<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

પ્રધ્‍યુમનનગર વીજ સબ ડિવીઝનના બેદરકાર ટેલીકોમ ઓપરેટરને નોટીસ ફટકારાઇઃ ખુલાસો આપવા તાકિદ

અન્‍ય સ્‍ટાફ કહે છે...એકી સાથે ર૦૦ ફોનના ધોધને કારણે રીસીવર સાઇડમાં રહી ગયું... : બુધવારે રાત્ર ૧૧ કે.વી. ગાંધીગ્રામ ફીડર બંધ થવાનો મામલોઃ જવાબદાર કર્મચારી ગુજરાત બાજુના

રાજકોટ તા. ૧૧: બુધવારની રાત્રે ૧ાા વાગ્‍યાની આસપાસ ગાંધીગ્રામ ૧૧ કે.વી. ફીડરમાં ટ્રીપ આવતા આ આખો વિસ્‍તાર તથા લાખના બંગલા સહિતના વિસ્‍તારમાં લાઇટો ગૂલ થઇ ગઇ હતી, પરિણામે ત્‍યાંના રહેવાસીઓએ જામટાવર પાસે આવેલા પ્રધ્‍યુમનનગર વીજ સબ ડિવીઝનમાં લાઇટો ગૂલ અંગે ફોનનો ધોધ વહાવ્‍યો હતો. ૧૦ થી ૧પ મીનીટ બાદ ફોન સતત એંગેજ દેખાડતા ગરમીમાં અકળાયેલ લોકોનું ટોળું ઉપરોકત વીજ સબ ડિવીઝનમાં દોડી આવ્‍યું હતું, અને જોયું તો ફોનનું રીસીવર નીચે પડયું હતું, અને ટેલીફોન ઓપરેટર તરીકે હાજર ગુજરાત બાજુના એપ્રેન્‍ટીસ તુષાર મોરી લાંબા પગ કરી ટેબલ પર બેઠા હતા, રાત્રે ર વાગ્‍યે આવેલ ટોળાએ ધમાલ મચાવી હતી અને તેમાંથી કોઇએ વિડયો ઉતારી વાયરલ કરી દેતા દેકારો મચી ગયો હતો, આ વિડયોના પડઘા રાજકોટ સીટી સર્કલ સુધી પડયા હતા.

દરમિયાન આ બેદરકારી બદલ જીઇબી વીજ સબ ડિવીઝનના ડે. ઇજનેર શ્રી ભટ્ટે આજે ઉપરોકત જવાબદાર કર્મચારીને શા માટે શિક્ષાત્‍મક પગલા ન લેવા તે અંગે નોટીસ ફટકારી છે, ૭ દિવસમાં ખુલાસો કરવા તાકિદ કરી છે.

દરમિયાન વીજ સબ ડિવીઝનના અન્‍ય સ્‍ટાફે જણાવેલ કે ઉપરોકત ઓપરેટરનો કોઇ વાંક જણાતો નથી, એકી સાથે આટલા બધા ફોન આવતા તેનાથી ભૂલથી રીસીવર નીચે રહી ગયું હતું, આ ઓપરેટર અને વોચમેન બંને તે સમયે હાજર હતા, બાકીનો લાઇન સ્‍ટાફ તો ફોલ્‍ટ શોધવા ગાંધીગ્રામ-લાખના વિસ્‍તારમાં દોડી ગયો હતો, આ જવાબદાર ઓપરેટર ગુજરાત બાજુના છે. (૭.ર૪)

(2:24 PM IST)