<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

દેણું વધી જતાં મયુરનું મિત્ર ડોક્‍ટર સાથે મળી ૪૦ લાખનો વીમો પકવવા કારસ્‍તાનઃ હોસ્‍પિટલના કર્મચારીની સંડોવણી

માધાપર ચોકડી પાસે વ્‍હોરા સોસાયટી નજીક રહેતાં મયુર છુંછારએ આઇસીઆઇસીઆઇ વીમા કંપનીમાં પોતાને પેરેલિસીસની અસર છે તેવુ કહી કાગળો રજૂ કરી મેડીક્‍લેઇમ પાસ કરાવવા કાર્યવાહી કરીઃ પણ એક ડોક્‍ટરનો શરીરની જમણી બાજુ અને બીજાનો ડાબી બાજુ પેરેલિસિસની અસરનો રિપોર્ટ જોતાં શંકા ઉપજી અને ભાંડો ફુટયો : મયુર છુંછાર દર્દી બન્‍યો અને મિત્ર ફિઝીયોથેરાપીસ્‍ટ ડો. અંકિત કાથરાણી તથા સમર્પણ હોસ્‍પિટલના સ્‍ટાફ સાથે મળી સારવારના નકલી રિપોર્ટ ઉભા કર્યાઃ લેબોરેટરી, સિવિલ હોસ્‍પિટલના સહયોગ ઇમેજીંગ સેન્‍ટરના એમઆરઆઇ રિપોર્ટ સહિત બધુ બોગસ ઉભુ કર્યુઃ અમદાવાદની તપાસ એજન્‍સીના ડો. રશ્‍મિકાંત પટેલની ફરિયાદઃ ડીસીપી ઝોન-૨ જગદીશ બાગરવા, એસીપી રાધિકા ભારાઇના માર્ગદર્શનમાં પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઇ એસ. એલ. ગોહિલ અને ટીમની તપાસઃ ડોક્‍ટર કાથરાણી સંકજામાં : તપાસ એજન્‍સી સમક્ષ મયુરે કહેલું- હું ક્રિકેટ રમતો હતો ત્‍યારે ચક્કર આવતાં મેં સહયોગ ઇમેજીંગ સેન્‍ટરમાં એમઆરઆઇ કરાવેલ, પછી સમર્પણ હોસ્‍પિટલમાં દેખાડતાં પેરેલિસીસની અસરનો રિપોર્ટ આવ્‍યો છે, હાલ સારવાર ચાલુ છેઃ જો કે આ બધા રિપોર્ટ ખોટા હતાં : એજન્‍સીના અધિકારી દર્દી મયુરના ઘરે તપાસ માટે પહોંચ્‍યા ત્‍યારે ફિઝીયોથેરાપીસ્‍ટ ડો. અંકિતે કહ્યું-દર્દી મયુર એકલો હાલી ચાલી શકતો નથી, કપડા બદલી શકતો નથી, ઉભો રહી શકતો નથીઃ મયુર ત્‍યારે લંગડાતો હતોઃ એ પછી અધિકારીએ ચારેક કલાક ઘર બહાર વોચ રાખતાં દર્દી મયુર બાઇક લઇને નીકળ્‍યો,ઘરથી એકાદ કિ.મી. દૂર હોટલે જઇ ચા બનાવવા માંડયો હતો! : એજન્‍સીના અધિકારીઓએ વિડીયો ઉતારી કારસ્‍તાન ઉઘાડુ પાડતાં કહ્યું- ભુલ થઇ ગઇ, હવે વીમાના પૈસા જોઇતા નથીઃ સિવિલ હોસ્‍પિટલની સહયોગ ઇમેજીંગ સેન્‍ટરના એમઆરઆઇ રિપોર્ટ પણ નકલી બનાવ્‍યા :ફિઝીયોથેરાપીસ્‍ટ ડો. અંકિત કાથરાણીની અટકાયતની તજવીજઃ મયુર છુંછારની શોધખોળઃ જે કોઇની સંડોવણી થશે તેની સામે કાર્યવાહીઃ એસીપી રાધિકા ભારાઇ : દર્દી મયુરને સમર્પણ હોસ્‍પિટલમાં સામાન્‍ય નબળાઇની સારવાર અપાઇ હતી, અમે મોટી રકમનું બીલ આપ્‍યું નથીઃ હોસ્‍પિટલના કર્મચારી ભાવિક માંકડે સહી સિક્કા કરી આપ્‍યા હતાં: તેમણે ભુલ સ્‍વીકારી લીધી હતીઃ મયુરે જાતે જ ખોટા રિપોર્ટ તૈયાર કર્યા હતાં: હોસ્‍પિટલના સંચાલકની સ્‍પષ્‍ટતા

 રાજકોટ તા. ૧૧: શહેરના જામનગર રોડ વ્‍હોરા સોસાયટી પાસે રહેતાં અને ચાની હોટલ ચલાવતાં ત્રીસ વર્ષના શખ્‍સે પોતાને પેરેલિસીસની અસર થઇ ગઇ છે તેવા ખોટા સારવારના રિપોર્ટ ઉભા કરાવી ૪૦ લાખનો વીમો પકવવા કારસ્‍તાન ઘડતાં અને તેમાં તેને તેના મિત્ર એવા ફિઝીયોથેરાપીસ્‍ટ ડોક્‍ટર તથા સમર્પણ હોસ્‍પિટલના કોઇ કર્મચારીએ પણ મદદ કરતાં આ તમામ સામે થર્ડ પાર્ટી વિમા ક્‍લેઇમની ખરાઇ કરવાનું કામ સંભાળતી એજન્‍સીના અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. એક જ સારવારના બે ડોક્‍ટરના અલગ અલગ અભીપ્રાય પોલીસીના કાગળો સાથે જોવા મળતાં શંકા ઉપજતાં તપાસ શરૂ થઇ હતી અને ભાંડો ફુટયો હતો. ફિઝીયોથેરાપીસ્‍ટ ડોક્‍ટરની અટકાયત કરી લેવામાં આવી છે.

વીમા પોલીસીની ખરાઇ કરતી એજન્‍સીના અધિકારી તપાસ માટે દર્દીના ઘરે પહોંચ્‍યા ત્‍યારે ફિઝીયોથેરાપીસ્‍ટ ડોક્‍ટર પણ દર્દીની સાથે હતાં. તેણે આ દર્દી કોઇની મદદ વગર ચાલી શકતો નથી, ન્‍હાઇ શકતો નથી, પેરેલિસીસની અસર છે એવુ બધુ કહ્યું હતું અને દર્દી ટેકો લઇને ચાલતો જોવા મળ્‍યો હતો. બીજી તરફ એજન્‍સીના અધિકારીઓએ દર્દીના ઘર પાસે છુપાઇને ચારેક કલાક વોચ રાખતાં બાદમાં દર્દી બાઇક લઇને નીકળેલ અને ઘર નજીક હોટલે પહોંચી ત્‍યાં ચા બનાવવા માંડતાં તેને રંગેહાથ પકડી લેવાયો હતો! દેણુ થઇ જતાં વીમા પોલીસી પકવવા કાવત્રુ ઘડયાનું તેણે કબુલ્‍યું હતું, ફિઝીયોથેરાપીસ્‍ટે પણ હવે પોલીસી નથી જોઇતી તેવું લેખીતમાં આપ્‍યું હતું.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે અમદાવાદ પ્રહલાદનગર ગ્રીન એકર્સ ઇ-૫૦૩મા રહેતાં અને  શ્‍યામલ ક્રોસ રોડ પર ફિનીક્‍સ એશ્‍યોરન્‍સ પ્રા.લિ. કંપનીઓ માટે થર્ડ પાર્ટી ચકાસણી એજન્‍સીમાં થર્ડ પાર્ટી વીમા ઓડિટીંગનું કામ કરતાં ડો. રશ્‍મિકાંત જયંતિલાલ પટેલ (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી રાજકોટના જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે વ્‍હોરા સોસાયટી પાસે એમ્‍પાયર- કેવલમ્‌ કિંગડમ-૨૦૨ ખાતે રહેતાં મયુર કરસનભાઇ છુછાંર (ઉ.વ.૩૦), તેના મિત્ર ફિઝીયોથેરાપીસ્‍ટ ડો. અંકિત હિતેષભાઇ કાથરાણી (રહે. માધાપર ચોકડી પાસે) તથા સમર્પણ હોસ્‍પિટલ રાજકોટના જવાબદાર કર્મચારી અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૨૦, ૧૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી), ૫૧૧ મુજબ બોગસ મેડીક્‍લેઇમ પોલીસી ઉભી કરી ખોટા કાગળો રજૂ કરી રૂા. ૪૦ લાખનો વીમો પકાવી લેવાનું કાવત્રુ ઘડી છેતરપીંડી કરવાનો પ્રયાસ કર્યાનો ગુનો નોંધ્‍યો છે.

ડો. રશ્‍મિકાંત પટેલે જણાવ્‍યું છે કે હું અમદાવાદની ફિનીક્‍સ એસ્‍યોરન્‍સ કંપનીમાં સ્‍થાપક અને એમડી તરીકે ફરજ બજાવુ છું. અમારી એજન્‍સી દસ વર્ષથી કાર્યરત છે. કોઇપણ વ્‍યક્‍તિ દ્વારા કોઇપણ ક્‍લેઇમ કરવામાં આવે ત્‍યારે અમે જે હકિકત સાચી છે કે કેમ? તે બાબતે ક્‍લેઇમના ડોક્‍યુમેન્‍ટની ખરાઇ તેમજ ક્‍લેઇમ કરનાર વ્‍યક્‍તિ, તેની આજુબાજુમાં રહેતાં વ્‍યક્‍તિઓ, હોસ્‍પિટલ, ડોક્‍ટરો, ડોક્‍ટરોની ડિગ્રી, લેબોરેટરીઓ, રિપોર્ટસ સહિતની તપાસ કરીએ છીએ. અમારી તપાસ દરમિયાન ક્‍લેઇમ બાબતે સંપુર્ણ ખાતરી થયા બાદ અમે જે તે વીમા કંપનીને રિપોર્ટ કરીએ છીએ. બાદમાં વીમા કંપની દાવો કરનાર વ્‍યક્‍તિને ક્‍લેઇમ ચુકવવો કે નહિ તેનો નિર્ણય લે છે. મારી પાસે આઇસીઆઇસીઆઇ લોમ્‍બાર્ડ જનરલ ઇન્‍સ્‍યુરન્‍સ કંપની વીરસાવરકર માર્ગ સિધ્‍ધી વિનાયક મંદિર પાસે પ્રભાદેવી મુંબઇનો છેલ્લા દસ વર્ષથી વીમા ક્‍લેઇમની ચકાસણીનો કોન્‍ટ્રાક્‍ટ છે.

ડો. પટેલે આગળ જણાવ્‍યું છે કે ગત ૬/૫/૨૪ના રોજ મને આઇસીઆઇસીઆઇ કંપની મુ઼બઇ તરફથી એક દાવા માટે વેરીફીકેશન કરવા કહેવાયુ હતું. દાવેદારનું નામ, તેને કઇ બિમારી હતી? કઇ હોસ્‍પિટલમાં દાખલ થયેલ? તે સહિતની વિગતો મને ઇ-મેઇલથી અપાઇ હતી. જે જોતાં દર્દીનું નામ મયુર કરસનભાઇ છુંછાર  (ઉ.વ.૩૦) હતું અને તેમાં તેનું એડ્રેસ ૨૦૨-એમ્‍પાયર, કેવલમ કિંગડમ, વ્‍હોરા સોસાયટી, માધાપર ચોકડી રાજકોટનું હતું. તેણે વિમા પોલીસ નંબર અને દાવાની રકમ રૂા. ૪૦ લાખ સાથે આધારકાર્ડ, પાનકાર્ડ, પોલીસી કોપી, ક્‍લેઇમ કોપી, સી-કેવાયસી ફોર્મ, શ્રી સમર્પણ હોસ્‍પિટલ રાજકોટનું દર્દીનું ઇન્‍ડોર કેસ પેપર, રાજકોટ સિવિલ હોસ્‍પિટલ સહયોગ ઇમેજીંગ સેન્‍ટરમાં પેશન્‍ટે કરાવેલા એમઆરઆઇના રિપોર્ટ, સદ્દગુરૂ લેબોરેટરીના બ્‍લડ રિપોર્ટ, ડિસ્‍ચાર્જ સમરી, હોસ્‍પિટલનું  તથા મેડિકલનું બિલ વગેરે સામેલ હતાં.  દર્દીએ આ બધા રેકોર્ડ મુંબઇ ખાતે ૩૦/૪/૨૪ના રોજ મોકલ્‍યા હતાં.

આ બધા કાગળો મને તપાસ માટે મોકલાતાં મેં કાગળોનો અભ્‍યાસ કરતાં ખબર પડી હતી કે ડો. મનોજ સીડા (એમડી ફિજીશીયન)એ પોતાના કેસ પેપરમાં જણાવ્‍યું હતું કે દર્દી મયુર છુંછારને શરીરમાં જમણી બાજુ પેરાલીસીસની અસર જોવા મળે છે. પરંતુ શ્રી સમર્પણ હોસ્‍પિટલના કેસ પેપરમાં ચોક્કસ નિદાન લખેલુ નહોતું. તેમજ દર્દીએ એમઆરઆઇ રિપોર્ટ રાજકોટ સિવિલ હોસ્‍પિટલ સંકુલમાં આવેલા સહયોગ ઇમેજીંગ સેન્‍ટરમાં કરાવેલ હતો. ત્‍યાં કોઇ ઓપીડી થયાના કાગળો સામેલ નહોતાં. એમઆરઆઇ કરાયા બાદ દર્દીએ શ્રી સમર્પણ હોસ્‍પિટલમાં સારવાર લીધી હતી તથા ક્‍લેઇમ ડોક્‍યુમેન્‍ટમાં સામેલ સદ્દગુરૂ લેબોરેટરીના રિપોર્ટમાં સમય તા. ૧૭/૪/૨૪ના સવારે ૧૧:૪૩નો બતાવેલ હતો. જ્‍યારે સમર્પણ હોસ્‍પિટલમાં દર્દીનો દાખલનો સમય તા. ૧૭/૪/૨૪ના સાંજના ૭:૦૦ કલાકનો બતાવેલ. જેમાં ડો. મનોજ સીડાના કન્‍સલ્‍ટેશન પેપરમાં ડોક્‍ટર સાહેબે બ્‍લડ ટેસ્‍ટ પ્રીસ્‍ક્રીપ્‍શન સલાહ કરેલ છે. પરંતુ તે રિપોર્ટ સદ્દગુરૂ લેબોરેટરીમાં ૧૭/૪/૨૪ના સવારે ૧૧:૪૩ કલાકે થઇ ચુક્‍યા હતાં.

આથી મને વધુ શંકા ઉપજતી હતી. તેમજ દર્દી મયુર છુંછારનો એમઆરઆઇ રિપોર્ટ જોતાં તેમાં ડાબી બાજુ મગજમાં નસ બંધ થઇ અને સ્‍ટોકની અસર થયેલ છે તેમ જણાવેલ હોઇ અને રિપોર્ટની નીચે રેડીયોલોજીસ્‍ટની સહી છે પરંતુ સહી કરનાર રેડીયોલોજીસ્‍ટ ડોક્‍ટરનું નામ રિપોર્ટમાં લેખલુ નહોતું. જેથી વધુ શંકા ઉપજી હતી કે આ રિપોર્ટ ખોટા બનાવાયા છે. બાદ તા. ૩૧/૫/૨૪ના હું તથા ડો. રાજદિપ પરમાર દર્દી મયુર છુંછારના ઘરે તપાસ કરવા જવું હોઇ તેને ફોન કરી ત્‍યાં ગયા હતાં. મયુર છુંછાર ત્‍યારે લંગડાતો ઘરમાં ચાલતો હતો. તેની પુછપરછ કરતાં તેણે કહેલુ કે હું ક્રિકેટ રમતો હતો ત્‍યારે ચક્કર આવતાં મેં રાજકોટ સહયોગ ઇમેજીંગ સેન્‍ટરમાં એમઆરઆઇ કરાવેલ. બાદમાં સમર્પણ હોસ્‍પિટલમાં ત્રણ દિવસ દાખલ રહ્યો હતો. મને પેરાલિસીસની અસર છે અને હાલ આરામ કરવાની ડોક્‍ટરે સલાહ આપી છે જેથી હું ઘરે  આરામ કરુ છું. તેના ઘરે એક વ્‍યક્‍તિ મયુરને પકડીને ચલાવતો હતો તેનો વિડીયો અમે ઉતાર્યો હતો.

અમારે તપાસના જરૂરી ફોર્મ ભરવાના હોઇ કસરત કરાવનાર શખ્‍સે અમને કહેલુ કે હું ફિઝીયોથેરાપીસ્‍ટ ડોક્‍ટર છું અને મારુ નામ અંકિત હિતેષભાઇ કાથરાણી છે હું માધાપર ચોકડી પાસે રહુ છું અને હાઇટેક ફિઝીયોથેરાપીસ્‍ટ સેન્‍ટર ૧૫૦ રીંગ રોડ પર ચલાવુ છું. હું મયુરભાઇને કસરત કરાવવા આવું છે. તેવી વાત તેણે કરી હતી. એ પછી ક્‍લેઇમ અંગેના ફોર્મ ડો. અંકિતે અંગ્રેજીમાં ભર્યા હતાં. તેમજ કહ્યું હતું કે મયુરભાઇ કોઇના ટેકા વગર હરીફરી શકતા નથી, એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ જઇ શકતા નથી. કોઇની મદદ વગર કપડા બદલી શકતા નથી કે ન્‍હાઇ શકતા નથી. આ બધી વિગતો ડો. અંકિતે ફોર્મમમાં ભરી હતી અને સાક્ષીમાં પોતાની સહી કરી હતી. જેથી અમને શંકા જતાં હું અને  ડો. રાજદીપ પરમાર મયુર છુંછારના ઘરની બહાર ચારેક કલાક સુધી ખાનગીમાં કારમાં છુપાઇને બેઠા હતાં.

ત્‍યારબાદ સાંજે છએક વાગ્‍યે મયુર ઘરેથી મોટરસાઇકલ લઇને નીકળ્‍યો હતો! જેથી અમે તેની પાછળ અમારી કાર લઇને નીકળ્‍યા હતાં. એકાદ કિ.મી. દરૂર રજવાડી ટી સ્‍ટોલ આવતાં મયુરે ત્‍યાં સાઇડમાં તેનું બાઇક ઉભુ રાખેલુ અને તે હોટલે ગયો હતો. ત્‍યાં ચા બનાવવા લાગ્‍યો હતો. જેથી અમે તેને વિડીયો ઉતારી લીધો હતો. બાદમાં અમે તેની પાસે ગયા હતાં અને કહ્યું હતું કે મયુર તું હવે પકડાઇ ગયો છો, જે સાચુ હોય તે કહી દે. જેથી તેણે કહેલુ કે ઉભા રહો સાહેબ, મારા વીમાના કાગળો ડો. અંકિતે કર્યા છે હું તેમને બોલાવું. તેમ કહી ફોન કરતાં ડો. અંકિત આવી ગયેલ. ડો. અંકિતે બોલો શું કરવાનું છે? એવુ અમને પુછતાં અમે કહેલુ કે મયુરે પેરાલિસીસની હકિકત ખોટી જણાવી છે, અમે તેનો વિડીયો ઉતારી લીધો છે. આથી ડો. અંકિતે સાહેબ કંઇક પતાવટ કરો. એ પછી મયુર અને અંકિત થોડે દૂર જઇ ચર્ચા કરી પાછા અમારી પાસે આવ્‍યા હતાં અને અંકિતે કહેલુ કે-હવે મયુરને ક્‍લેઇમના પૈસા જોઇતા નથી. ક્‍લેઇમ પોલીસી વિથડ્રો કરવી છે.

જેથી અમે તેની પાસે લેખીતમાં વિગતો માંગતા તેણે વિથડ્રો રિપોર્ટ લખી આપ્‍યો હતો. મયુરને દેણું થઇ ગયું હોવાથી તેણે આવુ કર્યુ હોવાનું કહ્યું હતું અને હવે પછી ભુલ નહિ થાય તેમ કહેતાં અમે ત્‍યાંથી નીકળી ગયા હતા. ત્‍યારબાદ સાંજે હું અને ડો. રાજદિપ સમર્પણ હોસ્‍પિટલમાં દર્દી મયુર છુંછાર વિશે તપાસ કરવા ગયા હતાં કે આ દર્દી અહિ દાખલ થયેલ કે કેમ? સારવાર કરનાર ડો. મનોજ સીડાને મળવાનું કહેતાં રિસેપ્‍શન સ્‍ટાફે ડો. મનોજ સીડા હાજર નથી તેમ કહ્યું હતું. અમે મયુરની સારવારની ટ્રુ કોપી માંગતા સ્‍ટાફે નકલ આપી હતી. જેમાં હોસ્‍પિટલના સહી સિક્કા હતાં. કાગળો જોતાં તેમાં ડો. મેહુલ સોલંકીએ દર્દી મયુર છુંછારને પેરાલિસીસની સારવાર આપી હોઇ તેવુ લખાણ હતું. ડો. મયુર સોલંકીને મયુર છુંછારને ડાબી બાજુ પેરાલીસીસની અસર જણાઇ આવેલ અને એમઆઇઆર તથા લોહીના રિપોર્ટ કરવાની સલાહ આપી હતી. બીજી તરફ મયુરે વીમાનો દાવો કરી કાગળો રજુ કરેલા તેમાં ડો. મનોજ સીડાએ પેરાલિસીસની સારવાર કરી હોવાનું લખેલુ હતું. આમ એક જ દર્દીની બે અલગ અલગ ડોક્‍ટરે સારવાર કરી હોઇ અને તેના કાગળો શંકાસ્‍પદ જણાયા હતાં.

ત્‍યારબાદ અમે સિવિલ હોસ્‍પિટલના સહયોગ ઇમેજીંગ સન્‍ટર ખાતે તપાસ કરતાં ત્‍યાં ડિરેક્‍ટર નીલીમા ગર્ગને મળતાં અને દર્દી મયુર છુંછારનો ૧૭/૨/૨૪નો એમઆરઆઇનો રિપોર્ટ બતાવી આ રિપોર્ટ તમારો સહયોગ ઇમેજીનનો છે કે કેમ? તેમ પુછતાં તેણે અહિ આવો કોઇ રિપોર્ટ થયો ન હોવાનું કહ્યું હતું. આમ સહયોગ ઇમેજીંગ સેન્‍ટરનો રિપોર્ટ પણ બોગસ બનાવી ખરા તરીકે વીમા પોલીસી પકવવા માટે જોડી દેવાયો હતો. આમ દર્દી મયુર અને ફિઝીયોથેરાપીસ્‍ટ ડોક્‍ટર અંકિત કાથરાણીએ તથા સમર્પણ હોસ્‍પિટલના કોઇપણ કર્મચારીએ સાથે મળી કાવત્રુ ઘડી રૂા. ૪૦ લાખનો મેડીક્‍લેઇમ પકાવી લેવા કાવતરૂ ઘડી છેતરપીંડીનો પ્રયાસ કર્યાનું ખુલતાં અમે તપાસને અંતે ફરિયાદ દાખલ કરાવી હતી. તેમ વધુમાં ડો. રશ્‍મીકાંત પટેલે જણાવતાં પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એસ. એલ. ગોહિલે તપાસ હાથ ધરી છે. એસીપી રાધિકા ભારાઇએ જણાવ્‍યું હતું કે હાલમાં ડો. અંકિત કાથરાણીની અટકાયત કરી વિશેષ તપાસ શરૂ થઇ છે. તેના મિત્ર મયુર છુંછારની શોધખોળ થઇ રહી છે. હોસ્‍પિટલના જે કોઇની સંડોવણી ખુલશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

દરમિયાન હોસ્‍પિટલના સંચાલક શ્રીમતી રમણીકકુંવરબાએ સ્‍પષ્‍ટતા કરતાં જણાવ્‍યું હતું કે અમારી હોસ્‍પિટલમાં મયુર છુંછરાએ નબળાઇની બિમારીની સારવાર લીધી હતી. તેને હોસ્‍પિટલ તરફથી સામાન્‍ય રૂટીન બીલ અપાયું હતું. વિમો પકવવા તેણે જે કોઇ કાગળો ઉભા કર્યા છે તે પોતાની જાતે ઉભા કર્યા હતાં. તેમાં સહી સિક્કા હોસ્‍પિટલના કર્મચારી ભાવિક માંકડે કર્યા હતાં. આ બંનેએ પોતાની ભુલ કબુલી હતી અને પોલીસ તપાસ કરી રહી છે. હોસ્‍પિટલનો બીજો કોઇ રોલ આ ઘટનામાં નથી.

(3:26 PM IST)