<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

કારખાનામાંથી ૬૦.૮૩ લાખના હીરાની ચોરી

દેવપરા વિવેકાનંદનગરના વિપુલભાઇ ગોંડલીયાએ બે મહિના પહેલા ખોડિયાર ડાયમંડ નામે કારખાનુ ચાલુ કર્યુ છેઃ ૪૪ કારીગર કામ કરે છેઃ સુરતથી કાચા હીરા આવે છે જે ઘસીને સાંજે આંગડીયા મારફત પરત મોકલી દેવાય છેઃ ગઇકાલે તિજોરીમાં બે પેકેટ મુક્‍યા હતાં: આજે સવારે કારખાનેદાર આવ્‍યા ત્‍યારે ચોરીની જાણ થઇઃ ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, નિલેષભાઇ મકવાણા અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યોઃ ડીસીપી, એસીપી, એલસીબી, ક્રાઇમ બ્રાંચની ટીમો પણ તપાસમાં જોડાઇઃ કોઠારીયા રોડ પીરવાડી સામે બનાવ તસ્‍કરો સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી ગયા

 

 

રાજકોટ તા. ૧૧: કોઠારીયા રોડ પીરવાડી સામે આવેલા દેવપરાના હીરાના વેપારીના કારખાનામાં પાછળનો દરવાજો બળપુર્વક ખોલી અંદર પ્રવેશી તસ્‍કરો તિજોરીને ડ્રીલ વડે કાપી અંદરથી રૂા. ૬૦,૮૩,૬૫૦ના કાચા હીરા ચોરી જતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે ડોગ સ્‍ક્‍વોડ, ફિંગર પ્રિન્‍ટ નિષ્‍ણાંતો, એફેઅસએલની મદદ લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તસ્‍કરો સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી ગયા હોઇ આસપાસના અન્‍ય કેમેરા ચેક કરવા કાર્યવાહી શરૂ થઇ છે.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે કોઠારીયા રોડ દેવપરા જુની શાક માર્કેટ પાસે વિવેકાનંદનગર-૨માં મુકેશ સોડાવાળી શેરીમાં ગોંડલીયા નિવાસ ખાતે રહેતાં વિપુલભાઇ વિરજીભાઇ ગોંડલીયા-પટેલ (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વિપુલભાઇ ગોંડલીયાએ વિગતો આપતા જણાવ્‍યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને મારે કોઠારીયા રીંગ રોડ પર પીરવાડીની સામેના ભાગે ધરમનગર સોસાયટીમાં  ભાડાના શેડમાં ઉપરના માળે ખોડીયાર ડાયમંડ નામે હીરાનું કારખાનુ છે. અહિ બે મહિનાથી હું જોબવર્ક કરુ છું. આ કારખાનુ અમે સવારે સાત વાગ્‍યે ખોલીએ છીએ અને સાંજે આઠ વાગ્‍યા સુધી ચાલુ હોય છે. કારખાનામાં ૪૪ કારીગરો હીરા પોલીશીંગનું કામ કરે છે. આ બધા કારીગરો ગુજરાતી છે. અમારા કારખાનામાં જે હીરા પોલીશ થાય છે તે બધા સુરતથી રાજકોટ સોરઠીયાવાડી ચોકમાં આવેલા મહેન્‍દ્ર ડાયમંડ નામની આંગડીયા પેઢીના પાર્સલમાં આવે છે. આ પાર્સલ આંગડીયા પેઢીનો માણસ મારા કારખાને આપી જાય છે. સુરતથી જે હીરા આવે છે તે કાચા હીરા હોય છે.

આ હીરા પોલીશ થઇ જાય-ઘસાઇ જાય પછી દરરોજ સાંજે ફરી અમે આંગડીયા પેઢીના માણસ મારફત તેને સુરત રવાના કરીએ છીએ. આ હીરા લેવા આંગડીયા પેઢીનો માણસ દરરોજ સાંજે કારખાને આવતો હોય છે. હીરામાં અલગ અલગ સાઇઝના ૦ થી લઇ ૫ સુધીના હીરા હોય છે. સુરત જે તૈયાર હીરા મોકલીએ છીએ તેમાં નાનો મોટો ઘસવામાં ફોલ્‍ટ રહી ગયો હોય તો તે હીરા ફરી રીપેર કરીને પાછા મોકલવાના હોય છે. અમારા કારખાનામાં કેટલા હીરા આવ્‍યા, કેટલા હીરા મોકલ્‍યા તેનું કાચુ લખાણ એક બૂકમાં દરરોજ હું મારી જાતે કરુ છું.

વિપુલભાઇએ વધુમાં જણાવ્‍યું હતું કે  ગઇકાલે ગુરૂવારે ૧૦મીએ સવારે સાત વાગ્‍યે મેં નિત્‍યક્રમ મુજબ કારખાનુ ખોલ્‍યું હતું. ત્‍યારે કારીગરો સમયસર આવી ગયા હતાં. દરરોજની જેમ સી.વી. ઇમ્‍પેક્‍ટ નામની પેઢી જે ચંદુભાઇન ડુંગરાણીની છે ત્‍યાંથી આંગડીયામાં આ કાચો માલ-હીરા આવ્‍યા હતાં. આંગડીયા પેઢીનો માણસ આ હીરા મારા કારખાને આપી ગયો હતો. જે હીરા ઘરસવા ૧૫-ઘંટીઓ પર મેં કારીગરોને કામ ચાલુ કરાવ્‍યું હતું. પાલીશ કામ ચાલુ થયા બાદ કારખાનાની ઓફિસમાં હીરા ચેક કરવાના મશીન છે તેમાં બે મેનેજર અશોકભાઇ પોપટપભાઇ રોકડ અને મુકેશભાઇ રાવલ તથા સુપરવાઇઝર અહરેશભાઇ ગોંડલીયા બેસે છે તે હીરા ચેક કરવાની કામગીરી સંભાળે છે. તેમજ આ લોકો જ સુરતથી આવેલા હીરાનું પાર્સલ તૈયાર કરી સાંજે આંગડીયા પેઢીના માણસને સુપરત કરે છે.

સાંજે સાતેક વાગ્‍યે ધીમે ધીમે કારીગર કામ પુરુ કરી કારખાનેથી જતાં રહ્યા હતાં. હું અને મેનેજર અશોકભાઇ બંને ઓફિસમાં બેઠા હતાં. ઓફિસમાં લોખંડની એક તિજોરી રાખી છે. તે તિજોરીમાં સુરતથી રીપેરીંગમાં આવેલા અમુક હીરા તથા બીજા કાચા હીરા મેં રાખ્‍યા હતાં. રાતે આઠેક વાગ્‍યાના અરસામાં મેં કારખાનુ બંધ કર્યુ હતું. એ પહેલા હીરા તિજોરીમાં મુક્‍યમા હતાં. આજે શુક્રવારે સવારે કારખાને આવ્‍યો ત્‍યારે નીચેનું તાળુ ખોલી ઉપર જતાં ઓફિસનો દરવાજો ખુલ્લો તૂટેલો હતો. મેં અંદર જઇ જોતાં તિજોરી જે આશરે અઢી ફુટની છે તેમાં ચાવી ભરાવવાની જગ્‍યાએ ડ્રલીથી હોલ પાડેલ હોય તેવું જણાતાં મને કારખાનામાં ચોરી થયાની ખબર પડી હતી.

મેં તિજોરીમાં જે હીરા નંગ ૨૬૧૭ (વજન ૨૦.૮૯ કેરેટ) રાખેલ હતાં તેની એક કેરેટની કિમત રૂા. ૫૫૦૦૦ ગણાય તે ૧૧,૪૮,૯૫૦ના હીરા, જે રીપેર માટે સુરતથી ૮/૪ના રોજ આવ્‍યા હતા તે ગાયબ હતાં. આ ઉપરાંત કાચા હીરા નંગ ૯૦૩૮ જેનુ વજન ૧૦૯.૬૬ કેરેટ જેની કિમત એક કેરેટની ૪૫ હજાર ગણાય તે ૪૯,૩૪,૭૦૦ના હીરા પણ સુરતથી આવ્‍યા હતાં અને તે સ્‍ટોકમાં રાખેલા હતાં. આ બંને હીરાના અલગ અલગ પેકેટ બનાવી તિજોરીમાં રાખ્‍યા હતાં. કુલ રૂા. ૬૦,૮૩,૬૫૦ના ૧૧૬૫૫ નંગ કાચા હીરા કુલ કેરેટ ૧૩૦.૫૫ના ચોરાઇ ગયા હતાં. મેં ઓફિસમાં સીસીટીવી કેમેરાનું ડીવીઆર રાખ્‍યુ હતું તે પણ ચોરાઇ ગયું હોઇ પોલીસને જાણ કરી હતી. કારખાના પાછળના ભાગે લોખંડનો દરવાજો છે તે દરવાજાનો આંકડીયો બળપુર્વક ખોલીને ચોર અંદર આવ્‍યાની શક્‍યતા છે.

ચોરીની આ ઘટનાને પગલે ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવ, પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, પીએસઆઇ વસાવા, નિલેષભાઇ મકવાણા સહિતની ટીમ તેમજ એલસીબી, ડીસીબીની ટીમોએ ઘટના સ્‍થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(3:05 PM IST)