<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

હનુમાનજીનું જીવન નિરંકાર અને નિસ્વાર્થ સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે

હનુમાન દાદા આપણને ભકિત, સાહસ, સેવા, ધૈર્ય અને આધ્યાત્મિક વિકાસ તરફ આગળ વધવા માટે પ્રેરિત કરે છે

રાજકોટઃ ચૈત્ર સૂદ પૂનમના દિવસે ભગવાન હનુમાનના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે તેમના ભકિત, શકિત અને નિષ્ઠાના પ્રતીક તરીકે ઓળખાય છે. આ દિવસ માત્ર જન્મદિવસ ઉજવણી નથી, પરંતુ આધુનિક યુગ માટે અનેક પ્રેરણાત્મક સંદેશો આપે છે.

    હનુમાનજીની જીવનકથા દર્શાવે છે કે નિષ્ઠા અને ભકિતથી કોઈપણ મુશ્કેલી પર વિજય મેળવી શકાય છે. આજના યુગમાં, જ્યાં લોકો ઘણીવાર પોતાની મંજિલથી ભટકી જાય છે, હનુમાનજીની નિષ્ઠા જીવનમાં ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપે છે.

હનુમાનજીએ પોતાના આત્મવિશ્વાસથી અશક્ય લાગતી પરિસ્થિતિઓને પણ શક્ય બનાવી હતી, જેમ કે સમુદ્ર પાર કરવો અને લંકાને બાળી દેવી. આજના યુગમાં, આ સંદેશો આપણને બળ આપે છે, તે આત્મવિશ્વાસ અને સાહસથી કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે એ શીખવે છે.

હનુમાનજીનું જીવન નિરહંકાર અને નિસ્વાર્થ સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓએ પોતાની શકિતઓને ક્યારેય ગર્વ માટે નહીં, પરંતુ અન્યોની મદદ માટે ઉપયોગ કર્યો હતો. આજના સમયમાં, આ ભાવ સમાજમાં એકતા અને સહકારની ભાવનાને મજબૂત કરવા માટે નું શ્રેષ્ઠ અને મહત્વપૂર્ણ ઉદાહરણ છે.

આજના સમયમાં લોકો વ્યસ્તતા, ટ્રેસ અને આર્થીક મુશ્કેલીઓને કારણે આંતરિક શાંતિ ગુમાવી દેતા હોય છે, હનુમાન જયંતિ આપણને આત્મમંથન કરવા, ધૈર્ય અને આધ્યાત્મિકતા તરફ આગળ વધવા પ્રેરિત કરે છે.

હનુમાનજીની સ્થિરતા અને સંઘર્ષ સામે ધૈર્ય આજે દરેક વ્યકિત માટે પ્રેરણાત્મક છે. જીવનમાં પડતી મુશ્કેલીઓ સામે ધૈર્ય રાખવું અને સ્થિર રહેવું સફળતાની ચાવી છે.

હનુમાનજીની સેવા ભાવના આજે માનવતાવાદના મૂલ્યોને ઉજાગર કરે છે. તેઓએ  પોતાની શકિતઓનો ઉપયોગ લોકોની મદદ કરવા માટે કર્યો હતો, જે આજના યુગમાં પરોપકારના મહત્વને યાદ કરાવે છે.

    હનુમાન જયંતી એ માત્ર ભકિતનો પર્વ નથી, પરંતુ ધૈર્ય, સેવા અને નમ્રતાની જીવંત પ્રતિકૃતિ ભગવાન હનુમાનજીના ગુણો ધારણ કરવાની પ્રેરણા છે. આજના સમયમાં જ્યારે વિશ્વ અસંતુલન, ભય અને અસહિષ્ણુતાથી  ઘેરાયું છે, ત્યારે હનુમાનજીની  જેમ નિષ્કપટ  ભકિત, નિર્ભયતા અને શ્રદ્ધાની જરૂર છે.

ચાલો આજે નક્કી કરીએ કે આપણું જીવન પણ સમાજ માટે ઉપયોગી બની રહે, મુશ્કેલીઓ સામે અડગ રહીયે અને નમ્રતાથી દરેક સાથે વ્યવહાર કરીએ.

હનુમાન જયંતી એ યુવાવર્ગ માટે એક અદભુત પ્રેરણા છે. ભગવાન હનુમાન ન ફકત શકિત અને બુદ્ધિના દેવ છે, પણ તેમના જેવી અડગ નિષ્ઠા, નિઃસ્વાર્થ સેવા અને આત્મવિશ્વાસ આજના યુવાનો માટે માર્ગદર્શિકા સમાન છે. આજના યુવાનોમાં અસંખ્ય ક્ષમતા છે, પરંતુ તેને યોગ્ય દિશામાં વાળવી એ જરૂરી છે. હનુમાનજીની જેમ દરેક કાર્યમાં નમ્રતા સાથે સમર્પિત રહો, સકારાત્મક રહો અને જાતિ, ભાષા કે ધર્મના ભેદ વગર સૌના કલ્યાણ માટે પ્રયત્ન કરો.

ૅબજરંગબલીની ભકિતથી ભરે છે હૈયું,

વિદ્યાની સાથે હોય સેવાનું પથ,

યુવાનોમાં જગે ધૈર્ય, શૌર્ય અને નમ્રતા,

એજ હનુમાનજીનો સાચો માર્ગ છે.

આવો, હનુમાન જયંતી પર એક સંકલ્પ કરીએ.... ૅભકિતમાં શ્રદ્ધા, જીવનમાં શિસ્ત, કર્મમાં સાહસ, જ્ઞાનમાં સંસ્કાર અને સમાજ માટે કોઈ ઉત્તમ ઉદાહરણ બનીએ.ૅ

આજના યુગમાં આ તહેવારને આધ્યાત્મિકતા, નિસ્વાર્થ સેવા અને સાંસ્કૃતિક પરંપરાના સંમિશ્રણ તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે. હનુમાન જયંતિ માત્ર ધાર્મિક તહેવાર નહીં પરંતુ આધુનિક જીવન માટે માર્ગદર્શક બની રહે છે.

હનુમાન જયંતી એ ભારતીય ઉપખંડમાં ઉજવવામાં આવતો હિંદુ ધર્મના લોકોનો પવિત્ર અને ભકિતમય તહેવાર છે.

આ પર્વ ભારતમાં વિક્રમ સંવત/શક સંવત મુજબ ચૈત્ર સુદ પૂનમના રોજ ઉજવવામાં આવે છે.

આજના સંદર્ભમાં હનુમાન જયંતીનો સંદેશ ખૂબ મહત્ત્વપૂર્ણ છે, ખાસ કરીને માનવ સમાજ ઘણા પડકારોનો સામનો કરી રહ્યો છે. આ શુભ દિવસે શ્રદ્ધાળુઓ હનુમાનજીની શોભાયાત્રા, છોકરાઓને બટુક ભોજન, મંદિરે ધૂન આરતી કરી મનાવવામાં આવે છે. (૪.૨૩)

પ્રાસંગિક

બાબુભાઇ મેનપરા

નિવૃત્ત BSNL અધિકારી

(5:12 PM IST)