મોબાઇલ ફોનમાં આઇડી પર ક્રિકેટ મેચનો સટ્ટો રમતા ત્રણ પકડાયા
પુજારા પ્લોટ, ટાગોર રોડ અને તક્ષશીલા સોસાયટી પાસે પીસીબીના દરોડાઃ ત્રણ મોબાઇલ કબ્જે

રાજકોટ, તા. ૧રઃ શહેરના અલગ-અલગ વિસ્તારમાં પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી મોબાઇલ ફોનમાં આઇડી પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ પુજારા પ્લોટ મેઇન રોડ પર લક્ષ્મી વાડી તરફ જતા રોડ પર એક શખ્સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની પીસીબીના હેડ કોન્સ કિરતસિંહ ઝાલાને બાતમી મળતા પુજારા પ્લોટ મેઇન રોડ પર શુભ એવન્યુ એપાર્ટમેન્ટ પાસે મોબાઇલમાં આઇડી પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો જયેશ પ્રતાપભાઇ રાઠોડ (રહે. લક્ષ્મીવાડી કવાર્ટર બ્લોક નં. ૭ કવાર્ટર નં. પ૧) ને પકડી લીધો હતો. જયારે બીજા દરોડામાં પીસીબીના એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા અને કોન્સ હીરેનભાઇ સોલંકીને બાતમી મળતા ટાગોર રોડ ગોલ્ડન પ્લાઝા કોમ્પ્લેક્ષ પાસે દરોડો પાડી મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા રાજદીપસિંહ બળભદ્રસિંહ ઝાલા (રહે. મોરબી સામા કાંઠે હાઉસીંગ બોર્ડ કવાર્ટર) ને પકડી લઇ કપાત લેનાર મોરબીના અર્જુન ભાનુશાળીની શોધખોળ હાથ ધરી છે. જયારે ત્રીજા દરોડામાં પીસીબીના કોન્સ દેવરાજભાઇને બાતમી મળતા હેડ કોન્સ કરણભાઇ મારૂ સહિતે સદરબજાર નજીક તક્ષશીલા સોસાયટી પાસે દરોડો પાડી મોબાઇલ ફોનમાં આઇડી પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા યોગેશ અશોકભાઇ જીલકા (રહે. દોઢસો ફુટ રોડ વ્હાઇટ ગોલ્ડ એપાર્ટમેન્ટ) ને પકડી લઇ મોબાઇલ ફોન કબ્જે કરી તપાસ હાથ ધરી છે.










