News of Saturday, 12th April 2025
કુવાડવામાં સીએનજી પંપ ખાતે ગેસ પુરાવવા ગાડી વચ્ચે નાંખતા ધોકા-પાઇપ ઉડયાઃ ૪ને ઇજા
જુના યાર્ડ પાસે રહેતાં રેવાભાઇ બોસરીયા, તેના પુત્ર રાહુલ અને સામા પક્ષે રામપરા બેટીના કિશન દુધરેજીયા અને તેના મિત્ર જયદિપ મકવાણાને ઇજાઃ સામ-સામી ફરિયાદ

રાજકોટ તા. ૧૨: કુવાડવામાં ક્રિષ્ના કાઠીયાવાડી હોટલ નજીક આવેલા પંપ ખાતે કારમાં સીએનજી ગેસ પુરાવવા બાબતે બે કાર ચાલકો વચ્ચે માથાકુટ, બોલાચાલી થતાં રાજકોટના કાર ચાલકે તેના પિતા, પિત્રાઇ સહિતને બોલાવતાં અને રામપરા બેટીના કારચાલકે તેના મિત્રને બોલાવતાં આ લોકો વચ્ચે પણ ધોકા-પાઇપ ઉડતાં બંને પક્ષના મળી ચારને ઇજા થતાં કુવાડવા પોલીસે સામ-સામે ફરિયાદ દાખલ કરી છે.
રામપરા બેટી ગામનો જયદિપ મકવાણા અને માલધારી સોસાયટીના રેવાભાઇ બોસરીયા ઇજા સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. પોલીસે જુના માર્કેટ યાર્ડ પાસે માલધારી સોસાયટીમાં શાળા નંબર-૬૭ સામે રહેતાં રેવાભાઇ ધનાભાઇ બોસરીયા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી કિશન દુધરેજીયા અને અજાણ્યા ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. રેવાભાઇ બોસરીયા-ભરવાડ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેણે કહ્યું હતું કે હું ઘરે હતો ત્યારે દિકરા રાહુલે મને ફોન કરી કહેલુ કે હું કુવાડવામાં ક્રિષ્ના કાઠીયાવાડી હોટલ પાસે આવેલા પંપે સીએનજી ગેસ પુરાવવા સ્વીફટ ગાડી લઇને ગયો ત્યારે મને ત્રણ-ચાર લોકોએ જઘડો કરી ધોકા-પાઇપથી માર માર્યો છે અને લોહી નીકળે છે તો તમે જલ્દી આવો.
જેથી હું ત્યાં જતાં કિશન દુધરેજીયા અને બીજા ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં હોઇ તેને ઝઘડો નહિ કરવા સમજાવતાં તે ધોકા-પાઇપ લઇને ગાડીમાંથી ઉતર્યા હતાં અને મને પણ માર મારવા માંડયા હતાં. બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં અને મારો ભત્રીજો વિપુલ પણ આવી જતાં ૧૦૮ બોલાવી મને હોસ્પિટલમાં ખસેડયો હતો. મને માથા, ડાબા હાથે ઇજા થઇ હતી. મારા દિકરાને ગેસ પુરાવતી વખતે લાઇનમાં વારા બાબતે તકરાર થતાં કિશન સહિતે મારકુટ કરી હોઇ હું સમજાવવા જતાં મારા પર હુમલો થયો હતો.
બીજી તરફ સામા પક્ષે રામપરા બેટી ગામે રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં જયદિપ જગદીશભાઇ મકવાણા (ઉ.વ.૨૦) નામના યુવાનની ફરિયાદ પરથી પોલીસે રાહુલ ભરવાડ, તેના બાપુજી અને ત્રણ અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. જયદિપે કહ્યું હતું કે મારા મિત્ર કિશન દુધરેજીયાનો મને ફોન આવેલો કે કુવાડવા ગાડીમાં ગેસ પુરાવવા ગયો ત્યારે એક શખ્સે ગેસ પુરાવવા સ્વીફટ ગાડી વચ્ચે નાંખતા તેને અટકાવતાં એ સ્વીફટના ચાલકે ઝઘડો કર્યો છે તું જલ્દી આવ.
કિશનનો ફોન આવતાં હું ત્યાં પંપ ખાતે જતાં કારવાળો શખ્સ મળ્યો હતો. જેનું નામ રાહુલ ભરવાડ હતું. તેને હું ઝઘડો નહિ કરવા સમજાવતો હતો ત્યાં રાહુલના બાપુજી સહિત બીજા શખ્સો આવી ગયા હતાં અને ગાળાગાળી કરી મારા પર ધોકા-પાઇપથી હુમલો કરતાં મને માથામાં ઇજા થઇ હતી અને લોહી નીકળવા માંડયા હતાં. લોકો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવતાં મને હોસ્પિટલમાં ખસેડયો હતો. મારા મિત્ર કિશનને પણ આ લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવા એએસઆઇ એસ. ડી. પાંડેએ બંને ફરિયાદ દાખલ કરી હતી.
(4:13 PM IST)










