<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

ભાષા રચના વિચાર મંચ (ભારવિ) ની 38મી બેઠક 13 એપ્રિલે રાજકોટમાં : સાહિત્ય અને સંસ્કૃતિની રસપ્રદ ચર્ચા

દિવંગત સર્જકોને શબ્દાંજલિ : વિનોદકુમાર શુક્લનું સાહિત્યિક જીવન અને અમેરિકામાં ભારતીયોના અનુભવો પર વક્તવ્ય : સાહિત્યપ્રેમીઓ, વિદ્વાનો અને રસિકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મંચ દ્વારા હાર્દિક નિમંત્રણ

રાજકોટ, : ભાષા રચના વિચાર મંચ (ભારવિ) દ્વારા ગત ત્રણ વર્ષથી સતત યોજાતી નિયમિત બેઠકોની શૃંખલાનો 38મો કાર્યક્રમ આગામી રવિવાર, તા. 13 એપ્રિલ 2025ના રોજ રાજકોટમાં યોજાશે. આ બેઠક સવારે 9:30થી બપોરે 12:00 સુધી "સત્ત્વ", ભારત વિકાસ પરિષદ, 2/10, જલારામ-2, SBI વાળી શેરી, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે યોજાશે.

આ બેઠકમાં વિવિધ વિષયો પર રસપ્રદ અને જ્ઞાનવર્ધક ચર્ચાઓ યોજાશે. સૌપ્રથમ, દિવંગત ગુજરાતી સાહિત્યકારો રજનીકુમાર પંડ્યા, અનિલ જોશી, હરિકૃષ્ણ પાઠક અને રમેશ આચાર્યને આર. પી. જોશી દ્વારા શબ્દાંજલિ અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પ્રખ્યાત સાહિત્યકાર વિનોદકુમાર શુક્લના જીવન અને તેમની કવિતાઓના સર્જન વિશે ભગવાન થાવરાણી વક્તવ્ય આપશે. વિનોદ માંગુકિયા અમેરિકામાં રહેતા ભારતીયોના જીવનના અનુભવો અને તેના સાંસ્કૃતિક પરિમાણો વિશે રસપ્રદ રજૂઆત કરશે.

આ સાથે, સમયની ઉપલબ્ધતા અનુસાર, પૂર્વ નોંધણી કરાવનાર અન્ય સભ્યોની ટૂંકી પ્રસ્તુતિઓ પણ સામેલ કરવામાં આવશે. કાર્યક્રમનું આયોજન સમયની પાબંદી સાથે કરવામાં આવશે, જેથી રસિકોને ગુણવત્તાયુક્ત અનુભવ પ્રાપ્ત થાય.

ભાષા રચના વિચાર મંચ દ્વારા સાહિત્ય અને સંસ્કૃતિના વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવે છે, અને આ બેઠકો રસિકોને નવા વિચારો અને જ્ઞાનની આપ-લે કરવાનું મંચ પૂરું પાડે છે. સૌ સાહિત્યપ્રેમીઓ, વિદ્વાનો અને રસિકોને તેમના મિત્રો તથા સ્નેહીઓ સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મંચ દ્વારા હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે. સંજય ઉપાધ્યાય (૯૯રપર૧૦ર૩૭), ડૉ. અશ્ચિની જોષી (૯૦૯૯૯૩૯૬૩૦), પરાગ ત્રિવેદી (૯૪ર૮ર૦૩૦૯૫).

 

(4:15 PM IST)