<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

જામનગર રોડ મનહરપુરમાં જયેશ ઘાવરીની કોહવાયેલી લાશ મળી

મોટા ભાઇ બહારગામ હોઇ ઘરે એકલો હતોઃ આસપાસમાં દૂર્ગંધ આવતાં લોકોએ જાણ કરતાં પોલીસે દરવાજો તોડી જોતાં મૃતદેહ મળ્‍યોઃ નશો કરવાની આદત હતી

રાજકોટ તા. ૧૦: શહેરના જામનગર રોડ પર નવી કોર્ટ સામેના ભાગે રહેતાં યુવાનની તેના જ ઘરમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બંધ મકાનમાંથી અત્‍યંત દૂર્ગંધ આવતી હોઇ લોકોએ જાણ કરતાં પોલીસે ત્‍યાં પહોંચી દરવાજો તોડીને જોતાં લાશ મળી હતી.

જાણવા મળ્‍યા મુજબ નવી કોર્ટ સામે મનહરપુર ઢાળ મફતીયાપરામાં એક મકાનમાંથી દૂર્ગંધ આવતી હોઇ આસપાસના રહેવાસીઓએ તપાસ કરતાં દરવાજો અંદરથી બંધ હોઇ પોલીસને જાણ કરતાં યુનિવર્સિટી પોલીસની ટીમે પહોંચી દરવાજો તોડાવી અંદર તપાસ કરતાં યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

તપાસમાં ખુલ્‍યા મુજબ મૃત્‍યુ પામનાર યુવાનનું નામ જયેશભાઇ ભાણજીભાઇ ઘાવરી (ઉ.વ.૪૨) છે. તે બે ભાઇમાં નાનો હતો. તેના મોટા ભાઇ પાંચેક દિવસથી બહારગામ ગયા હોઇ પોતે ઘરે એકલો જ હતો. તેના પિતા હયાત નથી. માતા કચ્‍છમાં રહે છે. આસપાસમાં થઇ રહેલી ચર્ચા મુજબ મૃતકને દારૂનો નશો કરવાની આદત હતી. આશરે ત્રણેક દિવસ પહેલા તે ઘરમાં કોઇ કારણોસર બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થયું હતું. ઘરે કોઇ ન હોઇ ત્રણ દિવસથી લાશ કોહવાઇ રહી હતી. આજે દૂર્ગંધ ચાલુ થતાં પડોશીએ પોલીસને જાણ કરી હતી. બહારગામ ગયેલા તેના ભાઇને  જાણ થતાં તે રાજકોટ આવવા રવાના થયા હતાંં.

(2:45 PM IST)