<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

પોપટપરાના રાજેશ તલવારને વ્‍યાજખોરોએ ફટકારતાં ઘરેથી ગૂમઃ તેના પત્‍નિએ ફિનાઇલ પીધું: સદામ-જાવેદ સામે ગુનો

સીઝનલ ચીજવસ્‍તુનો ધંધો કરતાં શીખ યુવાન અને તેના પત્‍નિએ સદામ પાસેથી ૩ લાખ લઇ ૮ લાખ ચુકવ્‍યા અને જાવેદ પાસેથી ૧ લાખ ૧૦ ટકે લઇ ૭ લાખ વ્‍યાજ ચુકવ્‍યા છતાં વધુ વ્‍યાજની ઉઘરાણી, સતત ધમકીઓ રાજેશ તલવારના પત્‍નિ નિકીતાબેને પ્ર.નગર પોલીસ સ્‍ટેશન પાસે આપઘાતનો પ્રયાસ કર્યોઃ મનીલેન્‍ડ, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો સદામે આઠ લાખ વ્‍યાજ ખાઇ, પોપટપરા પાસેનું મકાન પણ પડાવી લીધું, છતાં ધરાતો નથી

રાજકોટ તા. ૯: વ્‍યાજખોરીનો વધુ એક બનાવ બન્‍યો છે. જેમાં પોપટપરા વિસ્‍તારમાં રહેતાં સરદાર-શીખ પરિવારના મહિલાએ રાતે પ્ર.નગર પોલીસ સ્‍ટેશન પાસે આવી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં પોલીસે કાર્યવાહી કરી હતી. આ મહિલા અને તેના પતિ સીઝનલ ધંધો કરી ગુજરાન ચલાવે છે. બે શખ્‍સો પાસેથી વ્‍યાજે લીધેલા ૩ લાખ અને ૧ લાખ સામે બંનેને સાત-આઠ લાખથી વધુ વ્‍યાજ ચુકવી દીધુ હોઇ અને એક શખ્‍સે મકાન પણ પડાવીને કબ્‍જો જમાવી લીધો હોઇ હજુ પણ વ્‍યાજની માંગણી કરી ઘરે આવી ધમકી આપતાં તેમજ સોમવારે આ મહિલાને પતિને ઘરેથી છરીની અણીએ બહાર લઇ જઇ બેફામ ધોકાવ્‍યો હોઇ તે ભયને કારણે ઘર છોડી ભાગી જતાં આ મહિલાએ કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યાનું ખુલ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ  પોપટપરા-૨ પૂલની પાછળ રાજુભાઇ ભરવાડના વાડા પાસે રહેતાં નિકીતાબેન રાજેશભાઇ તલવાર (સરદાર-શીખ) (ઉ.વ.૨૭) નામની પરિણીતાએ રાતે સાડા નવેક વાગ્‍યે પ્ર.નગર પોલીસ સ્‍ટેશન પાસે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, ભગીરથસિંહે જાણ કરતાં પ્ર.નગર પોલીસે હોસ્‍પિટલે પહોંચી નિકીતાબેન તલવારની ફરિયાદ પરથી સદામ બદવાણી, જાવેદ અને અજાણ્‍યા સામે મનીલેન્‍ડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે.

નિકીતાબેન તલવારે જણાવ્‍યું હતું કે હું પતિ, બે સંતાન સાથે રહુ છું. મારા પતિ અને હું સીઝનલ ચીજવસ્‍તુનો વેપાર કરી ગુજરાન ચલાવીએ છીએ. ગત ૭/૪/૨૫ના સાંજે હું અને મારા બહેન પૂજા તથા સાસુ ગીતાબેન, જેઠાણી અનીતાબેન, જેઠ રાજાભાઇ, મારા સંતાનો તેમજ સસરા અનીલભાઇ ઘરે હતાં ત્‍યારે સદામ બદવાણી અને અજાણ્‍યો શખ્‍સ અમારા ઘરે આવ્‍યા હતાં અને છરી બતાવી મારા પતિ રાજેશને ઘરની બહાર લઇ જઇ ઢોર માર માર્યો હતો.  એ પછી તે રાતે ઘરે આવ્‍યા હતાં અને ખુબ ગભરાયેલા હતાં.

મારા પતિએ સદામ પાસેથી દોઢેક વર્ષ પહેલા ત્રણ લાખ રૂપિયા વ્‍યાજે લીધા હતાં. જેનું ૧૦ ટકા વ્‍યાજ નક્કી થયું હતું. મારા પતિએ દસ ટકા લેખે આઠેક લાખ રૂપિયા વ્‍યાજ ચુકવી દીધુ હતું. એ પછી આઠેક માસ પહેલા મારા પતિએ જાવેદ પાસેથી એક લાખ રૂપિયા વ્‍યાજે લીધા હતાં. તેની સામે પણ ફરી સાત-આઠ લાખ ભરી દીધા હતાં. આમ છતાં જાવેદ વધુ વ્‍યાજ માંગી હેરાન કરે છે. આટઆટલુ વ્‍યાજ સદામને આપ્‍યું હોવા છતાં તેણે પોપટપરા પોલીસ ગ્રાઉન્‍ડ પાસે આવેલુ અમારુ મકાન પડાવી લીધું છે, તેમાં કબ્‍જો જમાવી લીધો છે. હજુ પણ જાવેદ અને સદામ બંને અવાર-નવાર અમારી ઘરે આવી વધુ વયજ ભરવા મારા પતિને દબાણ કરે છે. વારંવાર મારી નાખવાની ધમકીઓ આપે છે. નિકીતાબેને વધુમાં જણાવ્‍યું હતું કે ગત ૭/૪ના રોજ મારા પતિને માર માર્યો હોઇ જેથી તે બીકને કારણે ઘરેથી ભાગી ગયેલ, એ પછી સદામ અને જાવીદે અમને ફરિયાદ નહિ કરવા પણ ધમકાવ્‍યા હતાં.  અમે રૂપિયા આપવા માટે સમય માંગીએ તો પણ ધમકી દઇ સતત વ્‍યાજની ઉઘરાણી કરી દબાણ કરે છે. આથી કંટાળી જતાં મેં મંગળવારે આઠમીએ સાંજે પોપટપરા પાસેના મેડીકલ સ્‍ટોરમાંથી ફિનાઇલની બોટલ લીધી હતી અને પોલીસ સ્‍ટેશન પાસે આવીને પી લીધી હતી. વ્‍યાજની ઉઘરાણી કરી સદામ અને જાવેદે અમારુ જીવવુ દુષ્‍કમર કરી દીધું હોઇ ફરિયાદ નોંધાવવી પડી છે. તેણીની આ ફરિયાદને આધારે હેડકોન્‍સ. વી. એ. ગરચરે પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં સદામ અને જાવેદ સામે બીએનએસની કલમ ૧૧૫ (૨)૪ ૩૫૨, ૩૫૧ (૩), ૫૪ તથા મનીલેન્‍ડ એક્‍ટ હેઠળ ગુનો દાખલ કરતાં આગળની તપાસ પીએસઆઇ જે. બી. રાણીંગાએ હાથ ધરી છે.

 બે સંતાન સાથે પોલીસ સ્‍ટેશન પાસે આવી ફિનાઇલ પીધું, સંતાનોએ દેકારો મચાવ્‍યો

ઞ્જનિકીતાબેને પોતાની દિકરી, દિકરા સાથે પ્ર.નગર પોલીસ સ્‍ટેશન નજીક આવી વિડીયો બનાવી ફિનાઇલ પી લીધુ હતું. આ વખતે દિકરી-દિકરાએ મમ્‍મી, મમ્‍મી કહી દેકારો મચાવી મુકતાં પોલીસ કર્મચારી દોડી આવ્‍યા હતાં અને નિકીતાબેનના હાથમાંથી ફિનાઇલની બોટલ ખુંચવી લીધી હતી અને તેણીને તત્‍કાલ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડી હતી. તેમજ તેણીની ફરિયાદ પરથી સદામ, જાવેદ સહિતની સામે ગુનો દાખલ કર્યો હતો.

(3:24 PM IST)