News of Saturday, 12th April 2025
દૂધસાગર રોડ પર કવાર્ટસમાં અને ગાયકવાડીમાં મકાનમાં દરોડો : તીનપતી રમતા ૧ર ઝડપાયા
પીસીબીએ છ અને પ્ર.નગર પોલીસે મહિલાઓ સહિત છને પકડી લીધા

રાજકોટ, તા. ૧ર : શહેરના દૂધસાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં પીસીબીએ અને ગાયકવાડીમાં મકાનમાં પ્રનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મહિલાઓ સહિત ૧ર શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ દુધસાગર રોડ પર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં જુગારધામ ચાલતુ હોવાની પીસીબીના હેડ કોન્સ કુલદીપસિંહ જાડેજાને બાતમી મળતા ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર બ્લોક નં. ૯૧માં કવાર્ટર નં. ૬૦૪ માં દરોડો પાડી તીનપતિનો જુગાર રમતા કવાર્ટર માલીક સસ્લમ અલ્લારખાભાઇ કોલીયા તથા સાધુવાસવાણી રોડ પાટીદાર રેસીડેન્સીના મહેન્દ્ર છગનભાઇ પટેલ, દૂધસાગર રોડ પર વયુરેડીયન્સ એપાર્ટમેન્ટના અજીત સમસુદ્દીનભાઇ ગીલાણી, જામનગરના શાંતિનગર શેરી નં. ૩ ના નરેન્દ્ર છગનભાઇ ગુઢકા, દિગ્વીજય પ્લોટના છેડે રહેતા કાના દિલીપભાઇ મકવાણા તથા જામનગર રોડ સાંઢીયા પુલ નીચે સ્લમ કવાટર્સ બ્લોક નં. ૪ર ના ઇમરાન સાજીદભાઇ જુણેજાને પકડી લઇ રૂા. ૩પ,૧૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. આ કામગીરી પીએસઆઇ એમ. જે હુણ, હેડ કોન્સ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા તથા કોન્સ. યુવરાજીસિંહ રાણા દ્વારા કરવામાં આવી હતી.
જયારે બીજા દરોડામાં ગાયકવાડી શેરી નં. ૪ માં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા પ્રધ્યુમનગર પોલીસના પી.આઇ. વી.આર. વસાવાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આઇ.એ. બેલીમ, કોન્સ તૌફીકભાઇ મંઘરા તથા ચાંપરાજભાઇ ખવડ સહિતે દરોડો પાડી ગાયકવાડી શેરી નં. ૪ માં આવેલ મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક સાબીર અયુબભાઇ શેખ, તથા બજરંગવાડી શેરી નં. ૧ ના બસીર ઇબ્રાહીમભાઇ ફડીર, રૈયા રોડ અમીપાર્ક સોસાયટીના જગદીશ ઉર્ફે રાજુ મોતીભાઇ બસરાણી, ગાયકવાડી શેરી નં. ૪ ના મુસ્કાનબેન સાબીરભાઇ શેખ, રૂખડીયાપરાના યાશ્મીનબેન શાહરૂખભાઇ ફકીર, અને ગાયકવાડી શેરી નં. પ ના સમીનબેન હુસેનભાઇ ફકીરને પકડી લઇ રૂા. ૧૭૭૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
(3:53 PM IST)










