થોરાળામાં લુખ્ખા તત્વોના ત્રાસથી વેપારીએ ફીનાઇલ પીધું
દુકાનેથી અવારનવાર મફતમાં વસ્તુ લઇ જવા બાબતે સમજાવવા જતા હરેશભાઇ પરમારને કેવલ, શામજી, દિલીપ ઉર્ફે દિલો, અજય નાગેશ ઉર્ફે છોટુ અને રોહીત ઉર્ફે બાઠી એ મારમારી ચેઇન, મોબાઇલ અને રોકડ મળી રૂા. ૧.૧૪ લાખની મત્તાની લૂંટ ચલાવીઃ થોરાળા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૪: નવા થોરાળામાં દુકાનેથી અવાર નવાર મફતમાં ચીજ વસ્તુ લઇ જતા હોય તે બાબતે સમજાવવા ગયેલા વેપારી સાથે છ શખ્સોએ ઝઘડો કરી મારમારી સોનાનો ચેઇન રોકડા તથા મોબાઇલ મળી રૂા. ૧.૧૪ લાખની માલમત્તા લૂંટી લેતા આ ત્રાસથી કંટાળી વેપારીએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા થોરાળા પોલીસમાં ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ નવા થોરાળાના ગોકુલપરા શેરી નં. પ માં રહેતા હરેશભાઇ કાનજીભાઇ પરમાર (ઉ.વ. ૪૪) એ થોરાળા પોલીસ મથકમાં કેવલ સોંદરવા, શામજી મકાભાઇ મકવાણા, દિલીપ ઉર્ફે દિલો પ્રેમજીભાઇ ચૌહાણ, અજય જાદવ, નાગેશ ઉર્ફે છોટુ શામજીભાઇ મકવાણા અને રોહીત ઉર્ફે બાઠી સામે ફરિયાદ નોંધાવી છે, હરેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે ‘હું માતા, પત્ની અને ત્રણ બાળકો સાથે રહું છું. અને સેન્ટીંગની મજુરી કામ કરૂં છું. તા. ૧૧ના રોજ રાત્રે ઘરે આવતા પત્ની પ્રભાબેને વાત કરી કે ‘‘થોરાળા વિસ્તારમાં રહેતો કેવલ સોંદરવા દુકાને અવાર-નવાર બાકીમાં ચીજવસ્તુઓ લઇ જાય છે. અને પૈસા માંગી તો આપતો નથી આજે પણ રાત્રે દુકાને સીગારેટ અને પાણીની બોટલ તથા વેફર્સ લઇ ગયો અને પૈસા આપ્યા નથી મેં પૈસા માંગતા તમારી દુકાન બંધ કરી દેજો'' તેમ વાત કરતા હું તથા મારા કાકા નીલેશભાઇ પરમાર બંને કેવલ સોંદરવાના ઘરે આ બાબતે વાતચીત કરવા જતા કેવલ ઘરે હાજર ન હતો. અમે બંને તેના ઘરેથી નીકળી મારા ઘર તરફ જતા હતા ત્યારે મારા મોબાઇલમાં અજય જાદવનો ફોન આવ્યો હતો તેણે કહ્યું ‘તમે કેવલના ઘરે ગયા છો' મેં હા પાડતા તેણે કહેલ કે ‘કેવલ ઘરે હતો. મેં ના પાડતા તેણે કહેલ કે ‘તું કયાં છો' મેં કહેલ કે ‘શામજીભાઇના ઘરે છું.' કહેતા તેણે ‘હું તમને મળવા આવું છું.' કહ્યું હતું. બાદ બંને નવા થોરાળા શેરી નં. ૭/૪ માં રહેતા શામજીભાઇના ઘરે ગયા હતા ત્યાં કેવલછ સોંદરવા સહિત કે ‘અમારી દુકાને મારા માતા પાસેથી અવાર-નવાર ચીજ વસ્તુઓ લઇ જતો હોય છે અને રૂપિયા આપતો નથી' તેમ કહેતા આ તમામ શખ્સોએ ઉશ્કેરાઇ જઇ મારી સાથે ઝઘડો કરી ગાળો આપવા લાગ્યા હતા. મેં તેને ગાળો આપવાની ના પાડતા મને ઢીકાપાટુનો મારમારતા હું ત્યાંથી ભાગતા આ શખ્સો મારી પાછળ આવી ઢીકા પાટુનો મારમારતા હું નીચે પડી ગયો હતો. ત્યારે મેં ગળામાં પહેરેલો સોનાનો ચેઇન મોબાઇલ ફોન રૂા. રપ૦૦ કરોડા મળી રૂા. ૧.૧૪ લાખની માલમતાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પરમ દિવસે બપોરે મને રજા આપતા થોરાળા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એ. પી. રતન સહિતે તપાસ આદરી છે. (૭.ર૬)










