<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

ધરમ સિનેમા પાસે બાઇક અકસ્‍માતમાં ઘવાયેલા ચાલક દેવપરાના વિજયભાઇ પાટડીયાનું મોત

ઇમિટેશનના કારીગર રવિવારે આટો મારવા નીકળ્‍યા ત્‍યારે રાહદારી મહિલા આડે આવી જતાં અકસ્‍માત સર્જાયો હતોઃ સિવિલમાં સારવારમાં દમ તોડી દેતાં પરિવારજનોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૦: ગયા રવિવારની રાતે અગિયારેક વાગ્‍યે ધરમ સિનેમા (આર વર્લ્‍ડ) નજીક વાહન અકસ્‍માત સર્જાયો હતો. જેમાં દેવપરામાં રહેતાં બાઇકચાલક વિજયભાઇ ખુશાલભાઇ પાટડીયા (ઉ.વ.૪૫)ને ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર દરમિયાન તેમનું આજે સવારે મૃત્‍યુ નિપજતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ દેવપરામાં રહેતાં વિજયભાઇ પાટડીયા ગયા રવિવારે આટો મારવા માટે ઘરેથી બાઇક લઇને નીકળ્‍યા બાદ આર વર્લ્‍ડ પાસે પહોંચ્‍યા ત્‍યારે એક રાહદારી બહેન આડે આવી જતાં તેની સાથે બાઇક અથડાતાં પોતે બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેમજ વર્ધમાનનગર-૬માં રહેતાં પારૂલબેન મનિષભાઇ નડ્ડા (ઉવ.૪૨) કે જે બાઇકની ઠોકરે ચડયા હતાં તેમને પણ ઇજા થતાં બંનેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

જો કે મહિલાને સારવાર બાદ રજા અપાઇ હતી. જ્‍યારે વિજયભાઇને ગંભીર ઇજા પહોંચી હોઇ વેન્‍ટીલેટર પર રખાયા હતાં. આજે તેમણે દમ તોડી દેતાં સ્‍વજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભગીરથસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર વિજયભાઇ ઇમિટેશનનું કામ કરે કરતાં હતાં. પોતે બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. તેમના મૃત્‍યુથી દિકરા, દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવી દીધી હતી.

(4:08 PM IST)