તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
૪૦ લાખના વીમા માટે નકલી રિપોર્ટ આપવા સહયોગ ઇમેજીંગના કર્મચારી હિમાંશુ રાઠોડે ૨૫૦૦ ખાધા'તા!
મયુરની દુકાને ચાર વર્ષ પહેલા ડો. કેતન ફાકી ખાવા ગયો અને મિત્રતા થઇઃ મયુરે હાલમાં આર્થિક ભીંસ હોઇ વીમા પોલીસી પકાવવી છે તેવી વાત કરતાં કાવત્રાની શરૂઆત થઇ હતી સુત્રધાર મયુર છુંછાર, તેના ફિઝીયોથેરાપીસ્ટ મિત્ર ડો. અંકિત કાથરાણી, સમર્પણ હોસ્પિટલના એડમીન ભાવીક માકડ,હોસ્પિટલ ઇવેન્ટનું કામ કામ કરતાં હિતેષ રવીયા અને અને તેના મિત્ર સિવિલ હોસ્પિટલના સહયોગ ઇમેજીંગના કર્મી હિમાંશુ રાઠોડની ધરપકડઃ રિમાન્ડની તજવીજ ડો. અંકિતે મિત્ર હિતેષને નકલી એમેઆઇઆર રિપોર્ટ માટે વાત કરતાં હિતેષે પોતાના મિત્ર સહયોગમાં નોકરી કરતાં હિમાંશુને વાત કરી નકલી રિપોર્ટ બનાવી આપ્યો'તોઃ મયુર પાસેથી હિતેષે રૂા. ૫૦૦૦ મેળવી અડધા પોતે રાખી, અડધા મિત્ર હિમાંશુને આપ્યા હતાં

રાજકોટ તા. ૧૧: શહેરના જામનગર રોડ વ્હોરા સોસાયટી પાસે રહેતાં ચા-પાનના ધંધાર્થીએ ફિઝીયોથેરાપીસ્ટ ડોક્ટર સાથે મળી ૪૦ લાખની વિમા પોલીસી ખોટા સારવારના રિપોર્ટને આધારે મેળવી લેવા ઘડેલા કાવત્રાનો પર્દાફાશ થતાં પોલીસે સુત્રધાર, તેના મિત્ર ડોક્ટર તેમજ સમર્પણ હોસ્પિટલના કર્મચારી, સિવિલ હોસ્પિટલના સહયોગ ઇમેજીંગના કર્મચારી અને હોસ્પિટલોમાં ઇવેન્ટનું કામ સંભાળતા શખ્સ સહિત પાંચને ઝડપી લીધા છે. નકલી એમઆરઆઇ રિપોર્ટ તૈયાર કરી આપવા હોસ્પિટલ ઇવેન્ટનું કામ સંભાળતા શખ્સે સુત્રધાર પાસેથી રૂા. ૫૦૦૦ લઇ તેમાંથી ૨૫૦૦ પોતે રાખી લઇ, બાકીના ૨૫૦૦ સિવિલના સહયોગ ઇમેજીંગના કર્મચારીને આપી તેની પાસેથી ખોટો રિપોર્ટ મેળવ્યો હોવાનું ખુલ્યું છે.
શહેરમાં રહેતાં અને ચાની હોટલ તથા પાનની દૂકાન ચલાવતાં મયુર છુંછાર નામના યુવાને દેણું થઇ ગયું હોઇ પોતાને પેરેલિસીસની અસર થઇ ગઇ છે તેવા ખોટા સારવારના રિપોર્ટ ઉભા કરાવી ૪૦ લાખનો વીમો પકાવી લેવા કારસ્તાન ઘડતાં અને તેમાં પોતાના મિત્ર એવા ફિઝીયોથેરાપીસ્ટ ડોક્ટર તથા સમર્પણ હોસ્પિટલના કર્મચારી સહિતને સામેલ કરી પોલીસી પાસ કરાવવા પ્રોસીઝર કરી હતી. પરંતુ થર્ડ પાર્ટી વિમા ક્લેઇમની ખરાઇ કરવાનું કામ સંભાળતી એજન્સીના અધિકારીએ આ કારસ્તાનનો પર્દાફાશ કરી ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં સુત્રધાર મયુર, ફિઝીયોથેરાપીસ્ટ ડોક્ટર, સમર્પણ હોસ્પિટલમાં એડમીન તરીકે નોકરી કરતાં યુવાન તેમજ મેડિક ઇવેન્ટનું કામ સંભાળતા શખ્સ અને સિવિલ હોસ્પિટલના સહયોગ ઇમેજીંગ સેન્ટરમાં નોકરી કરતાં શખ્સ સહિત પાંચને ઝડપી લઇ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. ખોટા કાગળો ઉભા કરવામાં આ બધાએ અલગ અલગ ભાગ ભજવી આર્થિક લાભ લીધો હતો.
આ કોૈભાંડમાં પોલીસે સુત્રધાર ઘર નજીક જામનગર રોડ પર રજવાડી ચા-પાન નામે ધંધો કરતાં મયુર કરસનભાઇ છુંછાર (ઉ.વ.૩૨-રહે. કેવલમ કિંગડમ એપાર્ટમેન્ટ, એમ્પાયર વિંગ ફલેટ નં. ૨૦૨, માધાપર ચોકડી પાસે), તેના મિત્ર ફિઝીયોથેરાણીસ્ટ ડો. અંકિત હિતેષભાઇ કાથરાણી (ઉ.વ.૩૦-રહે. દ્વારીકા લો-રાઇડ્સ વીંગ, માધવ બ્લોક-૨૦૧, માધાપર ચોકડી), સમર્પણ હોસ્પિટલમાં એડમીન તરીકે આઠ વર્ષથી નોકરી કરતાં ભાવિક પરેશભાઇ માકડ (ઉ.વ.૪૩-રહે. જનની એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૩, નાણાવટી ચોક માસુમ સ્કૂલવાળી શેરી), અલગ અલગ હોસ્પિટલોમાં ફ્રીલાન્સ તરીકે-ઓપીડી કેમ્પ યોજવા સહિતની ઇવેન્ટનું કામ કરતાં હિતેષ રામજીભાઇ રવીયા (ઉ.વ.૩૪-રહે. શ્રમજીવી સોસાયટી-૨/૬, ઢેબર રોડ) તેમજ સિવિલ હોસ્પિટલના સહયોગ ઇમેજીંગ સેન્ટરમાં લાંબા સમયથી નોકરી કરતાં હિમાંશુ ગોપાલભાઇ રાઠોડ (ઉ.વ.૩૭-રહે. રામનાથપરા-૨૧, બાલા હનુમાન મંદિર સામે)ની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક પુછતાછમાં એવી વિગત ખુલી છે કે મયુર છુંછાર જામનગર રોડ પર ચા-પાનની હોટલ, દુકાન ચલાવતો હોઇ ચાર વર્ષ પહેલા તેની દુકાને ફિઝીયોથેરાપીસ્ટ ડો. અંકિત કાથરાણી પાન-ફાકી ખાવા ગયો હતો. એ પછી અવાર-નવાર ત્યાં જતો હોઇ બંને વચ્ચે મિત્રતા થઇ ગઇ હતી. હાલમાં મયુર આર્થિક ભીંસમાં હોઇ અને દેણું થઇ ગયું હોઇ તે ટુંકા રસ્તે રૂપિયા મેળવવાના પ્લાનમાં હતો. આથી તેણે મિત્ર ડો. અંકિતને વાત કરી હતી કે મેં આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડની ક્રિટીશીલ્ડ પ્લસ પોલીસી રૂપિયા ૪૦ લાખની કરાવી છે. આ પોલીસી મારે પકાવવી હોય તો શું કરવું? ખોટી રીતે આ પોલીસી પકાવીએ તો ચાલીસ લાખ જેવી માતબર રકમ મળે તેમ કહેતાં મિત્ર એવો ડો. અંકિત લાલચમાં આવી ગયો હતો અને તેણે કાવત્રામાં સામેલ થઇ પેરેલિસીસ જેવી બિમારી બતાવીએ તો કદાચ આ પોલીસી પાકી જાય તેમ કહ્યું હતું.
આ પછી મયુરે નકલી કાગળો ઉભા કરવાનું કહેતાં ડો. અંકિતે પોતાના પરિચીત ને હોસ્પિટલોમાં મેડીકલ ઇવેન્ટ યોજવા સહિતના કામ કરતાં મિત્ર હિતેષ રવીયાનો કોન્ટેક્ટ કરી પોતાના મિત્ર મયુરને ખોટો એમઆરઆઇ રિપોર્ટ જોઇએ છે તેવી વાત કરતાં હિતેષે પોતાનો મિત્ર હિમાંશુ સિવિલ હોસ્પિટલના સહયોગ ઇમેજીંગમાં નોકરી કરે છે તેની મદદથી થઇ જશે તેમ કહી નકલી રિપોર્ટ બનાવડાવી દીધો હતો. આ રિપોર્ટ પેટે હિતેષે મયુર પાસેથી રૂા. ૫૦૦૦ ગૂગ્લ પેથી લઇ તેમાંથી ૨૫૦૦ પોતે રાખી બાકીના ૨૫૦૦ હિમાંશુને આપ્યા હતાં.
પોલીસધારક મયુરને ગંભીર બિમારી લાગુ પડી છે તે દેખાડવા આગળ શું કરવું? તેના પ્લાન મુજબ ડો. અંકિતે ખોટો એમઆઇઆર રિપોર્ટ આવી ગયા બાદ સમર્પણ હોસ્પિટલમાં એડમીન તરીકે નોકરી કરતાં પોતાના મિત્ર ભાવિક માકડનો સંપર્ક કરી મયુરને સમર્પણ હોસ્પિટલમાં દાખલ કરાવી દીધો હતો. અહિ તેને ચક્કર, તાવ, બ્લડપ્રેશર સહિતી તકલીફ હોવાનું કહી બોંતેર કલાક દાખલ કરાવી સારવાર અપાવી હતી. જો કે બાદમાં રજા અપાઇ તે વખતે આ સારવારને બદલે દદી મયુર છુંછારને પેરેલિસીસની અસર છે તે પ્રકારની ખોટી વિગતો સાથેના રિપોર્ટ એડમીન ભાવિકે બનાવી આપ્યા હતાં. પરંતુ બે ડોક્ટરના નામ આવતાં અને બંનેએ શરીરની ડાબી-જમણી બાજુએ પેરેલિસિસની અસર છે એવુ અલગ અલગ લખાણ કર્યુ હોઇ તપાસ એજન્સીને શંકા ઉપજી હતી અને મયુર આણી મંડળીનું ભોપાળુ ખુલ્યું હતું.
હિતેષ રવીયા એ ડો. અંકિત કાથરાણીનો મિત્ર હોઇ જેથી તેણે ખોટા એમઆરઆઇ રિપોર્ટ માટે પોતાના મિત્ર સહયોગ ઇમેજીંગના હિમાંશુ રાઠોડની મદદ લીધી હતી. હિમાંશુએ આ ખોટો રિપોર્ટ તૈયાર કરીને આપ્યો હતો અને બદલામાં રૂપિયા ૨૫૦૦ મેળવ્યા હતાં. આમ તમામે આ ખોટા રિપોર્ટને આધારે વીમા પોલીસી પકાવવાનું કારસ્તાન ઘડયું હતું. પરંતુ ફિનીક્સ એન્સ્યોરન્સ એજન્સીની ખાનગી તપાસ દરમિયાન મયુર અને ડો. અંકિત ખુલ્લા પડી જતાં બંનેએ માફી માંગી દાવો વિડ્રો કરી લીધો હતો. આ તમામે કાવત્રામાં ભાગ ભજવી આ રીતે બીજા કોઇ ક્લેઇમ પકાવ્યા છે કે કે? તેની તપાસ થઇ રહી છે. હોસ્પિટલમાંથી અમુક ફાઇલો ગૂમ હોઇ તેમાં કોણે ભાગ ભજવ્યો? તેની પણ તપાસ થઇ રહી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની સુચના અને પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એ. એસ. મકરાણી, કેલ્વીનભાઇ સાગર, વિશ્વરાજસિંહ જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.










