<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોગચાળા નિયંત્રણ માટે સઘન કામગીરી : એક સપ્તાહમાં ૧૫ હજારથી વધુ ઘરોમાં પોરાનાશક અને ૨૯૨ ઘરોમાં ફોગીંગ : રહેણાંક અને કોમર્શિયલ મિલકતોમાં મચ્છર ઉત્પત્તિ બદલ નોટિસ

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયાના ફેલાવાને અટકાવવા આરોગ્ય શાખા દ્વારા ઘરે-ઘરે તપાસ : જાગૃતિ અભિયાન અને કડક કાર્યવાહી : નાગરિકોને ૧૦x૧૦x૧૦ નું સૂત્ર અપનાવી સાવચેતી રાખવા અપીલ

રાજકોટ, તા. ૧૫: રાજકોટ શહેરમાં રોગચાળાને ફેલાતો અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સક્રિય બન્યું છે. ગત સપ્તાહે એટલે કે તારીખ ૦૭/૦૪/૨૦૨૫ થી તારીખ ૧૩/૦૪/૨૦૨૫ દરમિયાન આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોને નિયંત્રિત કરવા માટે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોગોના ફેલાવાને રોકવા માટે મહાનગરપાલિકા દ્વારા "૧૦ x ૧૦ x ૧૦" ના સૂત્રને અપનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેમાં દર રવિવારે સવારે ૧૦ વાગ્યે ૧૦ મિનિટ ફાળવી ઘર અને આસપાસના ૧૦ મીટરના વિસ્તારમાં પાણી ભરેલા પાત્રો સાફ કરવા અને આ માહિતી અન્ય ૧૦ લોકોને પહોંચાડવાનો સમાવેશ થાય છે.

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ સપ્તાહ દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ કુલ ૧૫,૩૯૫ ઘરોમાં તપાસ કરવામાં આવી અને પોરાનાશક દવા નાખવામાં આવી. આ ઉપરાંત, ફિલ્ડવર્કરોની ટીમો દ્વારા ૨૯૨ ઘરોમાં ફોગીંગની કામગીરી પણ કરવામાં આવી છે. મચ્છરોની વધુ ઘનતાવાળા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા પણ સઘન ફોગીંગ કરવામાં આવી રહ્યું છે. સંવેદનશીલ વિસ્તારો જેવા કે સોસાયટીઓ, મુખ્ય મંદિરો, બગીચાઓ, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ અને વધુ માનવ સમુદાય એકઠો થતો હોય તેવા તમામ સ્થળોને ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

ડેન્ગ્યુ રોગને ફેલાતો અટકાવવાના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં રહેણાંક મકાનો, દુકાનો, એપાર્ટમેન્ટ્સ, કોર્મશિયલ કોમ્પ્લેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળો તેમજ રહેણાંક મકાનોની આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ સ્થળે મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો જોવા મળે તો જગ્યાના માલિક, ભોગવટો કરનાર કે જવાબદાર વ્યક્તિને સીધી રીતે જવાબદાર ગણીને બાયલોઝ હેઠળ નોટિસ અને વહીવટી ચાર્જ વસૂલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાયના અન્ય ૪૯૫ પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરે) ની તપાસ કરવામાં આવી છે. જેમાં મચ્છર ઉત્પત્તિ બદલ રહેણાંકમાં ૭૮ અને કોર્મશીયલ ૮૪ આસામીઓને નોટિસ આપવામાં આવી છે.

મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. તેમણે તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના ઘરમાં અને આસપાસ પાણી જમા થવા ન દે, પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકીને રાખે અને બિનજરૂરી ડબ્બા-ડુબ્લી તેમજ ટાયરનો યોગ્ય નિકાલ કરે. આ ઉપરાંત, ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની અને પક્ષીકુંજનું પાણી નિયમિતપણે બદલવા અને સાફ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. ડેન્ગ્યુના મચ્છર દિવસ દરમિયાન કરડતા હોવાથી લોકોને દિવસ દરમિયાન પૂરૂ શરીર ઢંકાય તેવા કપડાં પહેરવાની પણ સલાહ આપવામાં આવી છે.

ગત સપ્તાહ દરમિયાન નોંધાયેલા મચ્છરજન્ય રોગોના કેસની વાત કરીએ તો, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જો કે, આ વર્ષે અત્યાર સુધીમાં મેલેરિયાના ૩, ડેન્ગ્યુના ૧૨ અને ચિકુનગુનિયાના ૪ કેસ નોંધાયા છે. અન્ય રોગોની વાત કરીએ તો, ગત સપ્તાહે શરદી-ઉધરસના ૫૩૦, સામાન્ય તાવના ૬૨૮ અને ઝાડા-ઉલટીના ૧૯૬ કેસ નોંધાયા છે. ટાઈફોઈડ અને કમળાના પણ ૪-૪ કેસ નોંધાયા છે, જ્યારે મરડો અને કોલેરાનો એક પણ કેસ નોંધાયો નથી.

મહાનગરપાલિકાએ નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને મચ્છરજન્ય રોગોથી બચવા માટે જાગૃત રહેવા ભારપૂર્વક જણાવ્યું છે. "યાદ રાખો... આદત બદલો, રાજકોટ બદલાશે., સ્વચ્છ રાજકોટ, મચ્છરમુકત રાજકોટ" ના સૂત્ર સાથે મહાનગરપાલિકા શહેરને રોગચાળા મુક્ત બનાવવા માટે કટિબદ્ધ છે અને નાગરિકોના સહકારની અપેક્ષા રાખે છે.

 

(2:50 PM IST)