<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

ગુજરાત વિકાસનું નહિ, ગુલામીનું મોડેલ : ગોપાલરાય

આપની પત્રકાર પરિષદઃ ૧૩ મીએ વિસાવદરમાં પક્ષનું મહાસંમેલનઃ વિસાવદર જીતી દેખાડીશું : કોંગ્રેસ સાથે જોડાણ અંગે હવે નિર્ણય

આપના પ્રભારી ગોપાલરાય સાથે ગુલાબસિંહ યાદવ, દુર્ગેશ પાઠક, ઇસુદાન ગઢવી, રાજુ કરપડા વગેરે નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) (૪.૩૧)

રાજકોટ તા.૧૧: ગુજરાતને વિકાસ મોડેલ તરીકે રજુ કરાયું હતું. હવે ગુજરાત ગુલામ અને બરબાદીનું મોડેલ બની ગયું છે. આ શબ્‍દો આમ આદમી પાર્ટીના પ્રભારી ગોપાલ રાયના છે.

આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં શ્રી રાયે જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં દરેક ક્ષેત્રોના લોકો પરેશાન છે, ગુન્‍હાખોરી વધી છે, પરંતુ ભાજપ સરકાર સામે કોઇ અવાજ ઉઠાવી શકતું નથી. આ સ્‍થિતિ સામે આપ લોકોને સાથે રાખીને ભાજપથી આઝાદી માટે લડશે.

શ્રી રાયે કહયું હતું કે, રાજયમાં માત્ર ભાજપ-કોંગ્રેસની રાજનીતિની પરંપરા રહી છે. પ્રાદેશિક પક્ષોના પ્રયોગો સફળ રહયા નથી. આ સ્‍થિતિમાં ગત ધારાસભાની ચુંટણીમાં ‘આપ' પાંચ બેઠકો પ્રાપ્‍ત કરી હતી. ભાજપના અનેક પ્રલોભનો છતાં ૪૧ લાખ ગુજરાતીઓએ આપને મત આપ્‍યા હતા. ભાજપથી ત્રાસી ગયેલા લોકો ‘આપ' તરફ આશા રાખી રહયા છે.

ગોપાલ રાયે જણાવ્‍યું હતું કે, અમારે સંગઠનમાં ખામી હતી છતાં પક્ષનું પ્રદર્શન ઉતમ રહયું હતું. હાલમાં પક્ષ મજબુત સંગઠન બનાવી રહયો છે. સમગ્ર રાજયમાં આપ પ્રવાસ કરે છે. આગામી તા.૧૩ના વિસાવદરમાં પક્ષનું પ્રદેશ સ્‍તરનું મહાસંમેલન યોજાશે. વિસાવદરને ભાજપે ખૂબ અન્‍યાય કર્યો છે, આ બેઠક અમે જીતી દેખાડીશું.

કોંગ્રેસ સાથે જોડાણ અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે, તેમ ગોપાલ રાયે કહયું હતું.(૪.૩૧)

(3:46 PM IST)