<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

પીએસઆઇ સાથે પII લાખની ઠગાઇ કરનારા મિત્ર નયનની શોધખોળ

હાલ જુનાગઢ ફરજ બજાવતાં એમ. બી. જેબલીયા અગાઉ રાજકોટ ફરજ પર હતાં ત્‍યારે સિનર્જી હોસ્‍પિટલ પાસે રહેતાં શખ્‍સે મિત્રતા કેળવી ફલેટના સોદામાં કમાણીની લાલચ આપી

રાજકોટ તા. ૧૦: ફલેટની ખરીદીમાં રોકાણ કરવાથી નફો મળશે તેવી લાલચ આપી રાજકોટ રેસકોર્ષ રીંગ રોડ ગેલેક્‍સી સિનેમા પાસે રાજેશ-બી એપાર્ટમેન્‍ટમાં રહેતાં અને જૂનાગઢ પીટીસી ખાતે ફરજ બજાવતાં પીએસઆઈ મહેન્‍દ્રભાઈ ભીખુભાઈ (એમ. બી.) જેબલિયા (ઉ.વ. ૪૮) સાથે  તેના જ મિત્ર નયન જતીન સેજપાલ (રહે. સિનર્જી હોસ્‍પિટલ પાસે)એરૂપિયા ૫ાા લાખની છેતરપિંડી કર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં આરોપીને શોધી કાઢવા તપાસ શરૂ થઇ છે.

છેતરપીંડીનો ભોગ બનેલા ફરિયાદમાં પીએસઆઈ જેબલીયાએ જણાવ્‍યું છે કે ૨૦૧૯માં રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે ફરજ બજાવતા હતા ત્‍યારે આરોપી નયન સેજપાલ સાથે સંપર્ક થતાં મિત્રતા થઇ હતી. તે વખતે આરોપીએ કહ્યું કે હું જમીન-મકાનની દલાલી કરું છું, તમારે પ્રોપર્ટીમાં રોકાણ કરવું હોય તો કહેજો. ત્‍યારબાદ આરોપીએ પ્રોપર્ટીનું લિસ્‍ટ બતાવ્‍યું હતું.  પછી તે અવારનવાર કોલ અને વોટ્‍સએપ કોલ કરી, દારૂ અને જુગારની બાતમી આપીશ તેમ પણ કહેતો હતો. ૨૦૧૯ની સાલમાં આરોપીએ તેને કોલ કરી સિનર્જી હોસ્‍પિટલ પાસે પ્રોપર્ટી બતાવવા બોલાવ્‍યા હતાં. જ્‍યાં જતાં આરોપીએ કહ્યું કે રૂ. ૫ લાખની વ્‍યવસ્‍થા કરો, રૂ. ૨૫  લાખના ફલેટનું ટોકન આપવાનું છે, એક ફલેટ લેનાર ગ્રાહક છે જેને રૂ. ૨૯ લાખમાં વેચી દેવાથી રૂ. ૪  લાખનો નફો થશે, જેમાંથી હું તમને રૂ. ૨ લાખ આપીશ.ૅજેથી આરોપીને રૂ. ૫ લાખની વ્‍યવસ્‍થા કરી આપી દીધા હતાં.

તે વખતે આરોપી નયનએ કહ્યું કે સામેની પાર્ટી ફલેટ લેવા તૈયાર જ છે, લોન પણ તૈયાર જ છે, તેમના મકાનનો કબજો આપણી પાસે જ છે તેમ કહી વિશ્વાસમાં લીધા હતાં. એટલું જ નહીં તેણે પણ બાતમી મેળવવા અલગ-અલગ વાતો કરી હતી. થોડીવાર બાદ આરોપીની ઓફિસમાં એક યુવતી આવી હતી. જેને આરોપી બેટા કહીને બોલાવતો હતો. આરોપીએ રકમ એ યુવતીને ગણવા માટે આપી દીધી હતી. બીજા દિવસે આરોપીએ ઘંટેશ્વર પાસે ફોરચ્‍યુનર સેરેમનીમાં ફલેટ દેખાડયો હતો અને કહ્યું કે આ ફલેટનો સોદો આપણે કરવાના છીએ. દિવસો પસાર થતા આરોપીને સોદા બાબતે પૂછતાં ગલ્લા-તલ્લાં અને રાહ જોવાનું કહેવાનું શરૂ કર્યું હતું. મહિનાઓ પસાર થયા બાદ આરોપી પાસે પૈસા પરત માંગતા કહ્યું કે તમારા હિસાબમાં આવતા વધારાના બે લાખમાંથી દોઢ લાખ આપું છું, બાકીના ૫૦,૦૦૦ પછી આપીશ, પાંચ લાખની મૂડીની હાલ મારે જરૂર છે અને તેનું રોકાણ પણ થઇ ગયું છે, તમે થોડી રાહ જુઓ. આ રીતે આરોપીએ રૂ. ૫ લાખ તેની પાસેથી લઇ નફા પેટેના રૂ. ૨ લાખમાંથી રૂ. દોઢ લાખ આપી નફાના રૂ. ૫૦,૦૦૦ ઉપરાંત મૂડીના રૂ. ૫ લાખ એમ કુલ રૂ. ૫.૫૦ લાખ નહીં આપતાં આખરે આજે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઓડિયો અને વીડિયો રેર્કોડિંગ સહિતના પૂરાવા રજૂ કરવાની વાત કરી છે. પીઆઇ આર. એસ. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એ. એસ. મકરાણીએ તપાસ હાથ ધરી છે. (૧૪.૧૧)

(3:33 PM IST)