News of Wednesday, 16th April 2025
મોબાઇલ ફોનમાં બેલેન્સ પુરાવવા નીકળેલા તરઘડીયાના કાળુસિંગનું અકસ્માતમાં મોત
કુવાડવાના ગુંદા પાસે બાઇક સ્લીપ થઇ જતાં બનાવ મુળ રાજસથાનનો યુવાન ખેત મજૂરી કરતો હતોઃ ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા.૧૬: કુવાડવાના ગુંદા ગામ પાસે બાઇક સ્લીપ થઇ જતાં તરઘડીયા ગામે રહી ખેત મજૂરી કરતાં મુળ રાજસ્થાનના યુવાનનું ગંભીર ઇજા થતાં મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ તરઘડીયા વાડીમાં રહી મજૂરી કરતો કાળુસિંગ મદનસિંગ રજપૂત (ઉ.વ.૪૦) રાતે નવેક વાગ્યે બાઇક હંકારીને તરઘડીયાથી ગુંદા ગામે મોબાઇલ ફોનમાં બેલેન્સ પુરાવવા જતો હતો ત્યારે ગુંદા નજીક તેનું વાહન સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મોત થયું હતું.
મૃત્યુ પામનાર કાળુસિંગ બે ભાઇ અને પાંચ બહનેમાં મોટો હતો. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પરિવાર સાથે તરઘડીયા રહી ખેત મજૂરી કરતો હતો. બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ભગીરથસિંહ સહિતે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી.
(11:43 AM IST)










