News of Friday, 11th April 2025
કળીયુગના સૌથી વધુ પૂજાતા દેવ રામભકત શ્રી હનુમાન

ધરતી માતાની ગોદમાં અત્યાર સુધીમાં જન્મ કે અવતાર લઈ ચૂકેલા સેંકડો દેવી દેવતાઓમાંથી મૃત્યુલોકમાં સૌથી વધુ જો કોઈની પુજા, અર્ચના અને માનતાઑ થતી હોય કે બાધાઓ રખાતી હોય તેમજ ધરા પર સૌથી વધારે જો કોઈના મંદિરો કે ડેરીઓ આવેલી હોય તો તે પૃથ્વી પર ત્રણ યુગોથી હાજર રહેલા હાજરાહજૂર દેવ પવનપુત્ર શ્રીહનુમાનજી છે
રામાયણ વખતના ત્રેતાયુગ, મહાભારત વખતના દ્વાપરયુગ અને આજના આધુનિક યુગના કલિયુગ એમ આ ત્રણેય યુગોના સૌથી વધુ જો કોઈ હાજરા હજુર દેવ હોય તો તે નિસંદેહ પવનપુત્ર શ્રીહનુમાનજી છે જેઓ તેમના સ્વામી પ્રભુ શ્રીરામની ભકિતમાં લીન રહીને સતત શ્રી રામનું રટણ કરવા સાથે તેમને સાચા દિલથી યાદ કરનારા તેમના ભકતો અને ભાવિકોની સદાયે સહાય અને મદદ કરવા માટે હર હંમેશા તત્પર રહે છે.
શ્રી હનુમાનજી પ્રેમના મુરીદ છે અને જે કોઈ શ્રધ્ધાળુઓ, ભાવિકો, કે ભકતો તેમને શ્રદ્ધાથી, દિલથી અને વિશ્વાસથી યાદ કરે છે તેમની દરેક ઈચ્છાઓ, મંછાઓ અને મન્નતો હનુમાનજી અવશ્ય પૂરી કરેજ છે. શરત માત્ર એટલીજ છે કે તેમના પર ભરોસો રાખીને ધીરજ ધરવી પડે છે.
આપણાં સનાતન હિન્દુ ધર્મના રામાયણ, મહાભારત, અને શિવપુરાણ જેવા સેંકડો ધાર્મિક ગ્રંથો જેમના નામ અને પરાક્રમોના ઉલ્લેખ વગર અધૂરા છે, જેમાં ટાંકેલા ઈશ્વરના આલોકિક અને આધ્યાત્મિક દિવ્ય પ્રસંગો યુગો યુગોથી લોકોના દિલો દિમાગમાં કાયમને માટે વસી ગયા છે તેવા હિન્દુઓના દેવાધિદેવ રામભકત શ્રી હનુમાનનો જન્મ આજથી આશરે અગિયાર હજાર વર્ષો પહેલા ત્રેતા યુગમાં પ્રાચીન ભારતની કિસ્કીન્દા નગરી (આજના કર્ણાટક રાજ્યનું હમ્પી શહેર) ની તુંગભદ્રા નદીના કિનારે આવેલા અંજનેય પર્વત પર માતા અંજના અને પિતા કેશરીને ત્યાં ચૈત્ર પૂર્ણિમા મંગળવારના દિવસે ચિત્રા નક્ષત્ર અને મેષ લગ્ન દરમિયાન સૂર્યોદય થયા પછીના સમયમાં થયો હતો..
આ દિવસને હનુમાનજીના જન્મદિન નિમિતે હનુમાન જયંતિ તરીકે પુજા, અર્ચના, આરતી અને ભજનની સંગાથે ભાત ભાતના વિવિધ પકવાનોના મહાપ્રસાદ સાથે વિશ્વભરમાં ધામધુમથી ઉજવવામાં આવે છે.
હનુમાનજીના જન્મનું કથાનક કંઈક એવું છે કે એક ઋષિના શ્રાપથી શાપિત થઈને વાનરી તરીકે મૃત્યુલોકમાં જન્મેલી અપ્સરા અંજના શિવજીની તપસ્યાથી આશીર્વાદ પામીને રાજા દશરથના પુત્રકામેષ્ટિ યજ્ઞ (પુત્રોની પ્રાપ્તિ માટે કરાતું યજ્ઞ)ની પ્રસાદીરૂપી વરદાન પામે છે.
યજ્ઞ સ્થળેથી રાણીઓને ખવડાવવા માટે લઈ જવામાં આવતી ખીર પર તરાપ મારીને સમડી પાત્રમાંથી થોડીક ખીર લઈને હવામાં ઉડી રહી હતી ત્યારે ભગવાન શિવના સંકેત પર વાયુ દેવે સમડીના મુખમાંથી તે ખીર સરકાવીને ધ્યાન મુદ્રામાં બેસેલી અંજનાની હથેળી પર સરકાવી દીધી જેને અંજનાએ શિવે આપેલો પ્રસાદ સમજીને આરોગી લીધી અને પરિણામસ્વરૂપે તેમણે હનુમાનજીને જન્મ આપ્યો કે જેઆ સ્વયં ભગવાન શિવના અવતાર છે. હનુમાનજીના જન્મમાં વાયુદેવે મહત્વની ભૂમિકા ભજવેલી હોય તેઓ પવનપુત્ર કહેવાયા અને અંજનીમાતાના કૂખે તેમણે જન્મ લીધેલો હોય તેઓ અંજનીપુત્ર કહેવાયા.
શ્રી હનુમાનજીનું બાળપણનું નામ મારુતિ હતું પરંતુ સ્વર્ગના રાજા ઈન્દ્રએ બાળક મારુતિ પર તેમના વજ્રથી પ્રહાર કરીને તેમના જડબાને તોડી નાખ્યું અને ત્યારથી તેઓ હનુમાન તરીકે પ્રખ્યાત થયા કારણ કે આપણી સૌથી પ્રાચીન રહેલી સંસ્કૃત ભાષામાં દર્શાવ્યા મુજબ હનુનો અર્થ જડબા અને માનનો અર્થ વિકૃત કે સાધારણ કરતાં મોટું થાય છે. આમ હનુમાન શબ્દનો અર્થ મોટા જડબાવાળોં એમ થાય છે.
ભગવાન શ્રીરામના લાંબા આયુષ્ય માટે માતા સીતાને વાળમાં સિંદૂર લગાવતા જોઇને હનુમાનજીએ પોતે પણ પોતાના આખા શરીર પર સિંદુર લગાવેલું જે જોઈને પ્રભુ શ્રીરામે પોતાના પ્રિય ભકત હનુમાનને બજરંગબલી કહીને સંબોધેલા કારણ કે સિંદુરને સંસ્કૃતમાં બજરંગ કહેવાય છે જેને આખા શરીર પર લગાવનાર હનુમાનજી ત્યારથી બજરંગબલીના નામથી ઓળખાયા અને આજ કારણોસર મોટા ભાગે હનુમાનજીની મુર્તિ નારંગી અથવા લાલ રંગની હોય છે.
પાતાળ લોકનો રાજા અહિરાવણ વિભીષણનું રૂપ ધરીને છળકપટથી રામ અને લક્ષ્મણને મૂર્છિત કરી તેમનું બલિદાન આપવા માટે તેમનું અપહરણ કરીને તેમને પાતાલ લોક લઈ ગયેલો જેને મારવા માટે હનુમાનજીએ કેન્દ્રમાં હનુમાન, દક્ષિણમાં સિંહ, પશ્ચિમમાં ગરુડ, ઉત્તરમાં ભૂંડ અને આકાશ તરફ ઘોડાનું માથું એમ પંચમુખીનું રૂપ ધારણ કરેલું અને ત્યારથી પંચમુખી હનુમાન કહેવાયા તેમજ પ્રભુ શ્રીરામ પર આવનારા દરેક સંકટને હરનાર હનુમાનજી સંકટ મોચન હનુમાન પણ કહેવાયા.
હનુમાનજીને ભગવાન શિવનું રુદ્ર અવતાર પણ માનવમાં આવે છે અને શિવજીના ૧૧ રુદ્ર અવતારોમાં સૌથી શ્રેષ્ઠ હનુમાનજીનો અવતાર છે. રામચરિતમાનસ, અગસ્ત્ય સંહિતા, વિનય પત્રિકા અને વાયુ પુરાણમાં પણ આ વાસ્તવિકતાની પુષ્ટિ કરવામાં આવી છે. હનુમાનજીને ભકત શિરોમણી પણ કહેવાય છે કારણ કે તેમનાથી મોટો ભકત આ બ્રહ્માંડમાં ના કદી જન્મ્યો છે અને ના કદી જ્ન્મશે.
હનુમાનજી રામનામની ધૂનમાંજ સુવે છે, ઊઠે છે, જાગે છે અને બેસે છે જેને સંબોધીને તુલસીદાસજીએ તેમને સમર્પિત હનુમાન ચાલીસા લખી છે જેથી કરીને હનુમાનજીના ભકતો હનુમાન ચાલીસા વાંચીને તેમને પ્રસન્ન કરી શકે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે.
અલગ અલગ દેવતાઓએ હનુમાનજીને અલગ અલગ વરદાનો આપેલા છે જેમાં બ્રહ્માજીએ તેમને શરીરને ઈચ્છા મુજબનો આકાર આપવાનું વરદાન આપેલું તો શિવજીએ તેમના શસ્ત્રો દ્વારા મૃત્યુ માટે અભેદ્યતાનું વરદાન આપેલું. વરુણદેવે તેમને પાણીથી અને અગ્નિ દેવે તેમને આગ સામે પ્રતિરક્ષાનું અભય વરદાન આપેલું. યમ દેવે તેમને સ્વાસ્થ્યનું તો કુબેરે તેમને ગદા સાથે લડાઈમાં ક્યારેય નહીં થાકવાનું વરદાન આપેલું. વિશ્વકર્માએ તેમને તેમના દ્વારા બનાવેલા કોઈપણ શસ્ત્રો માટે અભેદ્ય રહેવાનું તો વાયુ દેવે તેમને વાયુ કરતાં પણ વધારે ઝડપથી ઊડવાનું વરદાન આપેલું. ભગવાન રામે તેમને હંમેશા પોતાની ભકિતમાં લીન રહેવાનુ તો માતા સિતાએ તેમને અમરત્વનું વરદાન આપેલું જેથી તેઓ વિશ્વના અંત સુધી ભગવાન રામના ભકતોની રક્ષા કરી શકે.
આમ વિવિધ દેવી દેવતાઓના અભય વરદાનો અને માતા સીતાના આશીર્વાદથી ચિરંજીવી બનેલા હનુમાનજી અજરામર છે જેઓ પૃથ્વી પરના સાત ચિરિંજીવીઓમાંના એક છે. તેમનું મનપસંદીદા મંત્ર સીતારામ છે અને સંસ્કૃત મુજબ તેમના ૧૦૮ નામોમાંથી જે ૧૨ પ્રમુખ નામો છે તે છે હનુમાન, અંજનીપુત્ર, વાયુપુત્ર, મહાબલી, રામેષ્ટ, ફાલ્ગુનસખા, પિંગાકસ, અમિતવિક્રમ, ઉદીધિક્રમણ, સિતા શોક વિનાશક, લક્ષ્મણપ્રાણદાતા અને દસગ્રીવદરપહા છે.
હનુમાનજી બ્રહ્મચારી છે પરંતુ પવિત્ર હિંદુ ગ્રંથોમાં દર્શવ્યા મુજબ તેમના લગ્ન સૂર્ય દેવની પુત્રી સૂવર્ચલા દેવી સાથે થયેલા તેમછતાં શ્રી હનુમાનજી અને તેમની પત્ની સૂવર્ચલા નિઃસંતાન બ્રહ્મચારી છે.
હનુમાનજીના પરસેવાનું એક ટીપું હવામાંજ જીલનાર મકરને મકરદ્વાજ નામનો પુત્ર થયેલો અને આમ હનુમાનજી પરોક્ષ રીતે મકરધ્વજ નામના એક પુત્રના પિતા બનેલા અને આખા વિશ્વમાં આ બંને પિતા પુત્રના મિલનને એકસાથે દર્શાવતુ એકમાત્ર મંદિર ગુજરાતમાં આવેલ ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારિકાના બેટ દ્વારિકા ટાપુ પર આવેલું છે.
હનુમાનજી ખુબજ દયાળુ અને પરમ કૃપાળુ છે તેમના આશીર્વાદ મેળવવા માટે કેટલાયે એવા પ્રસિદ્ધ મંદિરો છે કે જ્યાં ભકતો અલગ અલગ -કારની માનતાઓ અને બાધાઓ લઈને આવે છે. પોતાના સ્વામિ પ્રભુ શ્રીરામ પ્રત્યેયની નિસ્વાર્થ ભકિત, સેવા, સમર્પણ, બ્રહ્મચારી અને મહાત્યાગ જેવા અનેક ગુણોના સ્વામી શ્રીહનુમાનજી તેમના ભકતોના કષ્ટો નિવારવા માટે તેમના માટે બનાવવામાં આવેલી દરેક નાની મોટી ડેરીઓ અને મંદિરોમાં વાસ કરે છે અને તેમના દરેક ભકતોના કસ્ટો દૂર કરે છે.
કળયુગના હાજરાહજુર દેવ શ્રીહનુમાનજીનો આ લેખ વંચનારા દરેક વાંચકો, પ્રભુ શ્રીરામ અને બાલાજીના તમામ ભકતોને મારી હદયપૂર્વકની પ્રાર્થના છે કે આપશ્રીઓને જ્યારે પણ સમય મળે ત્યારે રાજકોટ શહેરમાં લોધાવાડ તરીકે ઓળખાતા વિસ્તારમાં ગોંડલ રોડને અડીને વિજય પ્લોટ શેરી નંબર ૧૧ના ખૂણા પર આવેલા શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિર ના દર્શન કરવા માટે જીવનમાં એક વખત અવશ્ય પધારજો.
અંગ્રેજોના શાસનકાળથી આશરે એક સદી એટ્લે કે એકસો વર્ષ કરતાં પણ વધારે સમયથી જૂના અને પ્રાચીન એવા આ મંદિરમાં બિરાજેલા સાક્ષાત બાલાજીના દર્શન કરવા માટે એ વખતના રાજવીઓ પણ દૂર દૂરથી દાદાના આંગણે પોતાનું માથું ટેકવવા અને તેમના આશીર્વાદ લેવા માટે અચૂક આવતા.
હું પણ મારી બાલ્યવસ્તાથી મારા માતાપિતાની સાથે આ મંદિરના દાદાના દર્શન કરવા માટે નિયમિતપણે જતો જે પ્રણ આજની તારીખે પણ ચાલૂ છે અને અહીના હાજરાહજૂર અને સાક્ષાત દેવ બાલાજીની અસિમ કૃપાથી મંગલમય જીવન પ્રાપ્ત કરેલ છે.
શ્રી હનુમાન જયંતિના શુભ અવસર પર ઁ શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિરના પૂજ્ય મહંત શ્રી હરભજનદાસ બાપુ તરફથી તમામ ભકતજનોને સાંજના ૭ વાગ્યે શરૂ થનારી મહાઆરતીમાં હાજર રહેવા તેમજ ૭.૩૦ વાગ્યાથી શરૂ થનારા મહાપ્રસાદનો અચૂકપણે લાભ લેવા રૂબરૂ પધારવા સૌ કોઈને ભાવભર્યું આમંત્રણ છે.
જય શ્રી રામ.. જય બાલાજી...
કમલ જારોલી
એડવોકેટ અને નોટરી, રાજકોટ

(4:58 PM IST)










