઇટ સ્‍પોર્ટસ ક્‍લબ પાસે રાતે ‘હિટ એન્‍ડ રન'નો બનાવ બન્‍યો હતો. જેમાં બેફામ સ્‍પીડથી આવેલો કારનો ચાલક એક રિક્ષા જીજે૦૩બીયુ-૦૪૯૩ને ઉલાળીને ભાગી ગયો હતો. રિક્ષા પલ્‍ટી મારી જતાં તેમાં ભારે નુકસાની થઇ હતી. રિક્ષાચાલક અને અંદર મુસાફર તરીકે બેઠેલા મેટોડાના હરેશભાઇ જારાભાઇ જમારીયા, તેના સગા નવી મુંબઇ વાસીના બંસીબેન દુકડીયાનો બચાવ થયો હતો. જ્‍યારે બંસીબેનના પિતા રાણાભાઇ જીવાભાઇ દુકડીયા (ઉ.વ.૪૫)ને પગમાં ગંભીર ઇજા થતાં ફ્રેકચર થઇ ગયું હતુ. તેમને ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. હરેશભાઇએ જણાવ્‍યું હતું કે મુંબઇના રાણાભાઇ મારા સગામાં થાય છે. તેમની બાવીસ વર્ષની દિકરી બંસીબેનને પેટમાં સ્‍ટોન હોઇ તેનું ઓપરેશન કરાવવા અમદાવાદ જવાનું હોઇ અમે મેટોડાથી રિક્ષા ભાડે કરી રાજકોટ ઇન્‍દિરા સર્કલ જવા નીકળ્‍યા હતાં. અહિથી બસ પકડવાની હતી. પણ મોટા મવાથી આગળ પહોંચ્‍યા ત્‍યારે કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. જેમાં રાણાભાઇનો પગ ભાંગી ગયો હતો. સિવિલમાંથી તેમને ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:49 PM IST)