<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

કાલે હનુમાન જયંતિ : અંજનીના જાયાની ભક્‍તિમાં રાજકોટ ઓળઘોળ

જય હનુમાન જ્ઞાનગુણ સાગર જય કપિશ તીહુ લોક ઉજાગર, રામદુત અતુલીત બલધામા અંજની પુત્ર પવનસુત નામા : શહેરભરમાં આવેલ હનુમાનજી મંદિરોને અનેરા શણગાર : ઠેરઠેર બટુક ભોજન, હનુમાન ચાલીસા પાઠ, સુંદરકાંડ પાઠ અને સંતવાણીના કાર્યક્રમો

રાજકોટ તા. ૧૧ : આવતીકાલે હનુમાન જયંતિ નિમિતે શહેરભરમાં ધર્મમય આયોજનો થયા છે. અંજનીના જાયાને લાડ લડાવવા ભાવિકો ઉત્‍સુક બન્‍યા છે. હનુમાનજી દાદાના મંદિરોને ફુલો અને રોશનીના શણગાર કરાયા છે. વિશેષ આરતી પૂજન તેમજ બટુક ભોજન અને મહાપ્રસાદના કાર્યક્રમો આયોજીત થયા છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્‍તુત છે.

દામોદર હનુમાન

જંકશન પ્‍લોટ શેરી નં. ૧૫ માં આવેલ શ્રી દામોદર હનુમાનજી મંદિરે કાલે હનુમાન જયંતિ નિમિતે સાંજે ૭ વાગ્‍યે મહાઆરતી તથા બટુક ભોજન રાખેલ છે. ભાવિકોએ દર્શન પ્રસાદનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

કષ્‍ટભંજન હનુમાન

રાજકોટ-ગોંડલ હાઇવે પર ભોજપરા ખાતે આવેલ સુપ્રસિધ્‍ધ શ્રી કષ્‍ટભંજન હનુમાન મંદિરે કાલે તા. ૧૨ ના શનિવારે હનુમાન જયંતિ નિમિતે સવારે ૯ થી ૧૨ મારૂતિ યજ્ઞ યોજાશે. એ સાથે ભાગવત કથાને પણ વિરામ અપાશે. ઉપરાંત મુંજકા આર્ષ વિદ્યામંદિર પાસેના જડેશ્વર મહાદેવ મંદિરે સાંજે ૬ થી ૯ આદ્યાત્‍મિક, ધામિર્ક, માર્મિક વાતો સાથે હનુમંત ચરિત્ર અને દેવી દેવતાઓના ગુણગાન ગવાશે. લોકમેળા ફેઇમ કલાકાર તુલસીદાસ ગોંડલીયા હાસ્‍ય મીમીક્રી વિનામૂલ્‍યે પીરસશે.

કિશાન ગૌશાળા

આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે આવેલ કિશાન ગૌશાળામાં કાલે શનિવારે હનુમાન જયંતિ નિમિતે સવારે ૯ થી ૧ મારૂતિ યજ્ઞ, ગૌ પૂજનનો કાર્યક્રમ રાખેલ છે. સાંજે ૪ થી ૬ બટુક ભોજન અને પધારનાર તમામ ભાવિક ભકતો માટે ભોજન પ્રસાદની વ્‍યવસ્‍થા રાખેલ છે. ધર્મપ્રેમીજનોએ લાભ લેવા ચંદ્રેશભાઇ પટેલની યાદીમાં જણાવાયુ છે.

મહાવીર હનુમાન

ગાંધીગ્રામ, જીવંતિકાનગર ૧/૪ ના ખુણે આવેલ બટુક મહારાજની ગૌશાળામાં બિરાજતા શ્રી મહાવીર હનુમાનજીના સાનિધ્‍યમાં કાલે હનુમાન જયંતિ ઉજવાશે. વિશેષ આરતી પૂજન થશે.

મોજીલા હનુમાન

કોઠારીયા કોલોની, ગરબી ચોકમાં આવેલ મોજીલા હનુમાનજી મંદીરે કાલે શનિવારે હનુમાન જયંતિની ઉજવણી કરાશે. સવારે ૯ વાગ્‍યે ધ્‍વજારોહણ અને સાંજે હનુમાન ચાલીસાના પાઠ તેમજ ઓમકાર આરતી, બટુકભોજન રાખેલ છે.

સદ્દગુરૂ આશ્રમ

સદ્દગુરૂ સદન ટ્રસ્‍ટ પ્રેરીત શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ ખાતે કાલે હનુમાન જયંતિ નિમિતે ૨૪ કલાક અખંડ ૐ નમો હનુમંતે નમઃ સ્‍વાહા યજ્ઞ રાખેલ છે. યજ્ઞ પૂજન સવારે ૪.૩૦ કલાકે તથા બીડુ સવારે ૭ કલાકે હોમવામાં આવશે. સવારે ૯ થી ૧૧ શ્રી હનુમાનજી મહારાજનું મહાપૂજન, શ્રી હનુમાન બાહુકના પાઠ (શ્રીફળ સાથે) શ્રી મનોકામનાસિધ્‍ધ હનુમાનજી મંદિરમાં થશે. સવારે ૧૧ કલાકે અન્નકુટ દર્શન ખુલ્લા મુકાશે. ૧૨ વાગ્‍યે આરતી બાદ અન્નકુટની ભેળરૂપી પ્રસાદીનું વિતરણ કરાશે. સાંજે ૪ થી પ સદ્દગુરૂદેવ ભગવાનનું ષોડષોપચાર પુજન  અને સાંજે પ થી ૭ સુંદરકાંડ પાઠ નીજ મંદિર હોલમાં કરાશે.

સંકીર્તન મંદિર

પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત શ્રી અખંડ હરિનામ સંકીર્તન મંડળ દ્વારા કાલે શનિવારે શ્રી હનુમાન જન્‍મોત્‍સવ તથા શ્રી અન્નકુટ દર્શન ખુલ્લા મુકાશે. સવારે પ.૩૦ કલાકે સંકિર્તન મંદિરથી પ્રભાતફેરી નિકળશે. રાત્રે ૯ થી ૧૨ શ્રીરામનામ મહારાજ, શ્રી હનુમાનજી મહારાજ તથા શ્રી સદ્દગુરૂ પાદુકા પૂજન - અભિષેક કરાશે. રાત્રે ૯ થી ૧૨ અન્નકુટ દર્શન ખુલ્લા રહેશે. સદર્વે ભાવિકભકતો અને પ્રેમ પરિવારના મિત્રોએ દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

બાલ બટુક હનુમાન મંદિર

વાણીયાવાડી શેરી નં. ૧/૬ માં બિરાજતા શ્રી બાલબટુક હનુમાનજી મંદિર દ્વારા કાલે હનુમાન જયંતિ ઉજવાશે. સાંજે ૭ વાગ્‍યે મહાઆરતી અને ૭.૩૦ વાગ્‍યા બાદ મહાપ્રસાદની વ્‍યવસ્‍થા રાખેલ છે.

આંકડીયા હનુમાન મંદિર

કોઠી કમ્‍પાઉન્‍ડ, જામનગર રોડ ખાતે આવેલ શ્રી આંકડીયા હનુમાન મંદિરે કાલે હનુમાન જયંતિ મહોત્‍સવ નિમિતે બપોરે ૧૨ વાગ્‍યે આરતી, ૧૨.૩૦ વાગ્‍યે બટુક ભોજન, સાંજે ૪ વાગ્‍યે સત્‍યનારાયણની કથા, સાંજે ૭ વાગ્‍યે આરતી, રાત્રે ૯ વાગ્‍યે ધૂન ભજન થશે. (૧૬.૩)

(5:12 PM IST)