<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

રાજકોટમાં એડવાન્સ મિલકત વેરા ભરપાઈને જબરજસ્ત પ્રતિસાદ : પ્રથમ છ દિવસમાં જ રૂ. ૨૩.૧૯ કરોડની આવક

ઓનલાઈન પેમેન્ટનું વધતું ચલણ : મહાનગરપાલિકા દ્વારા ઝોન ઓફિસ તથા વોર્ડ ઓફિસ પર કરદાતાઓ માટે છાંયડો, પાણી અને બેઠકની સુવિધા ઉપલબ્ધ

રાજકોટ, તા. ૧૫: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે શરૂ કરવામાં આવેલી એડવાન્સ મિલકત વેરા અને પાણી દર પર વળતર યોજનાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તારીખ ૯ એપ્રિલ, ૨૦૨૫ થી શરૂ થયેલી આ વેરા વસુલાત ઝુંબેશમાં તારીખ ૧૫ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ બપોરે ૧:૩૦ વાગ્યા સુધીમાં કુલ ૪૪,૪૦૯ કરદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે અને કુલ રૂ. ૨૩.૧૯ કરોડની ભરપાઈ કરી છે.

મહાનગરપાલિકા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ કુલ આવકમાં સૌથી વધુ યોગદાન ઓનલાઈન પેમેન્ટ કરનારા કરદાતાઓનું છે. કુલ ૩૬,૧૩૮ કરદાતાઓએ ઓનલાઈન માધ્યમથી રૂ. ૧૮.૭૯ કરોડની રકમ જમા કરાવી છે. જ્યારે, ૮,૨૭૧ કરદાતાઓએ ચેક અને રોકડ દ્વારા રૂ. ૪.૪૦ કરોડની આવક નોંધાવી છે. નોંધનીય છે કે, એડવાન્સ વેરો ભરપાઈ કરનારા કરદાતાઓને કુલ રૂ. ૨૮.૭૯ કરોડ જેટલું માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે, જેનો લાભ શહેરીજનો ઉઠાવી રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના તમામ ઝોન ઓફિસ, સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસ ખાતે મિલકત વેરા અને પાણી વેરાની ભરપાઈ માટે વ્યવસ્થા કરી છે. નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે આ તમામ સ્થળોએ છાંયડા, પીવાના પાણી અને જરૂરી બેઠક વ્યવસ્થાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓને સમયસર વેરો ભરીને વળતર યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ યોજના શહેરી વિકાસમાં સહભાગી બનવા માટે નાગરિકોને પ્રોત્સાહિત કરે છે.

 

(2:09 PM IST)