ભાગીદારીના પૈસાની ઉઘરાણી પ્રશ્ને રેતી-કપચીના વેપારી કૃણાલભાઇ મોણપરાને છરી બતાવી ધમકી
સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક પાસે બનાવ : વેપારીની તાલુકા પોલીસમાં પૂર્વ ભાગીદારનો મિત્ર પિયુષ મોલીયા તથા ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરીયાદ

રાજકોટ, તા. ૧૪ : મવડી રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં રહેતા અને બીલ્ડીંગ મટીરીયલ્સનો વેપાર કરતા વેપારીને ભાગીદારીના પૈસાની ઉઘરાણી પ્રશ્ને સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક નજીક બોલાવી પૂર્વ ભાગીદારના મિત્ર સહિત ચાર શખ્સોએ ઝઘડો કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ મવડી બાપાસીતારામ ચોક પાસે રિધ્ધી સિધ્ધી સોસાયટી શેરી નં. ૩ બ્લોક નં. ૧૦ માં રહેતા કૃણાલભાઇ ભુપતભાઇ મોણપરા (ઉ.વ.રપ) એ તાલુકા પોલીસ મથકમાં પૂર્વ ભાગીદારનો મિત્ર પિયુષ મોલીયા તથા ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે.
કૃણાલભાઇએ ફરીયાદમાં જણાવ્યું છે કે હું બિલ્ડીંગ મટીરીયલનો વેપાર કરૂ છું. ખારી ગામના અજયભાઇ શંખાવરા સાથે આઠ મહિના પહેલા બીલ્ડીંગ મટીરીયલ્સનો રેતી કપચીનો ભાગીદારીથી ધંધો ચાલુ હતો. બાદ અજયભાઇ સાથે હિસાબ બાબતે માથાકુટ થઇ હોઇ તેથી અમે બંનેએ ભાગીદારી છૂટી કરવાનો વિચાર કર્યો હતો. બાદ બંનએ વડીલોની હાજરીમાં આ ભાગીદારી છુટી કરી હતી અને આ રેતી-કપચીનો વહીવટ આ અજયભાઇ શંખાવરા કરતા હોઇ તેથી બંનેએ હિસાબ કર્યો હતો. અને બધો હિસાબ થઇ જતા બાકી નીકળતા રૂા. ૧૩ લાખનો છેલ્લે હિસાબ નીકળતો હતો. જેમાંથી ચારે ભાગે રૂા. ૭ લાખ આવ્યા હતા અને અજયભાઇના ભાગે રૂા. ૬ લાખ આવ્યા હતા અને આ પૈસાની ઉઘરાણી અમારે અમે જેને માલ આપ્યો હતો. તેની પાસેથી કરવાની હતી જેમાં અમે નકકી કર્યુ હતું કે જે કે જેનો માલ આપ્યો હોય તેને તેની પાસેથી ઉઘરાણી કરવાની હતી. જેથી મેં જેને માલ આપ્યો હતો. તેની પાસેથી પૈસાની ઉઘરાણી કરી હતી અને આ અજયભાઇને તેના પૈસાની ઉઘરાણી કરવાની હતી તે ઉઘરાણી તેનાથી થઇ ન હતી અજયભાઇ મને ફોન કરીને કહેતા હતા કે મારી ઉઘરાણી પણ ભારે કરવાની રહેશે. જેથી મેં તેને ના પાડી હતી. બાદ અજયભાઇએ મને ફોન કર્યો ન હતો. અજયભાઇએ તેના મિત્ર પિયુષ મોલીયા સાથે પણ મારી મુલાકાત કરાવી હોઇ તેથી હું પિયુષ મોલીયાને ઓળખું છું. બાદ તા. ૯/૪ ના રોજ રાત્રે મારા ફોનમાં પીયુષ મોલીયાનો ફોન આવતા તેણે કહેલ કે વ્હોટસએપમાં મને ફોન કર તેથી મેં પિયુષને વ્હોટસએપ કોલ કરતા તેણે કહેલ કે અજયભાઇ શંખાવતની ઉઘરાણીના પૈસાનો હવાલો મારી પાસે છે. જેથી હવે તારે આ પૈસાની ઉઘરાણી કરીને મને આપવાના છે. જેથી મેં પિયુષને ઉઘરાણી કરવાની ના પાડી દીધી હતી. બાદ તેણે મને સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોકમાં બોલાવતા રાત્રે સાડાબારેક વાગ્યે હું સ્પીડવેલ ચોક પાસે ગયો હતો. ત્યાં ઉભો હતો. ત્યારે નંબર વગરની એન્ડોવર કાર આવી મારી બાજુમાં ઉભી રાખી હતી. ગાડીમાં બેઠેલા પિયુષ મોલીયાએ મને ગાડીમાંથી નીચે ઉતર્યા હતા અને પિયુષે નેફામાંથી છરી કાઢી મને કહેલ કે જો આટલી જ વાર લાગે આ પૈસાનો વહીવટ હવે કઇ રીતે કરીશું ? તેમ કહેતા મેં તેને કહેલ કે અમારો હિસાબ પુરો થઇ ગયો છે હવે અમારે કાંઇ લેવા દેવાનું નીકળતુ નથી. તેમ કહેતા પિયુષ તથા તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને કહેલ કે હાલ અમારી ગાડીમાં બેસી જા કહેતા હું ગાડીમાં ન બેસતા ચારેયે ઉશ્કેરાઇને કહેલ કે હવે તને જાનથી મારી નાખવો છે જોઇ લેજે હવે તુ અમને બીજીવાર ભેગો થા એટલી વાર છે. તેમ ધમકી આપતા હતા ત્યાં રોડ પર પોલીસની ગાડી આવતી જોઇ ચારેય ત્યાંથી ભાગી ગયા હતા બાદ હું ઘરે જતો રહ્યો હતો. બાદ ગઇકાલે તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. કિશનભાઇ અજાગીયાએ તપાસ હાથ ધરી છે.










