News of Saturday, 12th April 2025
જામનગરથી રાજકોટ દવા લેવા આવેલા દિનેશભાઇ માલાણીનું હૃદય બેસી ગયું
જ્યુબીલી બાગ નજીક ચાલીને જતી વખતે ઢળી પડયાઃ સારવારમાં મૃત્યુ નિપજ્યું

રાજકોટ તા. ૧૨: જામનગરથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવા લેવા આવેલા વૃધ્ધ જ્યુબીલી બાગ પાસે ચાલીને જતી વખતે ઢળી પડતાં મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ જામનગર ઓસવાલ હોસ્પિટલ પાસે રહેતાં દિનેશભાઇ કેશુભાઇ માલાણી (ઉ.વ.૬૫) નામના વૃધ્ધ સાંજે સાડા સાતેક વાગ્યે જ્યુબીલી બાગ નજીક બીએસએનએલ ઓફિસ પાસે ચાલીને જતાં હતાં ત્યારે બેભાન થઇ પડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોડી રાતે મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર વૃધ્ધ અપરિણીત હતાં અને ચાર ભાઇ તથા એક બહેનમાં મોટા હતાં. તે એકલા જ રહેતાં હતાંં. તેમની પાસેથી મળેલા આધારકાર્ડ, ફોન નંબરને આધારે પોલીસે સગાને જાણ કરી હતી. હાર્ટએટેક આવી ગયાની શક્યતા જણાવાઇ હતી.
ગજીવાડાના રાજેશભાઇ મકવાણાનું હાર્ટએટેકથી મૃત્યુ
ભાવનગર રોડ ગંજીવાડા-૩૬માં રહેતાં રાજેશભાઇ (રાજુભાઇ) શામજીભાઇ મકવાણા (ઉ.વ.૩૮) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાતે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક બે ભાઇ અને એક બહેનમાં મોટા તથા અપરિણીત હતાં. હાલ કંઇ કામ કરતા નહોતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. બનાવ અંગે થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.
લોઠડામાં શીશુપાલ કુશવાહાનું બેભાન થઇ ગયા બાદ મોત
રાજકોટના લોઠડા ગામે આવેલી ડાયમંડ કંપની પાસે રહેતાં શીશુપાલભાઇ નાથુરામ કુશવાહા (ઉ.વ.૪૯) રાતે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)
(11:42 AM IST)










