<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

પ્રભુ મહાવીર જન્‍મકલ્‍યાણકની ભાવભેર ઉજવણીઃ ધર્મયાત્રા-ધર્મસભા

જૈનમ દ્વારા ભવ્‍ય ધર્મયાત્રા-ધર્મસભાઃ જૈન વિઝન દ્વારા રાત્રે આવો રે આવો મહાવીર નામ લઇએ

અકિલાના આંગણે પ્રભુ મહાવીર જન્‍મકલ્‍યાણક ધર્મયાત્રાનું સ્‍વાગતઃ અકિલા પરિવાર દ્વારા પ્રભુના  અક્ષત વધામણા :  રાજકોટઃ આજે મહાવીર જન્‍મ કલ્‍યાણક નિમિત્તે રાજકોટ ખાતે જૈન સમાજ દ્વારા જૈનમ સંકલીત ધર્મયાત્રા અકિલા કાર્યાલય પહોંચતા અકિલા પરિવાર દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. અકિલા કાર્યાલય ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા તથા ધારાબેન દિપકભાઇ નાગ્રેચા, સ્‍મિતાબેન સુનીલભાઇ રાયચુરા, કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, દ્વારા પ્રભુના અક્ષત વધામણા કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે રાજકોટ-૬૯ના ધારાસભ્‍ય ડો. દર્શીતાબેન શાહ, જૈનમના જીતુભાઇ કોઠારી, વિભાસભાઇ શેઠ, નિલેશભાઇ શાહ, સુજીતભાઇ ઉદાણી, ભીમભાઇ, મેહુલભાઇ દામાણી, મયુરભાઇ શાહ, શશ્રૈલેષભાઇ માઉ, સેજલભાઇ કોઠારી ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ, તા. ૧૦: જૈનોની ચૈત્રી માસની આયંબીલ ઓળી પૂર્ણતા તરફ જઇ રહી છે. આકરા તાપમાન વચ્‍ચે જૈનો દ્વારા આયંબિલ તપની આરાધના કરવામાં આવી રહી છે. ૯ દિવસ સ્‍વાદ વિનાનું ભોજન, ધર્મધ્‍યાન દ્વારા જૈનો જિનભકિત કરી રહ્યા છે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ઉપાશ્રયોમાં આયંબિલ અર્થે પૂ.ગુરૂભગવંતોના પ્રવચનનો શ્રાવક-શ્રાવિકો બહોળી સંખ્‍યામાં લાભ લઇ રહ્યા છે. ભાવિકો જિનભકિતમાં લીન બન્‍યા છે. બાળકોથી લઇ મોટી ઉંમરના શ્રાવક-શ્રાવિકાઓ ધર્મ આરાધનાની હેલી સર્જી રહ્યા છે. દેરાસરો-ઉપાશ્રયોમાં ઠેર-ઠેર ધાર્મિક અનુષ્ઠાનો યોજાઇ રહ્યા છે.

આજે ગુરૂવારે ભગવાન મહાવિર સ્‍વામીના જન્‍મકલ્‍યાણક પ્રસંગે અનેક ધાર્મિક કાર્યક્રમો, શોભાયાત્રા સહિતના આયોજન કરવામાં આવ્‍યા છે. જૈનમ દ્વારા સવારે ૮ કલાકે મણીયાર દેરાસરથી પૂ. ધીરગુરૂદેવના માંગલીક સાથે અહીંસા પરમો ધર્મના સંદેશ સાથે પ્રભુ મહાવિરની ભવ્‍ય ધર્મયાત્રા પ્રસ્‍થાન કરેલ. જે શહેરના રાજમાર્ગો ઉપર ધર્મ સંદેશ પ્રસરાવતી  વિરાણી પૌષધશાળા ખાતે ધર્મસભામાં પરિવર્તીત થઇ હતી.

પ્રભુ મહાવિર જન્‍મકલ્‍યાણકની રાત્રીએ જૈન વિઝન સંસ્‍થા દ્વારા ભકિતમય કાર્યક્રમ આવો રે આવો મહાવિર નામ લઇએ, પ્રમુખસ્‍વામી ઓડીટોરીયમ ખાતે રાત્રે ૮:૩૦ કલાકે યોજાશે.

આયંબિલ ઓળીમાં ભાવિકો દ્વારા છૂટક કે આખી ઓળીની આરાધના કરવામાં આવે છે. જૈન સંઘો દ્વારા આ અંગે વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. પાટલે પ્રભાવના બહુમાન આપવામાં આવે છે. પૂ.ગુરૂભગવંતો દ્વારા ધર્મ આરાધના કરાવવામાં આવી રહી છે. સ્‍થાનકવાસી સમાજ અને મૂર્તિપૂજક જૈનોએ પ્રભુ મહાવિર જન્‍મકલ્‍યાણકની ભાવભેર ઉજવણી કરી હતી.

જૈનો દ્વારા ૯ દિવસ આયંબિલ તપ આરાધના બાદ પારણા કરવામાં આવે છે. જેમાં રવિવારે પારણા કરશે. આયંબિલ તપ આરાધકો દ્વારા ઘરે અથવા સંઘોમાં પારણા કરવામાં આવે છે. આમ ૯-૯ દિવસ સુધી સ્‍વાદ ઉપર વિજય મેળવી જૈન સમાજ આયંબિલ ઓળીની આરાધના પૂર્ણ કરે છે.

(2:52 PM IST)