News of Monday, 7th April 2025
અડધો કલાક પુરા ફોર્સથી પાણી આપો, કાપ દુર કરોઃ કોંગ્રેસની માંગ
શહેરમાં પાણી નિયમીત આપવાની સરકારની ખાત્રી પોકળ સાબિતઃ અતુલ રાજાણીનો આક્ષેપ

રાજકોટ, તા. ૭: મ્યુનિ. કોર્પોરેશનમાં આવતી કાલે શહેરના પાંચ વોર્ડના અનેક વિસ્તારમાં પાણી કાપ જાહેર કરતા કોંગ્રેસે આ કાપ દુરકરવાની થાય પુરા ફોર્સથી પાણી આપવા માંગણી કરી છે.
આ અંગે શહેર કોંગ્રેસે પ્રમુખ અતુલ રાજાણીએ કમીશ્નરને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સપ્તાહ મા એકાદ વાર આડકતરો પાણી કાપ કોઈને કોઈ બહાને લાદવામાં આવી રહ્યો છે. મહાનગરપાલિકા ને જરૂરિયાત મુજબનું પાણી રાજ્ય સરકાર આપતી રહેશે.
પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના ઇજનેરોની અણ આવડતને પગલે ભર ઉનાળે પ્રી મોનસુન કામગીરીના ઓઠા તળે આવતીકાલે શહેરના પાંચ વોર્ડમાં અડધા વિસ્તારોમાં એકાદ લાખ લોકોને પાણી માટે વલખા મારવા પડશે. વેસ્ટ ઝોન હસ્તકના મવડી (પુનિતનગર) પમ્પિંગ સ્ટેશન ના ૧૭૬ વિસ્તારોમાં જ્યારે પાણી કાપ રહેશે ત્યારે અગાઉ શાસકો દ્વારા જાહેરાત કરાઈ હતી કે કોઈપણ ઝોનમાં જ્યારે પાણીની ઘટ રહેશે તો એક્સપ્રેસ ફીડર લાઇનથી જે તે ઝોન માં પાણીની ઘટ પૂરી કરાશે. અને પાણીકાપ લાદવામાં આવશે નહીં પરંતુ તેમ છતાં શહેરના પાંચ વોર્ડમાં પાણી કાપ આવતીકાલે હોવાનું જાણવા મળેલ છે.
વધુમાં શ્રી રાજાણીએ જણાવ્યું હતું કે, મનપાના શાસકો દ્વારા ચૂંટણી પહેલા તેમના વચનમાં અડધી કલાક રાજકોટની જનતાને પાણી પુરા ફોર્સથી આપવાનું વચન આપવામાં આવ્યું હતું.
હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં અડધી કલાક પાણી મળવું જોઈએ અગાઉ મીટર આધારિત પુરા શહેરમાં ૨૪ કલાક પાણી વિતરણ કરવા બાબતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ બે પાંચ વોર્ડને બાદ કરતા આ ૨૪ કલાક પાણી વિતરણની યોજનાનું બાળમરણ થયું છે. રાજકોટમાં જાણે કે સપ્તાહમાં એકાદ વખત આડકતરો પાણી કાપ ચાલી રહ્યો હોય તેમ પાણી વિતરણ બંધ કરી દેવામાં આવે છે.
નર્મદાના નામે રાજકીય રોટલા શેકનારા શાસકો પુરા ફોર્સ થી ૨૦ મિનિટ સ્વચ્છ પાણી આપવામાં ખોટા સાબિત થયા છે. અને પાણી વેરો જે રેસીડેન્સ મિલકતમાં અગાઉ રૂા. ૮૪૦ હતો તે રૂા. ૧૫૦૦ કરાયા અને કોમર્શિયલ મિલકત માં પાણી વેરામાં પણ ડબલ વધારો કરવામાં આવ્યો હતો. અને મોંઘુ દાટ બનતું પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે પડી છે.
વખતોવખત લાઈન લોસ ને કારણે ભાદર ની લાઈન નર્મદાની લાઇન કે રાજકોટ મહાનગરપાલિકાની પાઇપલાઇનનો દ્વારા પાણીનો બેફામ વેડફાટ થાય છે જે તંત્રના રેકોર્ડ પર પણ મૌજુદ છે.
શહેરમાં પુરા ફોર્સ થી શાસકોના વચન મુજબ અડધી કલાક પાણી વિતરણ કરવામાં આવે. આજે પણ શહેરના છેવાડા ના વિસ્તારોમાં જ્યાં પાણી ની પાઈપ લાઈન નથી ત્યાં ટેન્કર દ્વારા પાણી વિતરણ થાય છે તો આવા વિસ્તારોનો સર્વે કરાવી લોકો ને તાત્કાલિક પાણી લાઈન દ્વારા મળે તેવો પ્રબંધ કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.
(4:21 PM IST)










